એક યુવાન નામ નિમેશ,એક નવું કામ શરૂ કર્યું.તેણે અને તેના મિત્રે પુરુષો માટેના કપડાં બનાવતી લોકલ બ્રાન્ડની શરૂઆત કરી.સૌથી પહેલાં બોક્સર શોર્ટ્સ અને સાદાં ટી-શર્ટ બનાવ્યાં.કામ શરૂ કર્યાને બે મહિના થયા. બધી રીતે મહેનત કરી,માર્કેટિંગ ઓન લાઈન અને ઓફ લાઈન દરેક હથકંડા અજમાવ્યા.ભાવ પણ એકદમ ઓછા હતા.અમુક મિત્રો અને સ્વજનોએ એક એક શોર્ટ્સ લીધી.પછી કોઈ વેચાણ જ ન થયું.બીજો એક મહિનો વીતી ગયો.નવા પ્રયત્નના ભાગ રૂપે તેને બિલ્ડીંગના વ્હોટસ એપ ગ્રુપમાં ફરી થોડા ફોટા મૂક્યા અને કોઈને ખરીદવી હોય તો જણાવજો એમ વિનંતી કરી.
એક જણની ઇન્ક્વાયરી આવી. નિમેશે બધી માહિતી આપી અને તેને બે શોર્ટ્સનો ઓર્ડર મળ્યો.તે બિલ્ડીંગમાં રહેતા અંકલના ઘરે તે શોર્ટ્સ આપવા ગયો.અંકલે પૈસા આપ્યા અને નવા કામ માટે બેસ્ટ ઓફ લક કહ્યું…નિમેશથી બોલાઈ ગયું, ‘અંકલ ત્રણ મહિના વીતી ગયા. બહુ કોઈ ઓર્ડર મળતા નથી.નજીકના લોકોએ એક વાર સપોર્ટ માટે ઓર્ડર આપ્યા, પણ આમ કોઈ વેચાણ થતું નથી.બે મહિના જોઉં છું નહિ તો લાગે છે કે આ કામ બંધ કરી નવું કૈંક શોધવું પડશે.’ અંકલ તેમની ઓફિસમાં માર્કેટિંગ મેનેજર હતા.
તેમણે નિમેશને કહ્યું, ‘બેસ, તને થોડી માર્કેટિંગ વિષે વાતો કરું.’આટલું કહી અંકલ કોકોકોલાની બોટલ અને બે ગ્લાસ લઇ આવ્યા.બન્ને ગ્લાસમાં કોક કાઢતાં બોલ્યા, ‘નિમેશ સૌથી પહેલાં એ યાદ રાખવું કે કોઈ પણ નાના કે મોટા બિઝનેસને જામતાં હજાર દિવસ એટલે લગભગ અઢીથી ત્રણ વર્ષ લાગી જાય.એટલો સમય ધીરજ ધરી મહેનત ચાલુ રાખવી જ પડે.આ કોકાકોલા કંપનીનો અત્યારે ભલે દુનિયાભરમાં ડંકો વાગે છે.લગભગ દર ત્રીજા ઘરમાં કોકની બોટલ ફ્રીઝમાં હોય જ છે.પણ તું ગુગલ સર્ચ કરીને જોજે. કોકોકોલા કંપનીનો ઈતિહાસ વાંચી જોજે.કોકોકોલા કંપનીની પહેલા આખા વર્ષમાં; ૩૬૫ દિવસમાં માત્ર ૨૫ બોટલો જ વેચાઈ હતી.
પણ તેમણે મેદાન છોડ્યું નહિ,સતત મહેનત ચાલુ રાખી.અનેક ઉપાયો અજમાવ્યા અને સફળતા મેળવી.તું પણ આ વાત યાદ રાખજે. જયારે વેચાણ ઓછું થાય છે એ બાબતે ચિંતા સતાવે ત્યારે હિંમત હારતો નહિ.નવા નવા ઉપાયો અજમાવતો રહેજે અને ક્વોલીટી બરાબર જાળવી રાખજે તો અચૂક સફળતા મળશે.થોડા થોડા મહિનામાં કૈંક નવું કરવા પાછળ પડીશ તો એ તારી ભૂલ સાબિત થશે.નક્કી કર અને ‘નેવર ગીવ અપ’આ વાક્યને મંત્ર તરીકે યાદ રાખજે.’અંકલની સાથે વાત કર્યા બાદ નિમેશને હિંમત મળી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે