નવસારી જિલ્લાનો (Navsari District) ખેરગામ તાલુકો ચીખલીમાંથી છૂટો પડ્યા બાદ એક નવી ઓળખ મેળવવા પ્રયાસ કરી રહ્યો છે. આ ખેરગામ તાલુકાનું એક ગામ એટલે પાણીખડક. જે ખેરગામ નગરથી 7 કિ.મી.ના અંતરે આવેલું છે. ખડકમાંથી પાણી નીકળતા આ ગામનું નામ પાણીખડક (Pani Khadak) પડ્યું હોવાની લોકવાયકા છે. આ ગામના (Village) લોકો આજે પણ પશુપાલન (Cattle Breeding) અને ખેતી ઉપર નિર્ભર છે. એ સાથે અહીં પરંપરાગત વ્યવસાયને પણ કેટલાક પરિવારો વળગી રહ્યા છે.
આ ગામ આજે 75 ટકા સાક્ષર છે. સાક્ષરતાની દૃષ્ટિએ પણ પહેલાની તુલનામાં આજે ઘણો બદલાવ આવ્યો છે. સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ આ ગામને ખૂબ મળી રહ્યો છે. જેના કારણે આ ગામ ધીમે ધીમે વિકાસ તરફ ડગ માંડી રહ્યું છે.પાણીખડક ગામ 1064 હેક્ટરમાં ફેલાયેલું છે. આ ગામની કુલ વસતી 2615 પૈકી 1312 પુરુષ અને 1303 સ્ત્રીનો સમાવેશ થાય છે. પાણીખડક ગામમાં એક મોટી ટાંકી, નાની ટાંકી, 250 બોર, 70 કૂવા, 4 આંગણવાડી, 2 સ્મશાન ભૂમિ, 1 પ્રાથમિક શાળા, 1 હાઈસ્કૂલ આવેલી છે.
કોળચા, કોટવાડિયા સમાજના લોકોએ પરંપરાગત વ્યવસાય ટકાવી રાખ્યો
આદિવાસી વિસ્તારોમાં આજે પણ રોજગાર સૌથી મોટો પ્રશ્ન છે. પહેલાં ખેતી અને મજૂરી કરી જીવન ગુજારનારા પરિવારોએ આજે રોજગારીની દિશા બદલી છે. ઔદ્યોગિક વિકાસ થતાં ઘણા આદિવાસીઓએ પરંપરાગત વ્યવસાય છોડી દીધો છે. પહેલાં ઘરેઘર આપણને બાપદાદાનો વ્યવસાય કરનારા મળી રહેતા હતા. જો કે, કેટલાક પરિવારો એવા છે જેણે પોતાનો વ્યવસાય ટકાવી રાખ્યો છે, બલ્કે એને નવો ઓપ આપી વ્યવસાયની દિશા બદલી નાંખી છે. કોળચા, કોટવાડિયા જાતિના લોકો એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ ગામમાં કોળચા કોટવાળિયાનાં 45 ઘર છે. કોળચા, કોટવાડિયા સમાજના લોકો વાંસમાંથી ટોપલાં, છાબલી, પાલુ, ડાલા સહિતની વસ્તુઓ બનાવી જીવન ગુજારે છે.
રાજકીય ક્ષેત્રે પણ ગામ આગળ પડતું
પાણીખડક ગામના લોકો મહેનતકશ, કંઈક કરવાની ધગશ સાથે કોઈપણ ક્ષેત્રમાં આગળ પડતા. રાજકીય ક્ષેત્રમાં પણ આજે પાણીખડકનો યુવા વર્ગ અગ્રીમ હરોળમાં આવી રહ્યો છે. ગામના વિકાસની વાત આવે તો એકરાગીતા આ ગામમાં જોવા મળે. પૂર્વ સરપંચ અમિતાબેન યોગેશભાઈ અને ઉપસરપંચ રતિલાલભાઈ લખિયાભાઈએ શાસન ધૂરા સંભાળ્યા બાદ વિકાસની ગતિ પકડી હતી. અને આ ગામમાં હાલ સરપંચ તરીકે અશ્વિનભાઈ એમ.પટેલ અને ઉપ સરપંચ તરીકે સુરેશભાઈ બી.વાધિરે પણ એ ગતિ જાળવી રાખી છે. અશ્વિનભાઈના કુનેહપૂર્વકના નેતૃત્વને કારણે આજે ગામ વિકાસ માર્ગે છે. તો જિલ્લા અને તાલુકા પંચાયતમાં પણ પાણીખડકના અગ્રણીઓ આગળ પડતા છે. ગુણવંતીબેન અમિતભાઈ પટેલ જિલ્લા પંચાયતની પૂર્વ સભ્ય રહી ચૂક્યાં છે. તો હાલ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે સુમિત્રાબેન સુરેશભાઈ ફરજ બજાવી રહ્યાં છે. એ જ રીતે તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય તરીકે વિભાબહેન સુરેશભાઈ દેસાઈ સ્થાન શોભાવી ચૂક્યાં છે. હાલમાં તાલુકા પંચાયતમાં રાજેશભાઈ ઠાકોરભાઈ પટેલ સભ્ય તરીકે કાર્યરત છે.
