વડોદરા: સુરતમાં (Surat) તાજેતરમાં બનેલી ઘટના જેમાં પ્રેમી પ્રમિકાએ સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાત (Suicide) કરી લીધો હતો. આવી જ એક ઘટના વડોદરા (Vadodara) શહેર નજીકથી સામે આવે છે. જ્યાં પ્રેમી પ્રમિકાએ એકબીજા સાથે જીવવા મરવાના વચનો આપ્યા હતા અને જે પૂરા ન થતા બંનેએ નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. પ્રેમીપંખીડાના હાથ બાંધેલા મૃતદેહ 3 દિવસ બાદ કેનાલમાંથી મળી આવ્યા છે. આગામી 7 એપ્રિલે યુવકના લગ્ન હતા, પરંતુ યુવકે લગ્ન કરવા ન હતા, તેથી યુવકે તેની પ્રેમિકા સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું.
પંચમહાલ જિલ્લામાં વાઘોડિયાના રાજપુરા નર્મદા કેનાલમાં ઝંપલાવનાર યુવક દિલીપ રાઠવા (ઉ.19) તેની પ્રેમિકા ઉર્મિલા (ઉ.18) સાથે ત્રણ દિવસ અગાઉ કેનાલમાં પડતું મુક્યું હતું. આ અંગે યુવકનો મોટો ભાઈ પ્રવિણ રાઠવાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ખેતીવાડી કરી ગુજરાન ચલાવનાર આ પરીવારમાં 5 બહેનો તથા ત્રણ ભાઈઓ છે. જેમાં દિલીપ સૌથી નાનો અને કુવારો હતો, અને હાલમાં જ 7 એપ્રિલે તેના લગ્ન અમરાપુરાની યુવતી સાથે થવાના હતા.
દિલીપના લગ્ન 7 એપ્રિલે હોવાથી તેના મોટા ભાઈ લગ્નની કંકોત્રી વહેંચવા નિકળ્યા હતા. તો બીજી તરફ દિલીપે લગ્ન કરવા ન હતા, તેથી તેણે ઘરમાં કોઈને જાણ કર્યા વગર તેની બાઈક લઈ, પ્રેમિકા ઉર્મિલાને બાઈક પર બેસાડી લીધા બાદ બંને પ્રેમીપંખીડા રાજપુરા ગામે કેનાલ પાસે પહોંચ્યા હતા. બંને પ્રેમીપંખીડાએ હાથ બાંધી કેનાલમાં ઝંપલાવ્યું હતું. પરિવારને ત્રણ દિવસ બાદ રુપાપુરાની કેનાલમાંથી પ્રેમીપંખીડાના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે કેનાલમાંથી પ્રેમીજોડાના મૃતદેહને બહાર કાઢ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી દિલીપની મોટરસાઈકલ કબજે કરી છે.
ઘટનાની તપાસમાં પોલીસ હેડ.કો રાયસીગભાઈએ જણાવ્યું હતું કે રાજપુરા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં પંચમહાલ જિલ્લાના કંજરી ગામના યુવક દિલીપ રાઠવાએ ઉર્મિલા નામની તેની પ્રેમિકા સાથે કેનાલમાં ઝંપલાવ્યું હોવાની માહિતી મળી હતી જે બાદ શોધખોળ કરતા બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગઈકાલે તાપી ઓવારા પાસે ઝાંડવામાં પ્રેમી પ્રમિકાના મૃતદેહ મળી આવ્યા હતા. સવારે કોઈ અજાણ્યા વ્યક્તિએ લાશ જોઈ પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. જે બાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસની પ્રથામિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને પ્રેમીપંખીડા હોય અને બંનેએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે