Charchapatra

માર્ગ અકસ્માતો રોકવા  ઇંગ્લેન્ડ જેવો  કાયદો બનાવવાની જરૂર

એક અંદાજ અનુસાર દેશમાં દર વર્ષે દોઢ લાખ લોકો માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામે છે તે પૈકી ઓગણસાઠ ટકા અકસ્માતો  વધારે ઝડપના કારણે થાય છે. વીમા કંપનીઓના જણાવ્યા અનુસાર પણ મોટા ભાગના માર્ગ અકસ્માતો માટે વધુ પડતી ઝડપ, રફ ડ્રાઈવિંગ અને આડેધડ ઓવરટેક જેવાં મુખ્ય કારણો જવાબદાર હોય છે. તાજેતરમાં આ લખનારને યુ.કે.- ઇંગ્લેન્ડ જવાનું થયું ત્યારે ત્યાં જાણવા મળ્યું કે સમગ્ર ઇંગ્લેન્ડમાં શહેરના જાહેર માર્ગો અને એકસપ્રેસ હાઈ વે પર સી. સી.ટી.વી. કેમેરાની સાથે કેટલી સ્પીડથી વાહન ચલાવવું તે દર્શાવતાં બોર્ડ મારેલાં હોય છે.

તે સ્પીડથી દસ ટકાથી વધુ સ્પીડથી વાહન ચલાવનાર વાહનચાલકના ઘરે ઓવર સ્પીડથી વાહન ચલાવવા અંગેનો મેમો આવી જાય છે, જેમાં વાહન ચલાવવા અંગેનો કોર્સ કરવાનો અથવા દંડ પેનલ્ટી ભરવાનો એમ બે વિકલ્પ આપેલા હોય છે. પરંતુ અમુક નિશ્ચિત કરેલાથી વધુ વખત વાહનચાલક ઓવરસ્પીડથી વાહન ચલાવે તો ભારે દંડ પેનલ્ટી ભરવી પડે છે. જે પ્રમાણે વાહનની સ્પીડ તે પ્રમાણે દંડ-પેન્લ્ટીની રકમ ભરવી પડે છે ત્યાર બાદ વધુ વખત ઓવર સ્પીડથી વાહન ચલાવે તો અંતે તેનું લાયસન્સ વાહન ચલાવવાનું રદ કરી દેવામાં આવે છે.

ઇંગ્લેન્ડમાં વાહનચાલક માટે ટ્રાફિકના નિયમ-કાયદા આવા કડક હોવાથી વાહન અકસ્માત ઘણા ઓછા સર્જાય છે. આપણા દેશમાં પણ જો આ પ્રમાણે શહેરના જાહેર માર્ગો ઉપર અને એકસપ્રેસ હાઈ વે ઉપર વાહન સ્પીડ લિમિટનાં બોર્ડ દર્શાવવામાં આવે અને ટ્રાફિકના નિયમો  કડક બનાવવામાં આવે તો અને ઓવર સ્પીડથી ચાલતાં વાહનો માટે ઇંગ્લેન્ડ જેવી દંડ પેનલ્ટીની જોગવાઈ કરવામાં આવે તો અવશ્ય ઓવર સ્પીડથી ચાલતાં વાહનો અને માર્ગ અકસ્માતો પર નિયંત્રણ આવી શકે તેમ છે. વધતા જતા રોડ અકસ્માતો અટકાવવા માટે રોડ-શો દ્વારા અને સોશ્યલ નેટવર્ક દ્વારા લોકોને જાગૃત કરવાની પણ તાતી જરૂર છે.
પાલનપુર          – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top