અશ્વિનભાઈ પટેલની રત્નકલાકારથી લઈ સરપંચ સુધીની સફર
શિક્ષણ એ મૂળભૂત જરૂરિયાત છે. એ જરૂરિયાતને પાણીખડકના ગ્રામજનોએ પારખી લીધી છે. અને હવે શિક્ષણ સ્તરમાં સુધારો થઈ રહ્યો છે. જેને કારણે આજનો યુવા વર્ગ ભણીગણીને આગળ આવી રહ્યો છે. ગામનું સુકાન ભણેલાગણેલા વર્ગના હાથમાં આવતાં પરિવર્તનની લહેર જોવા મળી રહી છે. ગામના 51 વર્ષીય સરપંચ અશ્વિનભાઈ મગજીભાઈ પટેલ સ્ફૂર્તિલા યુવાનોને હંફાવે એવી ઇચ્છાશક્તિ સાથે ગામના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. ભણીગણીને સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કરનારા અશ્વિનભાઈ અત્યંત ગરીબ પરિસ્થિતિમાંથી પસાર થયા છે. માત્ર પાંચ વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી દીધા બાદ સાત ભાઈ અને બે બહેનનો મોટો પરિવાર ધરાવતા અશ્વિનભાઈએ ખૂબ જ સંઘર્ષપૂર્ણ માહોલમાંથી પસાર થવું પડ્યું હતું. જો કે, સમયની સાથે એ દિવસો પણ નીકળી ગયા.
શૈક્ષણિક ક્ષેત્રની વાતો કરતાં તેઓ કહે છે કે, આજની જેમ અમારે ત્યાં વાહન વ્યવહારની સુવિધા ન હતી. સ્કૂલે જવું હોય તો પણ ચાલતા જવું પડતું. પાણીખડકમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યું. જ્યારે ધો.11-12નું શિક્ષણ અગાસીની ઉત્તર બુનિયાદી વિદ્યાલય અને ચીખલીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એફવાયબીએ સુધીનો અભ્યાસ કર્યો હતો.
આટલું ભણ્યા પછી પણ રોજગાર માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો અને હીરા ઘસવાની કામગીરીમાં જોતરાઈ ગયા. આ કામ તેમણે બે વર્ષ સુધી કર્યુ. બાદ સુરત ખાતે સાડી વણકરમાં સાત વર્ષ તરીકે કામ કર્યુ. અને એ પછી સંસ્કાર વિદ્યામંદિર સ્કૂલમાં પટાવાળા તરીકે કામગીરી કરી હતી. હાલમાં તેઓ સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે. અને ગામને અવ્વલ મંજિલે લઈ જવાનું તેમનું સપનું છે.
સસ્તા અનાજની દુકાન પણ ઉપલબ્ધ
સમાજમાં આજે પણ ઘણા એવા પરિવાર છે જેમને એક ટંક ભોજન પણ મળતું નથી. આવા પરિવારો માટે સરકારે વર્ષો પહેલાં રાહત દરે રાશન યોજના લાગુ કરી હતી. દેશમાં વસતા નબળા, વંચિત પરિવારોમાં ખાસ કરીને આદિવાસી, આદિમ જૂથ, વિતરતા અને વિમુક્ત સમુદાય, ભૂમિહીન, નાના અને સીમાંત ખેડૂતો, વિધવા એકલ બહેનો માટે સરકારની આ યોજના આશીર્વાદરૂપ છે. અન્ન સુરક્ષા કાયદા હેઠળ ગ્રામ્ય વિસ્તારના 75 ટકા અને શહેરી વિસ્તારના 50 ટકા પરિવારને આવરી લેવાયા છે. વાત કરીએ પાણીખડક ગામની તો અહીં સસ્તા અનાજની દુકાન પણ ઉપલબ્ધ છે. જેનું સંચાલન રાજેશભાઈ રમણભાઈ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ગુણવંતભાઈ આદિવાસી વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિમાં છેલ્લાં 35 વર્ષથી અગ્રેસર
ખેરગામ તાલુકાના પાણીખડક ગામમાં છેલ્લાં 35 વર્ષથી કાર્યરત ઇન્ડિયન ઓઇલ કંપનીના પેટ્રોલ પંપની શરૂઆત એવા સમયે થઈ હતી, જ્યારે સમગ્ર આદિવાસી વિસ્તાર અનેક પાયાની સુવિધાથી વંચિત હતો. એવા સમયે આદિવાસી વિસ્તારના લોકો માટે પેટ્રોલ-ડીઝલ ભરાવવા 15થી 20 કિમી સુધી જવું પડતું હતું. ત્યારે ગુણવંતભાઈ પટેલે પોતાની સૂઝબૂઝ અને સેવાકીય ભાવનાથી પાણીખડકમાં નીરજ પેટ્રોલપંપ શરૂ કરી એક અદભૂત વાતાવરણ ઊભું કર્યું હતું. ત્યાર બાદ આસપાસના લોકોએ દૂર દૂર સુધી સીએનજી ભરાવવા જવું પડતું હતું, એવા સમયે પણ તેમણે CNG પમ્પની પણ સુવિધા ઉપલબ્ધ કરતાં દૂર દૂર સુધી લોકોને ગેસ ભરાવવામાંથી મોટી રાહત મળી છે. ગ્રામ્ય વિસ્તારના લોકોને બેન્કિંગ તેમજ લાઈટ, ગેસ સહિતનાં બિલિંગ કામો માટે વર્ગીકરણ કેન્દ્ર ઊભું કરી અનેક સેવા ઘરઆંગણે પૂરી પાડી છે. તેમના દ્વારા વર્ષોથી આ વિસ્તારમાં સામાજિક, શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃત્તિઓ પણ થતી આવી છે. આ બધી સેવા ઉપલબ્ધ કરવાની સાથે તેમણે પોતાની પ્રવૃત્તિમાં કેટલાક બેરોજગારોને રોજગારી પણ પૂરી પાડી છે. ગુણવંતભાઈ જણાવે છે કે, લોકોનો પ્રેમ અને સ્નેહ સતત મળતો ગયો અને નવી નવી સુવિધા ઉપલબ્ધ થતી ગઈ. લોકોના સહયોગ વિના આ શક્ય ન હતું.
ગ્રામ પંચાયતના હોદ્દેદારો
સરપંચ-અશ્વિનભાઈ એમ.પટેલ
ઉપ સરપંચ-સુરેશભાઈ બી.વાધીર
સભ્યો: મુકેશભાઈ બાગુલભાઈ પટેલ
વર્ષાબેન કમલેશભાઈ પટેલ
નિકિતાબેન સુરેન્દ્રકુમાર પટેલ
સવિતાબેન દિનેશભાઈ ગાવીત
અનિલભાઈ બુધિયાભાઈ પટેલ
ગીતાબેન હિતેશભાઈ માહલા
ગંગાબેન શૈલેષભાઈ પઢેર
તલાટી કમ મંત્રી-
વિપિનચંદ્ર કરશનભાઈ પટેલ
પ્રોફેસર,
છીબુભાઈ કાંતિલાલ મહેતા, વિરલભાઈ વેણીલાલ દેસાઈ,
શિક્ષક,
ધીરૂભાઈ રામજીભાઈ પટેલ, ઉષાબેન ધીરૂભાઈ પટેલ, પરિમલભાઈ ધીરૂભાઈ પટેલ, જાગૃતિબેન પરિમલભાઈ પટેલ, પ્રમોદભાઈ રામજીભાઈ પટેલ, ઈશ્વરભાઈ નિશાભાઈ પટેલ, પ્રવીણાબેન ઈશ્વરભાઈ પટેલ, અરવિંદભાઈ દુલ્લભભાઈ દેસાઈ, ગમનભાઈ નિધળભાઈ દેસાઈ, જેરામભાઈ નાથુભાઈ દેસાઈ, કીર્તિબેન શીબુભાઈ પટેલ, શાંતિલાલ દુલ્લભભાઈ દેસાઈ, દિલીપભાઈ મોહનભાઈ પટેલ, મણિલાલ ભાણાભાઈ ગાંવિત, ગુલાબભાઈ માંદુભાઈ ગાંવિત, જયાબેન ગુલાબભાઈ ગાંવિત, શંકરભાઈ ચતુરભાઈ રાવત, હસમુખભાઈ મંગળભાઈ રાવત, જયદીપભાઈ રમેશભાઈ માહલા, ઉમેશભાઈ ચંદુભાઈ માહલા, મનીષાબેન ઉમેશભાઈ માહલા, દીપકભાઈ મોહનભાઈ માહલા, કમલેશભાઈ રામુભાઈ માહલા, ગીરીશભાઈ રાયુભાઈ ભીમસેન, સતીષભાઈ બાપુભાઈ થોરાત, જમશુભાઈ રાયુભાઈ ભીમસેન, નવીનભાઈ રાયુભાઈ ભીમસેન, ધર્મેશભાઈ રમેશભાઈ ગાંવીત, મનીષાબેન રમેશભાઈ ગાંવીત, ધનેશભાઈ ઉત્તમભાઈ ગાયકવાડ, સુરેશભાઈ મગનભાઈ ગાયકવાડ, મનોજભાઈ રમણભાઈ પટેલ, ટીનાબેન મનોજભાઈ પટેલ, વિનોદભાઈ અર્જુનભાઈ પટેલ, ભાવનાબેન વિનોદભાઈ પટેલ, નિતેશભાઈ ભગાભાઈ પટેલ, કંચનબેન નિતેશભાઈ પટેલ, લક્ષ્મણભાઈ ગુલાબભાઈ દેસાઈ, ચંદ્રકાંતભાઈ ગોવનભાઈ પટેલ, ઇન્દ્રવદન મણીલાલ દેસાઈ, નરેન્દ્રભાઈ અર્જુનભાઈ મહેતા, કૌશિકભાઈ રતિલાલ દળવી, ગૌતમભાઈ રતિલાલ દળવી, હસમુખભાઈ અંબુભાઈ પટેલ, મુકેશભાઈ ધીરૂભાઈ પટેલ, મનાભાઈ શંકરભાઈ પટેલ, મેહુલભાઈ જગનભાઈ પટેલ, દિવ્યેશભાઈ ભરતભાઈ પટેલ, પ્રકાશભાઈ સોમાભાઈ પટેલ, પંકજભાઈ સોમાભાઈ પટેલ, તબીબ, અરુણભાઈ જયંતીભાઈ દેસાઈ, પ્રજ્ઞેશભાઈ પરસોત્તમભાઈ દેસાઈ, પરિમલભાઈ અમૃતભાઈ પટેલ, રૂપલબેન પરિમલભાઈ પટેલ, ગ્રામસેવક, ધ્રુવભાઈ પ્રફુલ્લભાઈ ગાયકવાડ, કૌશિકભાઈ રામુભાઈ પટેલ, ક્લાર્ક, અશ્વિનભાઈ મગજીભાઈ પટેલ, મુકેશભાઈ ભાણાભાઈ દેસાઈ, ભરતભાઈ મગજીભાઈ પટેલ, સતીષભાઈ મગજીભાઈ પટેલ, ચુનીલાલ પાતાળભાઈ પટેલ, નિર્મળભાઈ મગનભાઈ પટેલ, રંજીતાબેન કમલેશભાઈ માહલા, સ્કૂલમાં પ્યૂન, પંકજભાઈ ગોવિંદભાઈ ગાયકવાડ, જીઇબી, કિરણભાઈ રસીકભાઈ ગાંવીત, મોહિતભાઈ ઉમેદભાઈ માહલા, ગણેશભાઈ ગણપતભાઈ રાવત, અનિમેશભાઈ જગદીશભાઈ પઢેર, ગણેશભાઈ બચુભાઈ ગાંવીત, ધીરેનભાઈ નીતિનભાઈ ગાયકવાડ, કલ્પેશભાઈ નીતિનભાઈ ગાયકવાડ, નવીનભાઈ રમણભાઈ પટેલ, પ્રેમાભાઈ ચંદુભાઈ દેસાઈ, સંજયભાઈ ઝીણાભાઈ મહેતા, કિરણભાઈ ઝીણાભાઈ મહેતા, રાજેશભાઈ ગમનભાઈ પટેલ, ડ્રાઇવર, ભરતભાઈ રમણભાઈ પટેલ, અવિનાશભાઈ રમણભાઈ પટેલ, પ્રેમાભાઈ બર્જુલભાઈ મહેતા, મિઠ્ઠલભાઈ બર્જુલભાઈ મહેતા, અનિલભાઈ જયંતીભાઈ પટેલ, બળવંતભાઈ ડાહ્યાભાઈ પટેલ, કંડક્ટર, પરેશભાઈ ભગુભાઈ પટેલ, પ્રેમાભાઈ બર્જુલભાઈ મહેતા, મેહુલભાઈ હરેશભાઈ દળવી, પોલીસકર્મી…, દમયંતીબેન ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રણવભાઈ રામુભાઈ માહલા, દીક્ષિતાબેન સ્નેહલભાઈ માહલા, ગણેશભાઈ ભગુભાઈ ગાંવીત, રાકેશભાઈ સુમનભાઈ ગાંવીત, રેખાબેન રમેશભાઈ ગાંવીત, ચંદ્રકાંત ભીમાભાઈ ગાંવીત, હોમગાર્ડ…, રિંકલબેન હર્ષદભાઈ ગાંગોડા, કલ્પેશભાઈ હર્ષદભાઈ ગાંગોડા, નીલમબેન રવીન્દ્રભાઈ માહલા, પીએચસીમાં નર્સ…, રાજેન્દ્રભાઈ ગોકુળભાઈ પટેલ, મયૂરીબેન રાજેન્દ્રભાઈ પટેલ, ગામનાં ફળિયાં, પટેલ ફળિયા, દેસાઈ ફળિયા, નિશાળ ફળિયા, હનુમાન ફળિયા, ટોપલ ફળિયા, ડુંગળી ફળિયા, ગાયકવાડ, દુકાન ફળિયા, ઠાકર ફળિયા, નાયકવાડ, ભાટડીવાડ, ગાવિત ફળિયા, હાઈસ્કૂલ ફળિયા, કઈ કઈ જાતિના લોકો વસે છે?, કુંકણા, મહાર, ધોડિયા, ગાંવીત, નાયકા, કોળચા કોટવાળીયા, સોલંકી,
સંસ્કાર વિદ્યામંદિર પીરસે છે ઉચ્ચ શિક્ષણ
ઇ.સ.1983થી શરૂ થયેલી સંસ્કાર વિદ્યામંદિર-પાણીખડક શાળામાં આજદિન સુધીમાં હજારો વિદ્યાર્થીઓએ એમની જ્ઞાનપિપાસા સંતોષીને પોતાની ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કર્યું છે, જેમાં કેટલાક વિદ્યાર્થીઓ ડોક્ટર, એન્જિનિયર, ફાર્મસી તેમજ શિક્ષકો, પ્રાધ્યાપકો તરીકેની સમાજમાં સેવા આપી રહ્યા છે અને શાળાનું નામ રોશન કરી રહ્યા છે. ટ્રસ્ટના આદ્ય સ્થાપક એવા સ્વ.