Dakshin Gujarat Main

કુદરતી સૌંદર્ય અને વન ઔષધિઓ વચ્ચે માન નદી કાંઠે વસેલું અને વિકાસના પંથે આગળ વધતું ગામ એટલે ધરમપુરનું મોટી ઢોલ ડુંગરી

ધરમપુરના મુખ્ય મથકેથી માત્ર 8 કિ.મી.ના અંતરે અને જ્યાં કુદરતે છૂટા હાથે સૌંદર્ય વેર્યું છે અને ભરપૂર વનૌષધિઓ ઉગાડી છે, ત્યાં માન નદી કાંઠે મોટી ઢોલ ડુંગરી ગામ આવેલું છે. અહીંની માન નદી સીધી મરઘમાળ ગામે અને તાન બંને નદીઓના દ્રિવેણી સંગમથી સર્જાતી નદી ઔરંગા તરીકે ઓળખાય છે. જે વલસાડ જિલ્લાની મુખ્ય ગણાતી નદીઓ પૈકીની એક નદી છે. મોટી ઢોલ ડુંગરી ગામ 344.09.58 હેક્ટર વિસ્તારમાં પથરાયેલું ગામ છે. ગામની કુલ વસતી 1905 છે, જેમાં મહિલા 951 અને પુરુષ 954 છે. ગામમાં કુલ 371 ઘર છે. ગામનો કુલ શિક્ષિત દર 71.08 ટકા છે. ગામમાં 76.52 ટકા પુરુષો અને 65.52 મહિલા શિક્ષિત છે. ગામમાં ધોડિયા, કુંકણા અને આદિમ જૂથ જ્ઞાતિના લોકો વસે છે. અહીંના મોટા ભાગના રહીશો ખેતી ઉપરાંત પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. મોટી ઢોલ ડુંગરી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ 6 તાલુકા પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા ધરમપુર તાલુકામાં આવેલું એક ગામ છે. મોટી ઢોલ ડુંગરી ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ છે. આ ગામમાં ખેતી, ખેતમજૂરી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. આ ગામમાં 100 ટકા આદિવાસી લોકો વસે છે. આ ગામ જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. પહેલા અહીં નાગલી, ડાંગર, વરાઇ જેવા ધાન્યો જ પકવવામાં આવતા હત. પરંતુ હાલના સમયમાં શેરડી, ડાંગર, કેરી, ચીકુ અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે. તાલુકા મથક ધરમપુરથી મોટી ઢોલ ડુંગરી ગામ 7 કિલો મીટરના અંતરે આવેલું છે. મોટી ઢોલ ડુંગરી ગામમાં પાયાનું શિક્ષણ મેળવવા માટે ત્રણ આંગણવાડી આવેલી છે. જ્યારે એક જિલ્લા પંચાયત સંચાલિત મુખ્ય શાળા આવેલી છે. મુખ્ય શાળામાં ધો.1થી 8નાં 171 બાળકો અભ્યાસ કરે છે. શાળાના મુખ્ય શિક્ષક નિલેશભાઇ પટેલ તથા અન્ય ઉત્સાહિત શિક્ષકો દ્વારા ભણતરની સાથે બાહ્ય જ્ઞાન પણ મળી શકે એ માટેના નોટિસ બોર્ડ મૂકવામાં આવ્યાં છે. જ્યારે શાળા પરિસરમાં આવેલાં વૃક્ષો તથા ગાર્ડનમાં મૂકવામાં આવેલા છોડની ઓળખ વિદ્યાર્થીઓ સરળતાથી કરી શકે એ માટે લખાણ સાથેનાં બોર્ડ મૂકવામાં આવ્યાં છે. ગામમાં હનુમાનજીનાં 3 મંદિર, કાલિકા માતાનું મંદિર તથા કસાડ ફળિયામાં આમરૂણ તરીકે ઓળખાતી ટેકરી પર હદયંશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં મહાશિવરાત્રિનો મેળો ભરાય છે. આ ફળિયાના રહીશો નવરાત્રિ પર્વમાં અહીં ગરબા રમતા હોય છે. મંદિરના નીચાણવાળા ભાગમાં માન નદી કાંઠે આવેલા સ્મશાનભૂમિ ગૃહની બાજુમાં સ્થિત ઘટાદાર વૃક્ષ નીચે મરણ બાદ સારણવિધિ માટે તાલુકના લોકો આવતા હોય છે.

