2020 ના વિતેલા વર્ષમાં કોરોનાની સાથે સાથે લાંચિયા અધિકારીઓના સમાચારો પણ ન્યૂઝમાં ચમકતા રહ્યા. જુદા જુદા ક્ષેત્રના ખૂબ મોટો પગાર ધરાવનાર લાંચિયા બાબુઓ હજારથી લઈ લાખોની લાંચના છટકામાં ફસાયા. કેટલાક તો નિવૃત્તિના આરે હતા, છતાં ન ડર્યા! ત્યારે એક રિક્ષાની પાછળ લખેલું વિધાન “ મૌત કભી રિશ્વત નહીં લેતી. “ વાંચીને એમ થાય કે આ માણસોને મોતનો પણ ડર નથી!
“ અજીબ ઈન્સાન હૈ કિતના ભી ખાયે ભૂખા હી રહેતા હૈ.” જીવન જીવવા કેટલું જોઈએ? મળતા ઊંચા પગારમાં તો આરામભરી જિંદગી જીવી શકાય તેમ હોય છે છતાંય ‘ ઉપરની મલાઈ ‘ કે ‘ ટેબલ નીચેની રકમ ‘ ખાવામાં આ જાડી ચામડીના ઘુસણખોર અધિકારીઓને શરમ પણ નથી આવતી! કોણ સમજાવે કે,મૃત્યુથી બચવા કરોડોની લાંચ આપશો તો પણ મોત તમારી રિશ્વત સ્વીકારવાનું નથી.
આવા અપ્રામાણિક અધિકારીઓને એ પણ નથી ખબર કે મોતના પંજામાંથી છટકવા યમરાજને લાંચ આપીને કોઈ આગોતરા જામીન મળવાના નથી કે મૃત્યુની ઘડીનો કોઈ ઠરાવ કે કોઈ તારીખ પડવાની નથી. પીડા કે દુઃખ એ વાતનું છે કે જેમની પાસે લાંચ લઈને ભેગું કરેલું પુષ્કળ ધન છે એવા લાંચિયાઓ તો એમ જ સમજે છે કે જાણે એ કદી મરવાના જ નથી! ઈશ સૌ ને સારા વિચારો આપે. સુરત – અરુણપંડ્યા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.