ચંદુભાઇ રતનજી દેસાઇનું તા.8.5.21ના દિને અવસાન થયું હતું. ત્યારબાદ શાળાના નવા પ્રમુખ તરીકે પરભુભાઇ પાતાળભાઇ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. હાલમાં કાર્યરત ટ્રસ્ટીઓમાં ધર્માચાર્ય પ્રભુભાઇ પાતાળભાઇ પટેલ-પ્રમુખ, ખંડુભાઇ બાબરભાઇ પટેલ-ઉપપ્રમુખ, ઈશ્વરભાઇ બાલુભાઇ પટેલ-મંત્રી, દોલતભાઇ સોમાભાઇ દેસાઇ-ખજાનચી, ટ્રસ્ટીઓ તરીકે બાબુભાઇ ઉક્કડભાઇ નાયક, બાબુભાઇ નરોત્તમભાઇ પટેલ, ઠાકોરભાઇ મગજીભાઇ પટેલ, ચુનીભાઇ કુથાભાઇ પટેલ, ભાનુભાઇ રતનભાઇ પટેલ, જયંતીભાઇ સોમાભાઇ દેસાઈ, નટુભાઇ મોતીભાઇ દેસાઈ કાર્યરત છે. તો હાલ શાળામાં આચાર્ય તરીકે મનોજકુમાર રામજીભાઇ પટેલ કાર્યરત છે. તથા શાળામાં માધ્યમિક વિભાગમાં 12 શિક્ષક અને ઉચ્ચતર વિભાગ આર્ટસ તથા વિજ્ઞાન પ્રવાહના કુલ 13, બિન શૈક્ષણિક વહીવટી વિભાગમાં 1 સેવક ભાઇઓ 4 મળી કુલ 31 કર્મચારી શાળામાં ફરજ બજાવી રહ્યા છે.
મહિલાઓ સંચાલિત દૂધમંડળી પશુપાલકો માટે આશીર્વાદરૂપ
હાલ યાંત્રિક યુગ ચાલી રહ્યો છે. ત્યારે ખેતીની સાથે સાથે પશુપાલન કરનારો વર્ગ પણ પાણીખડક ગામમાં તમને જોવા મળે જ. જેને કારણે અહીં પશુપાલન ઉદ્યોગ વિકસીત થયો છે. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે અહીં આવેલાં 5 ફળિયાંમાં મહિલાઓ દ્વારા જ દૂધમંડળીનું પ્રમુખ તરીકે સંચાલન કરવામાં આવે છે, જેમાં મહિલા સહકારી મંદિર ફળિયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં પ્રમુખ તરીકે મીરાબેન ધીરુભાઈ પટેલ, મંત્રી તરીકે નરેશભાઈ કાંતિલાલ પટેલ કાર્યરત છે. ગાયકવાડ ફળિયામાં આવેલી મહિલા સંચાલિત મંડળીમાં જયશ્રીબેન ગાયકવાડ પ્રમુખ છે અને મંત્રી તરીકે જગદીશભાઈ આર.દેશમુખ ફરજ બજાવે છે. તો હનુમાન ફળિયામાં આવેલી મહિલા સંચાલિત દૂધમંડળીમાં કંચનબેન હર્ષદભાઈ ગાંગોડા પ્રમુખ છે. એ જ રીતે પ્રગતિ ફળિયામાં જશુબેન નાગરભાઈ પટેલ કુનેહપૂર્વક પ્રમુખ પદ શોભાવી રહ્યાં છે. આ મંડળીમાં મંત્રી તરીકે જયેશભાઈ નગીનભાઈ પટેલ કામગીરી બજાવે છે. જ્યારે ટોપલ ફળિયામાં આવેલી મહિલા સંચાલિત દૂધમંડળીનાં પ્રમુખ અને મંત્રી તરીકે બંને મહિલા સેવારત છે. અહીં પ્રમુખ તરીકે ભાવનાબેન ધીરુભાઈ પટેલ અને મંત્રી તરીકે સંગીતાબને નિલેશભાઈ પટેલ ફરજનિષ્ઠ છે.
