કર્મનો સિદ્ધાંત કહે છે કે જ્યાં સુધી તમારા પુણ્ય કર્મનો ઉદય ચાલતો હોય ત્યાં સુધી તમે ગમે તેટલા ખોટા ધંધા કરો તો પણ તમને ઊની આંચ આવતી નથી; પણ જેવું પુણ્ય ખૂટી જાય કે તરત તેની સજા મળ્યા વિના રહેતી નથી. મહારાષ્ટ્રના કેબિનેટ મિનિસ્ટર નવાબ મલિક ઉત્તર પ્રદેશથી મુંબઈ આવ્યા ત્યારે તેઓ કુર્લામાં ભંગારનો ધંધો કરતા હતા. મુંબઈના અન્ડરવર્લ્ડ સાથે સાંઠગાંઠ કરીને તેમણે કરોડો રૂપિયાની કમાણી કરી હતી. નવાબ મલિક ૨૦૧૯ માં વિધાનસભાની ચૂંટણી લડ્યા ત્યારે તેમણે પોતાની ૫.૧૯ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. તેઓ કેબિનેટ કક્ષાના પ્રધાન બન્યા હતા. શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરનારા નેર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના હાઇ પ્રોફાઇલ અધિકારી સમીર વાનખેડે સામે આક્ષેપો કરીને નવાબ મલિક લાઈમલાઈટમાં આવી ગયા હતા. તેમણે સમીર વાનખેડે પર ડ્રગ સોદાગરો સાથે સાંઠગાંઠ ધરાવવાના આક્ષેપો કર્યા હતા, પણ તે પુરવાર કરી શક્યા નહોતા.
કાચના ઘરમાં રહેતા લોકોએ બીજાનાં ઘર પર પથ્થરો ન ફેંકવા જોઈએ, એ સિદ્ધાંત નવાબ મલિક ભૂલી ગયા હતા. તેમણે સમીર વાનખેડે પર આક્ષેપો કર્યા તે ક્ષણથી જ ઈડીએ તેમના અન્ડરવર્લ્ડ સાથેના સંબંધો બાબતમાં તપાસ કરવાનો પ્રારંભ કરી દીધો હતો. તેમાં તેમણે છેક ૧૯૮૯ ના જમીન ખરીદીના કેસનો આધાર લીધો હતો. આ કેસમાં નવાબ મલિકે દાઉદ ઇબ્રાહિમના સાગરીતની ત્રણ એકર જમીન માત્ર ૨૫ લાખ રૂપિયામાં ખરીદી હોવાનું બહાર આવ્યું હતું. તેનું કારણ એ હતું કે તે જમીન પર ૧૧૨ જેટલા ભાડૂતો હતા. આ સોદામાં બે નંબરની રકમની મોટી હેરાફેરી થઈ હતી. ઇડીને નવાબ મલિકની ધરપકડ કરવા માટે કેટલાક પુરાવા જોઈતા હતા. આ પુરાવા તેમને દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસ્કરની ધરપકડથી મળી ગયા હતા. નવાબ મલિકનું પુણ્ય ખૂટતાં તેમની ધરપકડ થઈ હતી.
પહેલાં આપણે નવાબ મલિકની રાજકીય કારકિર્દીની વાત કરીએ; પછી તેમની અન્ડરવર્લ્ડ સાથેની સાંઠગાંઠની વાત કરીએ. નવાબ મલિકે પોતાની રાજકીય કારકિર્દી ૧૯૭૯ માં વિદ્યાર્થી નેતા તરીકે યુનિવર્સિટીમાં ફી-વધારાનો વિરોધ કરીને શરૂ કરી. તેઓ મેનકા ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલા સંજય ગાંધી વિચારમંચમાં જોડાયા હતા. ૧૯૮૪ માં તેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગરુદાસ કામત સામે લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા. તેમને ઇશાન મુંબઈ મતદાર સંઘમાંથી માત્ર ૩,૦૦૦ મત મળ્યા હતા અને તેમની ડિપોઝીટ પણ જપ્ત થઈ ગઈ હતી. નવાબ મલિકે કરોળિયાની જેમ પડતાં પડતાં જાળ ગૂંથવાનું ચાલુ રાખ્યું હતું. તેમણે કુર્લાના નહેરુનગર વિસ્તારમાં પોતાની વગ વધાર્યા કરી હતી. ૧૯૯૫ માં તેઓ સમાજવાદી પક્ષની ટિકિટ પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, પણ શિવસેનાના સૂર્યકાંત મહાડિક સામે હારી ગયા હતા.
સૂર્યકાંત મહાડિકની ચૂંટણી સુપ્રિમ કોર્ટે રદ્દ કરતાં ૧૯૯૬ માં નેહરુનગર બેઠક પર ફરીથી ચૂંટણી થઈ હતી. તેમાં નવાબ મલિક જીત્યા હતા અને પહેલી વાર વિધાનસભ્ય બન્યા હતા. ૧૯૯૯ માં તેઓ ફરી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ત્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપીની સરકાર આવી હતી. સમાજવાદી પાર્ટી પણ તેમાં સામેલ થઈ હોવાથી નવાબ મલિકને તેમાં પ્રધાનપદું મળ્યું હતું. તેમને સમાજવાદી પાર્ટી સાથે મતભેદો થતાં તેમણે રાજીનામું આપ્યું અને તેઓ એનસીપીમાં જોડાયા હતા. તેમને મજૂર ખાતાના પ્રધાન બનાવવામાં આવ્યા હતા. નવાબ મલિકની રાજકીય કારકિર્દીમાં અગાઉ પણ તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો પુરવાર થઈ ચૂક્યા છે. ૨૦૦૬ માં સામાજિક કાર્યકર અન્ના હઝારેએ મહારાષ્ટ્રના જે ત્રણ પ્રધાનો સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા તેમાં નવાબ મલિકનો પણ સમાવેશ થતો હતો. સરકારે અન્ના હઝારેના આક્ષેપોની તપાસ માટે જસ્ટિસ પી.બી. કમિશનની નિમણૂક કરી હતી. આ કમિશને નવાબ મલિક સામે ટિપ્પણી કરી તેને પગલે તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી.
