નવી દિલ્હીઃ (New Delhi) દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં જેલમાં બંધ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે (Supreme Court) રાહત આપી નથી. જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં કરેલી અપીલ સ્વીકારી લેવામાં આવી છે. સોમવારે સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે કેજરીવાલની અપીલ પર EDને નોટિસ મોકલી છે. જોકે સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે કોઈ રાહત આપી નથી. હાલ કેજરીવાલને જેલમાંથી મુક્તિ નહીં મળે. આ મામલામાં આગામી સુનાવણી 29 એપ્રિલે થશે. સુપ્રીમ કોર્ટે EDને 24 એપ્રિલ સુધીમાં તમામ પ્રશ્નોના જવાબ આપવા કહ્યું છે. કેજરીવાલે 27 એપ્રિલ સુધીમાં EDના જવાબનો જવાબ આપવો પડશે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં જેલમાં બંધ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ઝડપી રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે EDને નોટિસ પાઠવીને 24 એપ્રિલ સુધીમાં જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટ હવે કેજરીવાલ કેસની સુનાવણી 29 એપ્રિલે કરશે. સુપ્રીમ કોર્ટમાં અરવિંદ કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દાવો કર્યો હતો કે કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવા માટે ધરપકડ કરવામાં આવી છે. તેમણે કેસની આગામી સુનાવણી ઝડપથી હાથ ધરવાની માંગ કરી હતી. તેના પર કોર્ટે કહ્યું કે 29 એપ્રિલ પહેલા સુનાવણી ન થઈ શકે.
‘મારી ધરપકડ લોકશાહીના સિદ્ધાંતો પર હુમલો છે’
અરવિંદ કેજરીવાલે દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ અને રિમાન્ડને પડકાર્યો છે જેના પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચ આ મામલે સુનાવણી કરશે. સીએમ કેજરીવાલ વતી આ મામલે સુપ્રીમ કોર્ટના તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે. કેજરીવાલે પોતાની અરજીમાં કહ્યું છે કે મારી ધરપકડ નિષ્પક્ષ ચૂંટણી આધારિત લોકશાહીના સિદ્ધાંતો પર હુમલો છે. રાજકીય વિરોધીઓની સ્વતંત્રતા પર હુમલો કરવા માટે EDએ આવું કર્યું છે. ED પાસે એવી કોઈ સામગ્રી નથી કે જેના આધારે PMLA ની કલમ 19 હેઠળના ગુનાનું અનુમાન લગાવી શકાય. ED દ્વારા કરાયેલી ધરપકડ માત્ર સહ-આરોપીઓના વિરોધાભાસી નિવેદનો પર આધારિત છે. આ સહઆરોપીઓ હવે સરકારી સાક્ષી બની ગયા છે.
તાજેતરમાં કેજરીવાલ હાઈકોર્ટથી નિરાશ થયા હતા. હાઈકોર્ટે ઈડીની ધરપકડને યોગ્ય ઠેરવી હતી અને દિલ્હીના સીએમને રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો. હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ કહ્યું હતું કે આ કેન્દ્ર સરકાર અને કેજરીવાલ વચ્ચેનો મુદ્દો નથી. આ ED અને કેજરીવાલ વચ્ચેનો મામલો છે. કેજરીવાલની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેથી કોઈને કોઈ વિશેષાધિકાર આપી શકાય નહીં. ED પાસે તેની ધરપકડ કરવા માટે પૂરતા પુરાવા છે. તપાસમાં મુખ્યમંત્રીને પૂછપરછમાંથી મુક્તિ આપી શકાય નહીં. ન્યાયાધીશો પણ કાયદાના દાયરામાં હોય છે રાજકારણમાં નહીં.