નવી દિલ્હી: ભારતે (India) ન્યૂઝીલેન્ડને (New Zealand) આઠ વિકેટે હરાવીને અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની (Under 19 Women T20 World Cup) ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમિફાઈનલ રમાવાની બાકી છે. બીજી સેમિફાઈનલ મેચમાં જે જીતશે તેનો સામનો ફાઈનલમાં ભારત સાથે થશે. ટુર્નામેન્ટમાં ભારત 6 મેચ રમ્યું છે તેમાંથી 5 મેચ જીત્યું છે. એકમાત્ર ઓસ્ટ્રેલિયા સામે જ ભારતને હારનો સામનો કરવો પડ્યો છે.
આજે રમાયેલી સેમિફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારત સામે 108 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેને ટીમ ઈન્ડિયાએ બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ન્યુઝીલેન્ડની ટીમે જીતવા માટે 108 રનનો ટાર્ગેટ હતો જે ભારતે માત્ર 14.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. શ્વેતા સેહરાવતે ફરી એકવાર જોરદાર પ્રદર્શન દેખાવતા 45 બોલમાં 10 ચોગ્ગાની મદદથી અણનમ 61 રન બનાવ્યા હતા. જ્યારે સૌમ્યા તિવારીએ 22 રનની ઇનિંગ રમી હતી. જોકે કેપ્ટન શેફાલી વર્મા આ મેચમાં સારું પ્રદર્શન કરી શકી ન હતી અને તેના બેટમાંથી માત્ર 10 રન જ નીકળ્યા હતા.
આ અગાઉ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ન્યુઝીલેન્ડની ટીમે માત્ર 5 રનના સ્કોર પર પોતાના બંને ઓપનરોની વિકેટ ગુમાવી દીધી હતી. અન્ના બ્રાઉનિંગ (1) મન્નત કશ્યપને સૌમ્યા તિવારીના હાથે કેચ આપી બેઠી હતી. એમ્મા મેકલિયોડ 2 રનના અંગત સ્કોર પર ટિટસ સાધુની બોલિંગમાં LBW આઉટ થઈ ગઈ હતી.
બે વિકેટ પડ્યા બાદ ન્યુઝીલેન્ડના બેટર જ્યોર્જિયા પ્લિમર અને વિકેટ કીપર ઈસાબેલા ગેગે 37 રનની ભાગીદારી કરીને સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગેગના આઉટ થયા બાદ ફરીથી ટપોટપ વિકેટો પડવા પડી હતી. પરિણામે ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 107 રન જ બનાવી શકી હતી. ભારતીય ટીમ તરફથી પાર્શ્વી ચોપરાએ 20 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. ટી. સાધુ, મન્નત કશ્યપ, શેફાલી વર્મા અને અર્ચના દેવીને પણ એક-એક વિકેટ મળી હતી.
વર્લ્ડ કપમાં ભારતીય ટીમની સફર
1. સાઉથ આફ્રિકાને 7 વિકેટથી હરાવ્યું
2. UAE સામે 122 રનથી જીત્યું
3. સ્કોટલેન્ડને 83 રનથી હરાવ્યું
4. ઓસ્ટ્રેલિયા સામે 7 વિકેટથી હાર્યું
5. શ્રીલંકા સામે 7 વિકેટથી જીત્યું
6. ન્યૂઝીલેન્ડને હરાવી ફાઇનલમાં સ્થાન બનાવ્યું.