Charchapatra

નક્સલવાદ: વિશ્વાસના અભાવે વકરેલું આંદોલન

છત્તીસગઢમાં નકસલીઓ દ્વારા થયેલા ઘાતક હુમલામાં ત્રણ જવાનો શહીદ થયા. તે પછી સર્ચ ઓપરેશનમાં હમાસ આતંકવાદીઓ જેનો આશરો લે છે એવી લાંબી ગુફા પણ મળી આવી, જે ચિંતાજનક છે. નક્સલવાદની સમસ્યા સંદર્ભે થોડો ઇતિહાસ જોઈએ તો ૧૯૬૦ માં સામ્યવાદી વિચારસરણીના સમર્થકોએ પશ્ચિમ બંગાળના એક ગામ “નકસલવાડી” થી આંદોલન શરૂ કરેલું, જે છેવટે નક્સલવાદ તરીકે ઓળખાવા લાગ્યું.

મૂળ તો નક્સલવાડી વિસ્તારમાં વિકાસનો અભાવ, ગરીબી, ભૂખમરો, બેરોજગારી અને શોષણમાંથી લોકોને મુક્તિ મળે એ માટે આ આંદોલન શરૂ થયેલું. સમય જતાં આ હિંસક આંદોલન પશ્ચિમ બંગાળથી અન્ય રાજ્યો બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ સુધી વિસ્તર્યું. ગરીબો, શોષિતો, વંચિતો અને સરકારી અત્યાચારનો ભોગ બનેલા લોકોના હક માટે હથિયાર ઉઠાવવાનો દાવો કરનારા સામે સરકારે પણ કમનસીબે હિંસાનો મુકાબલો હિંસાથી કર્યો અને પરિસ્થિતિ વકરતી ગઈ. સરકારો બદલાતી ગઈ છતાં, નક્સલવાદ પર કાબૂ મેળવી શકાયો નહીં.

ખરેખર તો શોષણ અને અન્યાયનો ભોગ બનેલાઓને સહાનુભૂતિપૂર્વક ન્યાય મળે તેમ કરવું જોઈતું હતું, પણ એ ન થયું. પરિણામ નક્સલવાદ માથાનો દુખાવો બનતો ગયો. તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ત્રણ વર્ષમાં સમસ્યાનો ઉકેલ લાવવાની જાહેરાત કરી છે. શું થાય છે એવું જોવું રહ્યું. વર્ષો પૂર્વે ચંબલ ઘાટી ડાકુઓના આશ્રયસ્થાન તરીકે કુખ્યાત બનેલી અને એનો કલંકિત ઇતિહાસ જાણીતો છે. એની પાછળ પણ અન્યાય, શોષણ અને અત્યાચાર જેવાં પરિબળો જવાબદાર હતાં. આપણી સરકારો સમસ્યાના મૂળ સુધી જઈ આવા આંદોલનકારીઓનો વિશ્વાસ કેળવી યોગ્ય ઉકેલ લાવવાનું વલણ શા માટે નહીં દાખવતી હોય એ સમજાતું નથી.
સુરત     – સુનીલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top