Vadodara

સયાજીપુરા પાંજરાપોળ પાસે મોપેડને ગાયે અડફેટે લેતાં યુવક ઇજાગ્રસ્ત

વડોદરા : વડોદરામાં રખડતા ઢોરો પકડવા અને ઢોર માલિકો વિરુદ્ધ કરાતી કામગીરી માત્રને માત્ર કાગળ પર રહેવા પામી હોય તેમ લાગી રહ્યું છે. રખડતા ઢોરોનો ત્રાસ યથાવત રહેતા પૂર્વ વિસ્તારમાં ગાય સાથે ભટકાતા એક્ટિવા ચાલકને માથા અને મોઢાના ભાગે ઈજા થતા 108 એમ્બ્યુલયન્સ મારફતે સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સીટીની ગુલબાંગો ફૂંકતા પાલિકાની રખડતા ઢોરોથી શહેરને મુક્ત બનાવવા શરૂ કરાયેલી ઝુંબેશ માત્રને માત્ર ખોટી નામના અને પ્રસંશા કેળવવા કરવામાં આવતી હોવાનું લાગી રહ્યું છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષની મેયરને જાહેરમાં ટકોર બાદ ગણતરીના કલાકોમાં હાથ ધરાયેલ રખડતા ઢોરો પકડવા અને ઢોર માલિકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે ગતરોજ શહેરના પૂર્વ વિસ્તારમાં રખડતા ઢોરને કારણે સર્જાયેલા અકસ્માતની ઘટનાથી વધુ એક વખત પાલિકા તંત્ર સામે નગરજનોમાં રોષ ફેલાયો છે.

 શહેરના આજવા રોડ સિકંદરપુરામાં રહેતા ઉં.વ.30 ઉમાકાંત નરસિંહભાઈ ઠાકરડા ગતરાત્રે પોતાની એકટીવા લઇ જઈ રહ્યા હતા. દરમિયાન સયાજીપુરા પાંજરાપોળ, મણીભાઈ પાર્ક પાસે રસ્તા પર આવી ગયેલ ગાય સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ઉમાકાંતભાઈ રસ્તા પર પટકાતા તેઓને માથાના ભાગે અને જમણા ગાલ ઉપર ઈજાઓ પહોંચી હતી. સર્જાયેલા આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોટોળા એકત્ર થયા હતા.અને તુરંત ઈજાગ્રસ્તને 108 મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેઓની તબિયત સુધારા પર હોવાની માહિતી મળવા પામી હતી.

Most Popular

To Top