હવે યુ.કે.માં મોબાઈલ ફોન જોખમી ઘટનાઓની ચેતવણી આપશે. ગંભીર તોફાન જેવી જીવન માટે જોખમી ઘટનાઓ પર નવી જાહેર ચેતવણી પ્રણાલીનું પરીક્ષણ કરવા માટે 23મી એપ્રિલના રોજ સમગ્ર યુ.કે.માં મોબાઈલ ફોન વપરાશકર્તાઓને સાયરન જેવી ચેતવણી મોકલવામાં આવશે. બ્રિટનની સરકારે સ્પષ્ટતા કરી છે કે ઈમરજન્સી એલર્ટનો ઉપયોગ માત્ર ત્યારે જ કરવામાં આવશે જ્યારે લોકોના જીવ સામે કોઈ તાત્કાલિક ગંભીર જોખમ હોય. ઈમરજન્સી મોબાઈલ બ્રોડકાસ્ટીંગ સિસ્ટમ લોકોને સંભવિત જોખમ સામે સાબદાં કરી શકાય છે અને ચોક્કસ જોખમ સામે કેવી રીતે રક્ષણ મેળવવું તેની પણ જાણકારી આપી શકાય છે.
સમયસર ચેતવણી મળવાથી લોકો પોતાના પરિવાર તથા પડોશીને પણ બચાવી શકશે. અગાઉ ઈંગ્લેન્ડમાં આવેલ ભયંકર પૂર સમયે આવી સિસ્ટમની જરૂરિયાત ઊભી થઈ હોવાનું જણાયું હતું. સંભવિત ઘટનાઓની સૂચિમાં આતંકવાદ સંબંધિત ચેતવણીઓ પણ ઉમેરી શકાય છે. આવી સિસ્ટમ અમેરિકામાં પણ ઉપયોગમાં લેવાઈ છે. જ્યાં માત્ર ફોનમાં એક સંદેશથી લોકોના જીવ બચાવી શકાયા હતા. આવી જ સેવા કેનેડા અને નેધરલેન્ડ અને જાપાનમાં પણ કાર્યરત છે. આવી ઈમરજન્સી મોબાઈલ બ્રોડકાસ્ટીંગ સિસ્ટમ (સેવા) આપણા દેશમાં પણ શરૂ કરવાની તાતી જરૂર છે.
પાલનપુર – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
નેતાનો ‘‘હું પદ અને લોકશાહીની અવદશા
‘‘અતિ સર્વત્ર વર્જયતે’’ કહેવત વ્યકિત, કુટુંબ, સમાજ કે દેશને સમાન રીતે લાગુ પડે છે અને જ્યાં પણ અતિ થાય છે ત્યાં તેના પરિણામ અહિતકારી અને નકારાત્મક આવે છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં દેશ નેતાનું અતિ ‘‘હું પદ’’ અને વિરોધ કે વિરોધ પક્ષને સહેજ પણ ન ગણકારવાનું વલણ લોકશાહીને નબળી પાડી દે છે અને તેની અસર નકારાત્મક અને દુરોગામી બની રહે છે. તાજેતરમાં દેશ અને દેશની સંસદમાં ઘટી રહેલી ઘટનાઓ પર એક નજર નાખીએ તો સ્પષ્ટ જણાશે કે સત્તાપક્ષના નેતાનું ‘‘હું પદ’’ તેની પરાકાષ્ઠાએ છે.
તેઓનું પ્રગટ વલણ એ પ્રકારનું છે કે પોતે હરિશ્ચંદ્રના અવતાર હોવાથી વિરોધ પક્ષને તેમની પ્રમાણિકતા અને પ્રજાકીય જવાબદેહી પર સવાલ ઉઠાવવાનો કોઈ અધિકાર નથી અને વિરોધ પક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલ કથિત મોટા કૌભાંડોને લગતા મુદ્દાઓ પર તેઓ કે તેમની સરકાર જવાબ આપવા બંધાયેલા નથી. ! આ ‘‘હું પદ’’ તેમનાં અને તેમનાં પક્ષ માટે તો હાનિકારક છે જ પણ તેની દૂરોગામી નકારાત્મક અસર દેશની લોકશાહી અને પ્રજાજીવન પર પણ પડનાર છે. લોકશાહીને મજબૂત રાખવા માટે તેમજ સાચા અને સર્વાંગી વિકાસ માટે દેશને સદ્દભાવપૂર્ણ અને સર્વસમાવેશક રાજનીતિની જરૂર છે, નહિ કે વિરોધ અને વિરોધપક્ષને દફનાવી દેનારી વિધ્વંસક રાજનીતિની !
નવસારી – કમલેશ મોદી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે