National

હવે ટોલ પ્લાઝા પર ઉભા રહેવાની જરૂર નહીં રહે, દેશમાં ટૂંક સમયમાં GPS આધારિત ટોલ કલેક્શન શરૂ કરાશે

નવી દિલ્હી: (New Delhi) સરકાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો (Highway) પર સેટેલાઇટ આધારિત જીપીએસ ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવા માટે તૈયાર છે. રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આ વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે નવી સિસ્ટમ હેઠળ વાહન નંબર પ્લેટની ઓળખ કરીને સીધા બેંક ખાતામાંથી ટોલ કાપવામાં આવશે. નવી ટોલ કલેક્શન સિસ્ટમ હાલના ટોલ પ્લાઝા સિસ્ટમને દૂર કરવામાં અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરીને સરળ બનાવવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં આઠ કરોડ 13 લાખથી વધુ ફાસ્ટ ટેગ જારી કરવામાં આવ્યા છે અને સરેરાશ દૈનિક કલેક્શન 170 થી 180 કરોડ રૂપિયા છે.

તાજેતરમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ માર્ચ 2024 થી હાલના ટોલ પ્લાઝા પર નવી તકનીક દ્વારા ટોલ વસૂલાતની પુષ્ટિ કરી છે. જે જીપીએસ આધારિત હશે. આના પર કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે, જેથી તેને સમયસર શરૂ કરી શકાય. ગડકરીએ અગાઉ કહ્યું હતું કે સરકારી માલિકીની NHAIની ટોલ આવક હાલમાં ₹40,000 કરોડ છે અને તે 2-3 વર્ષમાં વધીને ₹1.40 લાખ કરોડ થઈ જશે. જણાવી દઈએ કે જીપીએસ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમનો હેતુ ટોલ પ્લાઝા પરની ભીડથી છુટકારો મેળવવાનો અને રસ્તા પરના અંતર અનુસાર વાહનો પાસેથી ટોલ વસૂલવાનો છે. એટલેકે વાહને જેટલી મુસાફરી કરી હશે તેટલો જ ટોલ ચુકવવો પડશે.

વધુ માહિતી આપતાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, વાહનોને રોક્યા વિના ટોલ વસૂલવાની આ ટેક્નોલોજીના બે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન સિસ્ટમ (ANPR કેમેરા)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફાસ્ટેગ આધારિત ટોલ કલેક્શનને કારણે ટોલ પ્લાઝા પર લેવામાં આવતા સમયમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 2018-19માં ટોલ પ્લાઝા પરનો સમય 8 મિનિટ સુધીનો હતો જે 2020-21-22થી શરૂ થયેલી ફાસ્ટેગ ટોલ કલેક્શન ટેક્નોલોજીને કારણે ઘટીને 47 સેકન્ડ થઈ ગયો.

સિસ્ટમ આ રીતે કામ કરશે
જીપીએસ ટેક્નોલોજીથી સજ્જ વાહનોની રસ્તા પરની વાસ્તવિક સ્થિતિ સરળતાથી શોધી શકાય છે. જે નવા વાહનોમાં પહેલેથી જ હાજર છે. જ્યારે જૂના વાહનોમાં તેને ઇન્સ્ટોલ કરવાની જરૂર પડી શકે છે. જો કે જો ANPR કેમેરાનો ઉપયોગ કરવામાં આવે તો GPS ઇન્સ્ટોલ કરવાની જરૂર રહેશે નહીં. જીપીએસ ટેક્નોલોજીના કારણે આ સિસ્ટમથી સજ્જ રસ્તા પર તમે કેટલું અંતર કાપ્યું છે તે સિસ્ટમ શોધી શકશે અને તેના આધારે ટોલ પણ વસૂલ કરશે. જેના માટે રાહ જોવાની જરૂર રહેશે નહીં.

Most Popular

To Top