National

NCP અધ્યક્ષ પદેથી આપેલું રાજીનામું શરદ પવારે પાછું લીધું

શરદ પવારે (Sharad Pawar) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (NCP) અધ્યક્ષ પદેથી આપેલું રાજીનામું (Resign) પાછું ખેંચી લીધું છે. શરદ પવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની જાહેરાત કરી હતી. શરદ પવારે 2 મેના રોજ અચાનક એનસીપીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. પાર્ટીના કેટલાય નેતાઓ અને કાર્યકરો સતત તેમને રાજીનામું પાછું ખેંચવાની માંગ કરી રહ્યા હતા.

શરદ પવારે પત્રકાર પરિષદમાં મોટી જાહેરાત કરી અને કહ્યું કે તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ તરીકે યથાવત રહેશે. તેમણે કહ્યું કે તેઓ જૂનો નિર્ણય પાછો લઈ રહ્યા છે. પવારે કહ્યું કે લોકોએ મને પદ પર પાછા ફરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે 2 મેના રોજ લોક માંઝે સાંગાતીના પ્રકાશન દરમિયાન મેં NCP અધ્યક્ષ પદ પરથી નિવૃત્તિ લેવાના મારા નિર્ણયની જાહેરાત કરી હતી. રાજકીય અને જાહેર જીવનમાં 63 વર્ષ પછી તમામ જવાબદારીઓ છોડી દેવાના મારા નિર્ણયને કારણે લોકોમાં નારાજગી હતી. જેને કારણે મેં આજે નિર્ણય પાછો લીધો છે.

જણાવી દઈએ કે પવારે પાર્ટીના નવા અધ્યક્ષની પસંદગી માટે 18 સભ્યોની સમિતિની રચના કરી હતી. સમિતિમાં પ્રફુલ્લ પટેલ, સુનિલ તટકરે, પીસી ચાકો, નરહરિ જીરવાલ, અજિત પવાર, સુપ્રિયા સુલે, જયંત પાટીલ, છગન ભુજબળ, દિલીપ વાલસે-પાટીલ, અનિલ દેશમુખ, રાજેશ ટોપે, જિતેન્દ્ર આવ્હાડ, હસન મુશ્રીફ, ધનંજય મુંડે, જયદેવ ગાયકનો સમાવેશ થાય છે. આ પહેલા પાર્ટીના વરિષ્ઠ નેતાઓની સમિતિએ શરદ ​​પવારનું રાજીનામું ફગાવી દીધું હતું. પાર્ટીના કેટલાય નેતાઓ અને કાર્યકરો સતત પવારને રાજીનામું પાછું ખેંચવાની માંગ કરી રહ્યા હતા. શરદ પવારે ગુરુવારે વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરી રહેલા કાર્યકરો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે હું આગામી એક-બે દિવસમાં નિર્ણય લઈશ અને હું તમને ખાતરી આપું છું કે મારા નિર્ણય પછી તમને લોકોએ આંદોલન કરવું પડશે નહીં.

Most Popular

To Top