માં ભવાની મંદિરનો ઇતિહાસ
પાણીખડક ગામના રહીશોના જણાવ્યા મુજબ ભવાની મંદિર ચોસઠ ગોઢાવાળું હતું. જે મંદિર કોણે બનાવ્યું એની જાણકારી નથી. પરંતુ વર્ષ 1977-78ની સાલમાં સ્વ.ચંદુભાઈ રતનજીભાઈ દેસાઈ પાણીખડક અને આજુબાજુના ગ્રામજનોના સહકારથી મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ મંદિરની ઊંચાઈ 72 ફૂટ છે. એવી વાયકા છે કે, મંદિર બાંધતી વખતે ઘણા પરચા મળ્યા છે. બાંધકામ કરતી વખતે જૂનું મંદિર તોડ્યા વગર નવા મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું. એ વેળા બાંધકામ કરવા આવતા કારીગરોથી મંદિરનું શિખર ચઢતું ન હતું. પરંતુ ગામના વડીલોએ બાંધકામ આયોજકોને જણાવ્યું કે, દરગાહનું બાંધકામ કરવામાં આવે તો શિખર ચઢશે. એ પ્રમાણે નક્કી તો થઈ ગયું પરંતુ કેટલીયવાર શિખર ચઢાવતી વેળા દોરડાં તૂટી ગયાં હતાં. પરંતુ ભવાની માતાનાં આશીર્વાદથી કોઈ જાનહાનિ થઈ ન હતી. વધુમાં મંદિરનું બાંધકામ કરનાર કારીગરોને કોઈ બીમારી પણ થઈ ન હતી.
આ મંદિરના પરિસરની દક્ષિણ દિશાએ સદીઓ પુરાણું લીમડાનું ઘટાદાર વૃક્ષ આવેલું છે. જેની અહીં આવતાં શ્રદ્ધાળુઓ પૂજા કરે છે. આ વૃક્ષની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે એવી પણ અહીંના લોકોમાં પ્રચલિત માન્યતા છે. મંદિરના પૂજારીઓ દ્વારા પૂનમના દિવસે સત્યનારાયણની કથા અને ઓમનું આયોજન કરાય છે. એ સાથે અહીં આવનારા શ્રદ્ધાળુઓ માટે નળિયાં અને પતરાં મૂકી બનાવાયેલી ધર્મશાળામાં ભોજન પ્રસાદી પણ આયોજિત થાય છે.માં ભવાનીના મંદિરના સાંનિધ્યે દર વર્ષે ૧૪મી જાન્યુઆરી ને મકરસંક્રાંતિના દિવસે ખૂબ મોટો મેળો ભરાય છે. જે દિવસ માતાજીનો દિવસ તરીકે ઉજવાય છે, જેમાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવી દર્શન કરી કૃતાર્થ થાય છે. આ મંદિરમાં દર વર્ષે નવરાત્રિ સમયે ખૂબ ધામધૂમથી નવરાત્ર ઉજજવામાં આવે છે અને દર વર્ષે ભાદરવા વદ-૭નું પિતૃ શ્રાદ્ધ સમૂહમાં કરવામાં આવે છે, જેમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. આ મંદિરના વિકાસમાં ગામના અગ્રણી સ્વ.ચંદુભાઇ રમણભાઇ દેસાઇએ ગામના સાથ સહકારથી ખૂબ વિકાસ કર્યો. ચંદુભાઇ પોતે દૈવી ઉપાસક હતા. એમના પણ ઘણા પરચા ગામલોકોએ નિહાળેલા. ચંદુભાઇએ આખા ગામમાં ખૂબ પ્રગતિનાં કામો પણ કર્યાં. જેમ કે, ગામમાં અનેક મંડળીઓ સ્થાપી અને ગામના લોકોને લાભો અપાવતા. ચંદુભાઇ પોતે સરપંચ પદ પર સતત ૧૫ વર્ષ સુધી હતા. તે સમયમાં પણ ગામ લોકોને અનેક સરકારી લાભો અપાવ્યા હતા. તેમણે લોકોને દારૂ, તાડી, માંસ, મદીરા છોડાવ્યા હતા. સને ૨૦૨૦-૨૧માં કુદરતી કોરોના રોગચાળામાં ચંદુભાઇનું અવસાન થયું હતું. ત્યાર પછી હાલમાં માતાજીની પૂજા પાઠ અને સેવાનું કાર્ય ગામના માતાજીના ભક્ત ગોકુળભાઇ છીમાભાઈ મહેતા કરી રહ્યા છે.
માં અંબા ભવાની માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ ધર્માચાર્ય પૂ.પ્રભુદાદા
માં અંબા ભવાની માનવ સેવા ટ્રસ્ટના આદ્યસ્થાપક અને પ્રમુખ ચંદુભાઈ રતનજી દેસાઈના નિધન પછી ટ્રસ્ટના પ્રમુખ કોણ બનશે? એ માટે અનેક તર્કવિતર્ક પછી આછવણી પ્રગટેશ્વર ધામના પ્રણેતા અને ધર્માચાર્ય પૂ.પ્રભુદાદાની પ્રમુખ પદે સર્વાનુમતે વરણી થઈ હતી.પ્રભુદાદા એટલે શિક્ષણ, સેવા, ધર્મ અને સંસ્કારનો સમન્વય. એક આદર્શ શિક્ષક સો માતાની ગરજ સારે છે એ ઉક્તિ પ્રમાણે પ્રભુદાદાએ જીવનભર શૈક્ષણિક તપસ્યા કરી છે. એમના જીવન કથનમાં ક્યાંય પણ લડાઈ કે મોટાઈ દેખાતી નથી. હજારો વિદ્યાર્થીઓને શિક્ષિત કર્યા પછી પ્રભુદાદાએ શિક્ષણરૂપી શિક્ષા, ધર્મરૂપી દીક્ષા અને પ્રેમરૂપી ભીક્ષા આપી છે. એમના ફળ સ્વરૂપે આજે માં અંબા ભવાની માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ તરીકે કાર્યવાહ મળ્યો છે. સંસ્થા સંચાલિત સંસ્કાર વિદ્યા મંદિરમાં ઉચ્ચ માધ્યમિક શાળામાં હજારો વિદ્યાર્થી સંસ્કાર સાથે શિક્ષણ મેળવી રહ્યા છે, ત્યારે ભવિષ્યમાં એમની રાહબર હેઠળ શાળાની ઉત્તરોત્તર પ્રગતિ થાય, ભૌતિક સુવિધાયુક્ત એક આદર્શ અને નમૂનેદાર શાળાનું નિર્માણ કરી જિલ્લામાં કે રાજ્યમાં અવ્વલ નંબરની શાળા બને એના માટે તેઓ પોતાની ટીમ સાથે સતત પ્રયત્નશીલ છે.
અં○ગ્રેજી હુકુમત, રાજા રજવાડાનો સમય અને નવા ભારતના ઉદયના સાક્ષી નગીનભાઈ સાપનું ઝેર ઉતારવામાં માહીર
પાણીખડકના પટેલ ફળિયામાં તમે નગીનદાદાના ઘરનું સરનામું પૂછો એટલે કોઈપણ રાહદારી તેમને એ તરફ દોરી જાય. સદી વટાવી ગયેલા નગીનભાઈ ઝીણાભાઈ ધોડિયા પટેલ 110 વર્ષના છે. 11 દાયકામાં તેમણે ઘણી નવાજૂની જોઈ નાંખી. અંગ્રેજી હુકુમત, રાજા રજવાડાનો સમય અને દેશની આઝાદી બાદ નવા ભારતનો ઉદય પણ તેઓ જોઈ ચૂક્યા છે. જો કે, ઉંમરના આ પડાવમાં તેઓને ચક્ષુ સાથ નથી આપતાં, હવે ઝાંખપ આવી ગઈ છે. વળી, સમય વહાણા વીતતાં યાદશક્તિ ઓછી થઈ રહી છે. પણ આજેય શરીર નિરોગી છે. ફાસ્ટફૂડના આ જમાનામાં તેઓ સાદું ભોજન જ લે છે. સ્વાસ્થ્યપ્રદ ખોરાકને કારણે ઝેરીલાં તત્ત્વોની કોઈ અસર નહીં, પણ સાપનું ઝેર ઉતારવામાં માહિર. નગીનભાઈની આ કળા આસપાસના ગામોમાં પ્રચલિત. કોઈપણને ઝેરી સાપ કરડે એટલે તેમની પાસે દોડી આવતા. અને પીડાતો માણસ સાજો થઈને પાછો જાય. રૂમલા, નડગધરી, અગાસી, જામનપાડા, તોરણવેરા, કાકડવેરી સહિત અનેક ગામના લોકો તેમને ત્યાં ઉપચાર માટે આવતા. નાતજાત સાથે તો તેમને દૂરનોય સંબંધ નહીં. આજે પણ તેમના ઘરેથી આવતા-જતા વડીલો તેમને અચૂક મળતા જાય.માણસાઈના ભેખધારી નગીનદાદા યુવાની કાળની વાત કરતા તેઓ કહે છે કે, આયખું વિતી ગયું, ઘણું બધું બદલાઈ ગયું છે. અંગ્રેજી હુકુમત સામે યુવાનોએ બંદ પોકાર્યો હતો. આઝાદીની લડત માટે યુવાનોમાં થનગનાટ હતો. ગાંધીજી ચીખલી આવેલા એ વેળા તંબુ તાણીને રહ્યા હતા. એ વેળા મુલાકાતની એક તક આ દાદાએ તેમના જુવાનીકાળમાં ઝડપી લીધી હતી. એ વાતને તેઓ પોતાનું સૌભાગ્ય માને છે. ત્યાં સુધી કે ભારતનાં પૂર્વ વડાંપ્રધાન સ્વ.ઇન્દિરા ગાંધી સાથે પણ તેમની ઓળખાણ હતી. તેઓ ધરમપુરના રાજા મોહનદેવજીને ત્યાં વેઠ તરીકે કામ કરતા હતા. અને સાથે ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આજે પરિવારની આર્થિક સ્થિતિ સારી છે. નગીનદાદામાં ચાર સંતાન પૈકી ત્રણ જીવિત છે, જેમાં એક ખેતી કરે છે અને બે શિક્ષક તરીકે ફરજ બજાવી નિવૃત્ત થઈ ચૂક્યા છે.
