National

શિક્ષણ મંત્રીએ NEETના વિદ્યાર્થીઓને ખાતરી આપી, કહ્યું- તમારી બધીજ સમસ્યાઓનું નિષ્પક્ષ સમાધાન કરાશે

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને NEET UG માં વધેલા નોંધણી અને સ્કોર્સ પાછળ ઉદ્ભવતા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ જે કહેશે તે તેઓ કરશે. તેમણે ગેરરીતિઓ અંગે પણ કડકાઈ દાખવી હતી. શુક્રવારે શિક્ષણ પ્રધાને ખાતરી આપી હતી કે વિદ્યાર્થીઓની તમામ ચિંતાઓનો ન્યાયી અને સમાનતા સાથે સમાધાન કરવામાં આવશે.

પ્રધાને ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું હતું કે કેન્દ્ર સરકાર NEET ઉમેદવારોના હિતોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે. હું વિદ્યાર્થીઓને ખાતરી આપવા માંગુ છું કે તેમની તમામ ચિંતાઓનું નિષ્પક્ષતા અને સમાનતાથી નિરાકરણ કરવામાં આવશે. કોઈ વિદ્યાર્થીને નુકસાન થશે નહીં અને કોઈપણ બાળકની કારકિર્દી જોખમમાં મુકવામાં આવશે નહીં. NEET પરીક્ષા સંબંધિત તથ્યો માનનીય સુપ્રીમ કોર્ટના સંજ્ઞાનમાં છે.

શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને ખાતરી આપી હતી કે સરકાર સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર તમામ જરૂરી પગલાં લેશે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓના હિત માટે માનનીય સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર કેન્દ્ર સરકાર તમામ જરૂરી પગલાં લેશે. NEETની કાઉન્સેલિંગ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે અને કોઈપણ મૂંઝવણ વિના આ દિશામાં આગળ વધવું અત્યંત જરૂરી છે.

એક પ્રશ્નના જવાબમાં પ્રધાને કહ્યું કે તેઓ પરીક્ષાને ફૂલપ્રૂફ બનાવવા માટે કામ કરી રહ્યા છે. આ પરીક્ષામાં અત્યાર સુધી જે પણ ગેરરીતિઓ સામે આવી છે તેની તપાસ કરવામાં આવી રહી છે. જે પણ દોષિત જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમને જરાય છોડાશે નહીં. આ સાથે તેમણે આ મામલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની જવાબદારી નક્કી કરવાની પણ વાત કરી અને કહ્યું કે ખોટા પેપર ખોલવાનો મામલો હોય કે અન્ય કોઈ ગેરરીતિ જે પણ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top