એક ફિલ્મોદ્યોગ એવો છે, જ્યાં મુસ્લિમને પણ કામ મળે છે. બાકી જાણે અનેક ક્ષેત્રે ઈસ્લામ ધર્મીઓ પ્રતિબંધીત છે. ખેર! જાને દો. હમણાં ‘નો મીન્સ નો’ ફિલ્મ આવી રહી છે ને તેની સાથે તેલુગુ ફિલ્મોમાં કામ કરતી રહેલી નાઝીયા હુસેન હકીકતે સંજય દત્તના મામા અખ્તર હુસેનની પૌત્રી છે. નરગીસના સાવકા ભાઈ અખ્તરની દીકરી ઝાહિદા તો ‘અનોખી રાત’, ‘પ્રેમ પૂજારી’, ‘ગેમ્બલર’ સહિતની આ ફિલ્મોમાં અભિનેત્રી તરીકે આવી હતી. હવે નાઝિયા આવી રહી છે. ‘આશિકી – 2’ની તેલુગુમાં રિમેક બનેલી, તો તેમાં નાઝિયા મુખ્ય અભિનેત્રી હતી.
હિન્દીમાં તેણે આ પહેલા પણ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. તેમાં ‘સે યસ ટુ લવ’, ‘યે જો મોહબ્બત હૈ’, ‘તેરી ભાભી હે પગલે’, ‘તારા મીરા’,‘રિવાઝ’ અને ‘ટોમ ડિક એન્ડ હેરી’ છે. મતલબ હજુ મોટી કહેવાય એવી ફિલ્મમાં મોટી ભૂમિકા તેને નથી મળી. નાઝિયા પોતે કહે છે કે હું ઈન્ડસ્ટ્રીનું કોઈ પ્રેસર અનુભવતી નથી, કારણ કે અમારા પરિવારમાં અનેક ફિલ્મી હસ્તીઓ રહી ચુકી છે. હા, હવે નરગીસજી, અનવર હુસેન, ઝાહિદા જેવા નામો પરદા પર નથી.
આ બધા મારા કુટુંબના હતા. હું એ બધા સામે કાંઈ નથી. ‘આઈ એમ એન ઓર્ડિનરી પર્સન વિથ એ પેશન, રિલેટેડ ટુ સમવન ફેમસ.’ નાઝિયા કહે છે કે હું તો આજેય લોકલ ટ્રેઈનમાં ફરું છું અને ફિલ્મોમાં કારકિર્દી બનાવવા ઉત્સુક છું. નાઝિયાને સંજય દત્ત નિર્મિત ‘હસમુખ પીગલ ગયા’માં સારી ભૂમિકા મળી હતી, પણ એ ફિલ્મ જ અટકી પડી. હિન્દીમાં જેવી જોઈએ તેવી ફિલ્મો ન મળતા તે દક્ષિણની ફિલ્મો તરફ વળી. હિન્દીમાં કામ મળે તેનું પણ ધ્યાન રાખ્યું. આ દરમ્યાન તેણે પંજાબી ફિલ્મમાં પણ કામ કર્યુ.
કુણાલ રોય કપૂર સાથે ‘મુશ્કિલ – ફિયર બિહાઈન્ડ યુ’ પણ તેની ફિલ્મ હતી. હવે ‘નો મીન્સ નો’માં કામ કરી રહી છે. ‘નો મીન્સ નો’ ઈન્ડો – પોલીસ રોમેન્ટિક થ્રીલર ફિલ્મ છે. ઈગ્લિશ, હિન્દી, પોલીસ ભાષામાં બની છે. આ ફિલ્મમાં નાતલિયા બાક, સિલ્વિયા ઝેક, આન્ના ગુઝ્કે, કૅટ કર્ટસન, પાવેલ ઝેક સહિતના પોલીસ અભિનેત્રી – અભિનેતા ભૂમિકા ભજવી રહ્યા છે. નાઝિયા સ્વભાવિક રીતે જ ખુશ છે, કારણ કે હિન્દી સિવાય બે વિદેશી ભાષામાં તેની ફિલ્મ રજૂ થશે. પોતાના કામ વિશે તે વધુ કહેતી નથી, પણ એટલું જરૂર કહે છે કે સંજય દત્ત મારા સગપણમાં છે, પણ હું તેમના વડે કામ મેળવતી નથી. મારે મારી રીતે સ્ટ્રગલ કરવી છે. •