ભારતના રાજકારણીઓ માટે ભ્રષ્ટાચારના આક્ષેપો દૂષણરૂપ નથી હોતા પણ ભૂષણરૂપ હોય છે. ૨૦૦૮ માં નવાબ મલિકને ફરીથી પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું હતું અને ફરીથી મજૂર ખાતું પણ મળ્યું હતું. જો કે ૨૦૦૯ માં ચૂંટણી થઈ તે પછી તેમને પ્રધાનપદું મળ્યું નહોતું. ૨૦૧૪ માં નરેન્દ્ર મોદીનાં મોજામાં તેઓ ચૂંટણી હારી ગયા હતા. શરદ પવારે તેમને એનસીપીના પ્રવક્તા બનાવી દીધા હતા. ૨૦૧૯ માં ચૂંટણી જીતીને તેઓ ફરીથી પ્રધાનમંડળમાં સ્થાન પામ્યા હતા. હવે નવાબ મલિકની જે જમીન સોદામાં ધરપકડ થઈ છે, તેની વિગતો જોઈએ.
તેમની કંપની સોલિડસ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે કુર્લાના લાલબહાદુર શાસ્ત્રી માર્ગ પર આવેલી ૨.૮૦ એકર જમીન માત્ર ૨૫ લાખ રૂપિયાનો દસ્તાવેજ કરીને ખરીદી હતી. મુંબઇની ઇન્ડેક્સ મુજબ પણ તે જમીનની કિંમત ૩.૫૩ કરોડ રૂપિયા હતી. આ મિલકતના દસ્તાવેજો મુજબ તેની મૂળ માલિક મરિયમ ગોવાવાલા અને તેની પુત્રી મુનિરા પ્લમ્બર હતી. મુનિરાની જમીન પર ચાલી બંધાઈ ગઈ હતી અને તેમાં ૧૧૨ ભાડૂતો રહેતા હતા. તેને અખબારી હેવાલ દ્વારા જાણકારી મળી હતી કે તે જમીન તેના પરિવારની માલિકીની છે. મુનિરા તે જમીન ખાલી કરાવી શકે તેમ ન હોવાથી તેણે જમીન ખાલી કરાવવાનું કામ દાઉદ ઇબ્રાહિમના ગુંડા સલીમ પટેલને સોંપ્યું હતું. સલીમ પટેલ દાઉદની બહેન હસીના પારકર માટે કામ કરતો હતો. સલીમ પટેલે મુનિરા પાસે પાવર ઓફ એટર્ની પર સહી કરાવી લીધી હતી. આ દસ્તાવેજનો ઉપયોગ કરીને તેણે જમીન વેચી મારી હતી. નવાબ મલિકે હસીના પારકરને જમીન ખાલી કરાવવા માટે ૮૦ લાખ રૂપિયાની ચૂકવણી કરી હતી.
નવાબ મલિકે જે જમીન ખરીદી તેમાં દાઉદનો સાગરીત સરદાર શાહવલી ખાન પણ ભાડૂત તરીકે રહેતો હતો. નવાબ મલિકે તેની પાસેની ૩૦૦ ચોરસ મીટર જમીન પણ ખરીદી હતી. સરદાર શાહવલી ખાન ૧૯૯૩ ના મુંબઈ વિસ્ફોટ કેસમાં ગુનેગાર પુરવાર થયો હતો અને જેલની સજા કાપી રહ્યો છે. નવાબ મલિકે જેલમાં જઈને તેની પાસે દસ્તાવેજો પર સહી કરાવી હતી. આજના બજાર ભાવ મુજબ તે જમીનની કિંમત આશરે ૧૦૦ કરોડ રૂપિયા છે. નવાબ મલિકે તે જમીન સસ્તામાં ખરીદીને દાઉદની મદદથી જમીન ખાલી કરાવવા તેના ગુંડાઓને રૂપિયા આપ્યા હતા.મુંબઈ શહેરમાં આવી લફરાંવાળી જમીન પાણીના ભાવે ખરીદીને તેને ગુંડાઓની મદદથી ખાલી કરાવવાનું મોટું કૌભાંડ ચાલે છે. તેમાં ભાડૂતોને અને ગુંડાઓને કરોડો રૂપિયા બે નંબરમાં ચૂકવાતા હોય છે. નવાબ મલિક આ ધંધો કરી રહ્યા છે તે જાણવા છતાં પહેલાં સમાજવાદી પાર્ટીએ અને પછી એનસીપીએ તેમને ટિકિટો આપી હતી. ચૂંટણી લડીને તેઓ કેબિનેટ મિનિસ્ટર પણ બન્યા હતા. પોતાની સત્તાનો ઉપયોગ પણ તેમણે વિવાદિત જમીન ખાલી કરાવવા માટે કર્યો હતો. એનસીપીના નેતા શરદ પવાર પણ નવાબ મલિકનો આ ભૂતકાળ જાણતા હતા. નવાઈની વાત તો એ છે કે રાજકારણમાં આવા ખોટા ધંધાની કોઈને નવાઈ નથી. આ કારણે જ નવાબ મલિકની ધરપકડ થઈ ત્યારે તેઓ ખુશખુશાલ જણાતા હતા અને વિજયી સ્મિત આપતા જેલમાં ગયા હતા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે