આજથી એટેલે કે તા. 1 નવેમ્બર 2025થી અનેક નાણાકીય નિયમોમાં બદલાવ લાગુ થયા છે. જે તમારા ખિસ્સા પર સીધી અસર કરશે. LPG સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો છે. આધાર કાર્ડ અપડેટ ફી ઘટાડી છે. નવા GST સ્લેબ લાગુ થયા છે અને બેંકો તથા SBI કાર્ડ માટે પણ નવા નિયમો લાગુ થયા છે. ચાલો જાણીએ કે આ ફેરફારો શું છે અને કેવી અસર કરશે.
LPG સિલિન્ડર સસ્તું થયું
ઇન્ડિયન ઓઇલ (IOCL) અનુસાર 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં રૂ 5નો ઘટાડો થયો છે. હવે દિલ્હીમાં તેની નવી કિંમત રૂ. 1590.50 થઈ ગઈ છે. જોકે ઘરગથ્થુ LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. છેલ્લો સુધારો એપ્રિલ 2024માં થયો હતો.
આધાર અપડેટ ફીમાં રાહત
UIDAIએ બાળકોના આધાર કાર્ડમાં બાયોમેટ્રિક અપડેટ માટેની રૂ 125 ફી એક વર્ષ માટે માફ કરી દીધી છે. પુખ્ત વયના લોકો માટે નામ, સરનામું અથવા મોબાઇલ નંબર બદલવા માટે રૂ 75 અને બાયોમેટ્રિક અપડેટ માટે રૂ 125 ફી લેવામાં આવશે. હવે આધાર અપડેટ માટે સહાયક દસ્તાવેજો આપવાની જરૂર નહીં રહે. આ નવો નિયમ આજથી અમલમાં આવ્યો છે.
નવો બેંક નોમિનેશન નિયમ
તા. 1 નવેમ્બરથી બેંકો હવે ગ્રાહકોને એકાઉન્ટ, લોકર અથવા તિજોરી માટે ચાર લોકો સુધી નોમિનેટ કરવાની મંજૂરી આપશે. આ નિયમથી વારસદારો માટે ભંડોળ મેળવવાની પ્રક્રિયા સરળ બનશે અને વિવાદો ઘટશે. ગ્રાહકો હવે સરળતાથી નોમિની ઉમેરવા કે બદલવાની તક મેળવી શકશે.
નવા GST સ્લેબ લાગુ
સરકારે GST માળખાને સરળ બનાવવા માટે નવા બે-સ્લેબ સિસ્ટમ અમલમાં મૂકી છે. પહેલાના 5%, 12%, 18% અને 28% સ્લેબમાંથી 12% અને 28% દૂર કરવામાં આવ્યા છે. હવે લક્ઝરી અને બિન-આવશ્યક ચીજવસ્તુઓ પર 40% GST લાગશે. આ પગલું કર માળખાને વધુ પારદર્શક બનાવશે.
પેન્શન અને NPS સંબંધિત નિયમ
કેન્દ્ર સરકારના કર્મચારીઓ હવે NPSમાંથી UPSમાં બદલાવ કરવા માટે તા. 30 નવેમ્બર સુધી સમય મેળવી શકશે. સાથે જ તમામ નિવૃત્ત કર્મચારીઓએ તેમના જીવન પ્રમાણપત્રો (Life Certificate) નવેમ્બર અંત સુધી સબમિટ કરવાના રહેશે. નહીં તો પેન્શન ચુકવણીમાં વિલંબ થઈ શકે છે.
SBI કાર્ડધારકો માટે નવા શુલ્ક
SBI કાર્ડ વપરાશકર્તાઓ હવે MobiKwik અથવા Cred જેવી થર્ડ પાર્ટી એપ્સ મારફતે શિક્ષણ સંબંધિત ચુકવણી પર 1% ફી ચૂકવશે. એટલું જ નહીં, SBI કાર્ડથી જો તમે રૂ 1,000થી વધુ રકમ ડિજિટલ વોલેટમાં ઉમેરો છો તો તેના પર પણ 1% ફી લાગશે.
આ બધા નવા નિયમો આજથી લાગુ થઈ ગયા છે અને તે તમારા માસિક બજેટ તથા દૈનિક ખર્ચ પર સીધી અસર કરશે.