નવો બસ ડેપો,બાંધકામની વિશિષ્ટતા,વિશાળ મોટો પ્લોટ અને વિવિધ સગવડોથી શહેરના અન્ય ડેપોથી સાવ અલગ તરી આવે છે.જો કે સુરત સિવાય પણ નાનાં નગરોના બસ ડેપોની કાયાપલટ પણ રાજ્ય સરકારે કરી છે એની સહર્ષ નોંધ લેવી ઘટે. આમ છતાં થોડી નવાઇજનક વાત એ છે કે આ ડેપોની પૂરી ક્ષમતાથી એનો ઉપયોગ નથી થતો.દામકા, ઈચ્છાપોર, કવાસ, હજીરા ,ભાઠા જેવાં નાનાં ગામોની એસ. ટી. બસોનુ સંચાલન જ આ ડેપો કરે છે. સ્ટેશન પર આવતી કેટલીય સેમી લકઝરી અને વોલ્વો જેવી કમાણી કરાવતી બસો તો અહીં ફરકતી પણ નથી. આમ કેમ? અડાજણથી ઉત્તરમાં ઓલપાડ, હાંસોટ,અંકલેશ્વર અને ભરૂચ, વડોદરા તેમજ દક્ષિણમાં મરોલી ,બીલીમોરા, નવસારી, વાપી, સેલવાસ તરફ જવા માટે હવે સ્ટેટ હાઈ વે પણ ડબલ લેન અને સુવિધાસભર થઇ ગયા છે.હાલ તો ફરજિયાત સેન્ટ્રલ ડેપો પર સ્ટેશને જવું પડે છે.
સુરતથી બરોડા જેટલું ભાડું રીક્ષા ખંખેરી લે છે, પોણો કલાક સ્ટેશન સુધી અને ત્યાંથી કામરેજ ચાર રસ્તા નેશનલ હાઈવે પર પહોંચતા બીજો પોણો કલાક થાય છે.પરિણામે લોકોને હાલાકી ,સમયની બરબાદી અને આર્થિક બેહાલીનો સામનો કરવો પડે છે.જો મુખ્ય બસોને અડાજણ ડેપોની કનેકટીવીટી અપાય તો અપડાઉન કરનારા અને સામાન્ય પ્રજાજનોને ખૂબ જ રાહત થઇ શકે એમ છે.જો આ અડાજણ ડેપોનું સત્તાવાળાઓ કુનેહપૂર્વક સંચાલન કરે તો પ્રોફિટમાં રાજ્યમાં પ્રથમ નંબરે આવે એટલી ક્ષમતા આ ડેપો ધરાવે છે.
સુરત – પ્રભાકર ધોળકિયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
મન કી બાત
દરેકનાં આંતરમનમાં એક સંઘર્ષ ચાલતો જ હોય છે. દરેકને પોતાનાં મનની વાત કહેવી હોય છે. પણ કયારેક તે મનમાં જ રહી જાય છે. માનવ મનનાં રહસ્યોનો તાગ પામવાનું મુશ્કેલ છે. માનવીનું મન ચંચળ છે, તે બેઠાં બેઠાં પણ કંઈ ઉડાનો ભરી લેતું હોય છે. માનવી ચંદ્ર પર પહોંચી ગયો પણ બીજી વ્યકિતના મન સુધી નથી પહોંચી શક્યો. માણસનાં મન(હ્રદય)માં સતત વિચારોનો પ્રવાહ ચાલુ જ હોય છે. વળી મન વિના તો કશું થાય નહીં. મનથી કરેલાં કોઈ પણ કામનો નિખાર જ જુદો હોય છે. આખરે મન છે તો જ માણસ છે !જેનું મનોબળ મજબૂત હોય તે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો સારી રીતે કરે છે. કબીર એક દોહામાં કહે છે: ‘ મન કે હારે હાર હૈ , મન કે જીતે જીત.
સુરત – વૈશાલી શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.