સુરત: (Surat) નવી સિવિલ હોસ્પિટલના (New Civil Hospital) કેમ્પસ ગ્રાઉન્ડમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. કેમ્પસના ગ્રાઉન્ડમાંથી દેશી દારૂના (Alcohol) 7 પોટલા મળી આવ્યા હતાં. લાકડા કાપવા વાળાઓને દારૂ ભરેલી સિમેન્ટની થેલી મળી આવ્યાં બાદ તેમાં તપાસ કરતાં દેશી દારૂની મોટી પોટલીઓ મળી આવી હતી. સિક્યોરીટીએ અધિકારીઓને જાણ કર્યા બાદ પોલીસને (Police) પણ જાણ કરી હતી. જેને લઇને તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસના ગ્રાઉન્ડમાંથી દેશી દારૂના 7 પોટલા મળી આવ્યા હતાં. લાકડા કાપવા વાળાઓને દારૂ ભરેલી સિમેન્ટની થેલી મળી આવ્યાં બાદ તેમાં તપાસ કરતાં દેશી દારૂની મોટી પોટલીઓ મળી આવી હતી. જેથી તાત્કાલિક સિક્યુરિટી સુપરવાઈઝરને જાણ કરવામાં આવી હતી. સુપરવાઇઝરે મેડીકલ કોલેજના ડીનને જાણ કરી અને સાથે સાથે પોલીસને પણ જાણ કરી હતી. સિવિલ કેમ્પસમાંથી દેશી દારૂ મળી આવતા અનેક પ્રકારની ચર્ચા જોવા મળી રહી છે. સિક્યોરીટીએ કેમ્પસ ગ્રાઉન્ડમાંથી એક સ્કુટી સવાર યુવક ઉપર આશંકા વ્યક્ત કરી હતી.
આ બાબતે મેડીકલ કોલેજના ડીન ડો. ઋતંભરા મહેતાએ તપાસના આદેશો આપ્યા હતા. આ બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોવિડ-19ના સમયગાળા દરમિયાન સુરત સિવિલ હોસ્પિટલના અનેક જગ્યામાંથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી હોવાની વિગતો મળી હતી. જો કે, આ બાબતે અધિકારીઓએ કોઇ સત્તાવાર માહિતી આપી ન હતી.
નવી સિવિલ હોસ્પિટલ ખુબ જ જર્જરિત થઇ ગઇ છે અને ચારેય તરફ પોપડા પડી રહ્યા છે
સુરત : નવી સિવિલ હોસ્પિટલ હવે જર્જરિત બની ગઇ છે, ત્યારે હવે હોસ્પિટલમાંથી વધારે પોપડા ખરવાનું શરૂ થઇ ગયું છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાની સાથે જ ઉપરથી એક પોપડો પડતા નાસભાગ મચી ગઇ હતી. અહીંથી પસાર થતા દર્દી સેવા સમિતિના પ્રમુખ સહિત અન્ય લોકોને ઇજા થતા રહી ગઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ બપોરના 12 વાગ્યાના અરસામાં દર્દી સેવા સમિતિના પ્રમુખ સુભાષ ઝાડે સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા અને મેઇન બિલ્ડીંગની દવા બારી પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે ઉપરથી સ્લેબનો મસમોટો પોપડો નીચે ખરી પડ્યો હતો. અચાનક જ સુભાષભાઇનું ધ્યાન ઉપર જતા તેઓ થોડા દૂર થઇ ગયા હતા. આ સમયે અન્ય પોપડો ધડાકાભેર નીચે પડ્યો હતો. જો થોડી સાવચેતી રાખવામાં આવી ન હોત તો કદાચ સુભાષભાઇને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હોત. આ સાથે અન્ય લોકો પણ ત્યાં હાજર હતા તેઓને પણ ઇજા થતા રહી ગઇ હતી. નવી સિવિલ હોસ્પિટલ હવે ખુબ જ જર્જરિત થઇ ગઇ છે અને ચારેય તરફ પોપડા પડી રહ્યા છે. કેટલીક જગ્યાએ કટાઇ ગયેલા સળિયા પણ દેખાઇ રહ્યા છે ત્યારે સ્લેબમાંથી પોપડા પડવાને કારણે લોકોમાં ચિંતા જોવા મળી હતી. આ બાબતે ઉચ્ચ અધિકારીઓને જાણ પણ કરવામાં આવી હતી.