સારો વરસાદ આવે એ માટે આગેવાનોએ પીપરોડ ડુંગર ઉપર વરસાદી દેવ અભિનાથ દેવની પૂજા કરી
ધરમપુર તાલુકાના મોટી ઢોલ ડુંગરી ગામના આગેવાનો દ્વારા પીપરોડ ગામે પહોંચીઆદિવાસીઓના વરસાદી દેવ અભિનાથ દેવની પૂજા કરવામાં આવી હતી. ગ્રામજનો પીપરોડ ખાતે વર્ષોથી ચાલતી આવેલી પરંપરા અનુસાર વરસાદી દેવ (અભિનાથ મહાદેવ)ની પૂજા કરે છે. આ વર્ષે પણ પૂજા કરવામાં આવી હતી. આદિવાસી સમાજની વર્ષો જૂની વડીલો દ્વારા સાચવી રાખેલી આ પરંપરાને આજે પણ ગામના વડીલોએ જાળવી રાખી છે. ગામના આદિવાસી (ખેડૂતો) દ્વારા સારો વરસાદ આવે, ખેતીનો પાક સારો થાય, ગામમાં સુખ-શાંતિ રહે એ માટે પ્રાર્થના કરવામાં આવે છે. આ પ્રસંગે ગામના ડેપ્યુટી સરપંચ વિલિયમભાઈ, પંચાયતના સભ્યો, સુરેશ પટેલ અને મોટી સંખ્યામાં ગામના વડીલો હાજર રહ્યા હતા.

ગામના લોકો પશુપાલન સાથે સંકળાયેલા હોવાથી બેરોજગારી નહીંવત
મોટી ઢોલ ડુંગરી ગામનાં મહિલા સરપંચના પતિ અને ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ અમરતભાઈ પટેલના જણાવ્યાનુસાર તેમના ગામમાં નોકરિયાત વર્ગ વિવિધ સરકારી કચેરીઓમાં સેવા બજાવે છે. સરકારની વિવિધ યોજનાઓમાંથી શાસક પક્ષના નેતાઓના વિશેષ ધ્યાનને કારણે ડામર રોડ સહિત વિકાસનાં કામો થઇ ગયાં છે. બાકી રહી ગયેલાં ત્રણ રસ્તાની કામગીરી હાલ ચાલી રહેલી છે. ગામના લોકો ખેતી અને ધંધાર્થે, જ્યારે મહિલાઓ પશુપાલન સાથે સંકળાયેલા હોવાથી નહીંવત પ્રમાણમાં રોજગારી જોવા મળે છે. ગામમાં આવેલી મહિલા સંચાલિત દૂધમંડળીમાં 130 સભાસદ આવેલા છે. ગામમાં રમતગમતનું મેદાન નથી, એ માટે તેઓએ માંગણી કરી છે. મેદાન માટે જગ્યા ફાળવવામાં આવે તો યુવાનોને રમત માટે, જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારાઓને પણ શારીરિક કસોટી પાસ કરવા માટે મેદાન મળી શકે તેમ છે.

ગામમાં સ્ટ્રીટલાઇટ્સ અને સીસીટીવી કેમેરા ગોઠવાશે:
સરપંચ સુનિતા પટેલ
સમરસ ગ્રામ પંચાયત મોટી ઢોલ ડુંગરી ગામનાં મહિલા સરપંચ સુનિતા કલ્પેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, તેઓના ગામમાં કસાડ ફળિયા, ઝાડી, ડુંગરી ફળિયા, નવી નગરી, પટેલ ફળિયું, સરપંચ ગુંદી તથા દુકાન ફળિયાં મળી કુલ 8 ફળિયાં આવેલાં છે. ગામમાં મોટા ભાગના રસ્તા સ્મશાનગૃહ, સસ્તા અનાજની દુકાન સહિતની સુવિધાઓ છે. જ્યારે ગામમાં સીસીટીવી કેમેરા તથા સ્ટ્રીટલાઇટની સુવિધાઓ માટે મંજૂરી મળી ગઇ છે અને થોડા સમયમાં ગોઠવી દેવાશે.

Most Popular

To Top