આણંદ : બોરસદ નગરપાલિકાની નેતાગીરી કેટલી ખાડે ગઇ છે, તે વાસદ ચોકડી પર આવેલા શ્રીજી શોપીંગ સેન્ટર બહાર ભરાયેલા વરસાદી પાણીની સ્થિતિ જોતા દેખાય છે. હજુ તો ચોમાસાના વરસાદની શરૂઆત પણ થઇ નથી ત્યાં બોરસદની વાસદ ચોકડી આવેલા શ્રીજી શોપિંગ સેન્ટર પાસે રોડ ઉપર બે દિવસથી દુકાનોના ઉંમરા સુધી પાણી ભરાઇ જતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે, પાલિકામાં રજૂઆતો કરવા છતાં નિકાલ થતો નથી. જેથી વેપારીઓમાં રોષની લાગણી જન્મી છે.
બોરસદ નગરપાલિકાની નબળી નેતાગીરીથી દુકાનોમાં પાણી ભરાયા છે. પાલિકાની નેતાગીરીમાં વહીવટનો અભાવ તથા પૂર્વ આયોજનની દિશાવિહીન નીતિને કારણે બોરસદની વાસદ ચોકડી પર આવેલા શ્રીજી શોપિંગ સેન્ટર પાસે સામાન્ય વરસાદ થતાં પાણીના નિકાલના અભાવે શોપિંગ સેન્ટરથી માંડીને રાણા પ્રતાપના ઘોડા સુધીના રસ્તા સુધી પાણી ભરાઈ ગયા છે, જેનો નિકાલ કરવાની વ્યવસ્થા ન થતાં દુકાનદારોના દુકાનની શટરો સુધી પાણી પેસી જતાં હવે છેલ્લા ત્રણ દિવસથી ધંધો કેવી રીતે કરવો ? તેની મૂંઝવણ થવા માંડી છે. બોરસદની વાસદ ચોકડી આવેલા શ્રીજી શોપિંગ સેન્ટરની 20થી વધુ દુકાનદારો હાલ ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે, જેનું મુખ્ય કારણ એ છે કે બોરસદ નગરપાલિકામાં ડ્રેનેજ વિભાગની વહીવટી કામગીરી ન હોવાને કારણે સામાન્ય વરસાદ થતાં જ આખો રોડ છેલ્લા ત્રણ દિવસથી પાણી ભરેલો છે.
જેમાંથી પસાર થતાં રોજિંદા હજારો વાહનો પાણીમાં થઇને પસાર થઈ રહ્યા છે. શોપિંગ સેન્ટરમાં આવેલી તમામ દુકાનોમાં જવા માટે વાહનથી જઈ શકાય તેમ છે. પગે ચાલીને જવા માટે પાણી ડહોળવું પડે તેમ હોવાથી 20 જેટલી દુકાનદારોને છેલ્લા ચાર દિવસથી બોણી પણ થઇ નથી. જેને કારણે દુકાનદારો ખૂબ જ મૂંઝવણમાં મુકાઇ ગયા છે. બોરસદ પાલિકાની બેદરકારી ભરી નીતિને કારણે તમામ દુકાનદારોએ રોષ પૂર્વક જણાવ્યું હતું કે, બોરસદ પાલિકામાં હાલ કોઈ પણ કામ થતું નથી. કર્મચારીઓ પણ અને ગોળ ગોળ જવાબ આપે છે. જેને કારણે નગરજનો કંટાળી ગયા છે. વાસદ ચોકડીએ આવેલા શોપિંગ સેન્ટર પાસે ભરાતા પાણીનો જો ઉકેલ લાવવામાં નહિ આવે તો 20 જેટલા દુકાનદારો લેખિત અરજી કરીને કલેકટરને લેખિત આપશે. તેમ જ બોરસદ પાલિકા સામે એક દિવસના પ્રતિક ઉપવાસનું આંદોલન પણ કરશે. તેવું શોપિંગ સેન્ટરના વેપારીઓએ જણાવ્યું હતું