ડો.પરિમલભાઈ પટેલ અને પત્ની ડો.રૂપલબેન રૂમલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સેવારત
ખેરગામ તાલુકાના પાણીખડક ગામમાં અમરતભાઈ આર.પટેલ સસ્તા અનાજની દુકાન ચલાવતા હતા અને ખેતી કરતા હતા. બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી પદવી મેળવે એવી ભાવનાથી ઉચ્ચ શિક્ષણ આપ્યું. પાણીખડક ગામની પ્રાથમિક શાળામાં માતા મધુબેન પટેલ પોતે શિક્ષિકા તેમજ આચાર્ય તરીકેની પણ ફરજ બજાવતાં હતાં. પિતાની બાળકોની ઉચ્ચ શિક્ષણ મેળવે અને સારી પદવી હાંસલ કરે એવી ભાવનાને એમના પુત્ર ડો.પરિમલભાઈએ ડોક્ટર બની પરિપૂર્ણ કરી. ડો.પરિમલભાઈએ પોતાનું પ્રાથમિક શિક્ષણ પાણીખડક ગામમાં જ પૂર્ણ કર્યું. માધ્યમિક શિક્ષણ એમણે વંકાલ શાળામાં પૂર્ણ કરી, કરમસદ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યાં એમણે M.B.B.S.ની ડિગ્રી હાંસલ કરી હતી. ડોક્ટર બન્યા પછી એમણે વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર કાકડકૂવા અને ધામણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પોતાની ફરજ બજાવી ૨૦૧૨થી તેઓ પોતાના વતન નજીક રહી ફરજ બજાવી શકે એ માટે તેઓ રૂમલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવી રહ્યા છે. એમના શાંત અને સ્નેહપૂર્ણ સ્વભાવના કારણે દર્દીઓ સાથેનો એમનો સંબંધ જળવાઈ રહ્યો છે. દરેક દર્દીને રૂમલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ સેવાઓનો લાભ મળી શકે એ માટે હરહંમેશ પ્રયત્નશીલ રહે છે. પોતાના લોકો માટે કામ કરવાની એમની ભાવના એમનો સરળ સ્વભાવ દર્શાવે છે. રૂમલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એમનાં પત્ની ડો.રૂપલ પટેલ પણ એમની સાથે ફરજ બજાવી રહ્યાં છે.
પાણીખડકમાં જૂન-1983માં સંસ્કાર વિદ્યામંદિર શાળા શરૂ કરી હતી
વર્ષો પહેલાં દમણગંગા નદી કિનારે વસવાટ કરતો એક દેસાઇ પરિવાર કોઇક કારણસર પણીખડક વિસ્તારમાં આવી પહોંચ્યો હતો. આ પરિવારે અહીંજ રહેવાનું પસંદ કર્યું અને લોકો સાથે હળીમળીને રહેવા લાગ્યો. સમય જતાં આ પરિવારે આ વિસ્તારની પરિસ્થિતિને સમજી આ વિસ્તારના આગેવાન મિત્રોને ભેગા કર્યા અને મા અંબા ભવાની મંદિરના જિર્ણોધ્ધાર માટે તા.1.1.1979ના રોજ ટ્રસ્ટની સ્થાપના કરી અને ટ્રસ્ટનું નામ ‘મા અંબા ભવાની માનવ સેવા ટ્રસ્ટ’ રાખવામાં આવ્યું. શરૂઆતમાં આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં પ્રમુખ તરીકે ચંદુભાઇ રતનજી દેસાઇ, મંત્રી તરીકે કનુભાઇ જે.પટેલ, ટ્રસ્ટીઓ ગોવિંદભાઇ એસ.ગાયકવાડ, જેસિંગભાઇ કે.પટેલ, મગનભાઇ આર.મહેતા, વેણીલાલ એમ.ગરાસિયા, જેરામભાઇ બી.દેસાઇ, કુથાભાઇ પી.પટેલ, મગનભાઇ એમ.પટેલ, છગનભાઇ જી.દેસાઇ, મગનભાઇ એફ.પટેલ હતા. આ જ ટ્રસ્ટે થોડાં વર્ષો પછી ગ્રામ્ય વિસ્તારના મજૂર અને ખેડૂત વર્ગનાં બાળકો બુનિયાદી શિક્ષણ તો મેળવે જ છે, પરંતુ ભવિષ્યની યુવા પેઢીનો વિચાર કરી માધ્યમિક શિક્ષણ લેવા માટે દૂર સુધી શહેરી વિસ્તારમાં જવું ન પડે એ માટે પાણીખડક ગ્રામ્ય વિસ્તારમાં જૂન-1983માં સંસ્કાર વિદ્યા મંદિર પાણીખડકની સ્થાપના કરી હતી. જેમાં સંસ્કારી અને ધર્મ ક્ષેત્રે આગળ પડતા આ દેસાઇ પરિવાર તથા ગામના અગ્રણીનો સહકાર મળ્યો હતો.
શાળાની શરૂઆત પાણીખડક ગામનાં ગાયકવાડ ફળિયાના વતની ઝીણાભાઇ સી. ગાયકવાડના ઘરેથી કરી હતી. શરૂઆતમાં ધોરણ-8માં 44 વિદ્યાર્થી અને ધોરણ-9માં 21 વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો હતો. શાળા એક વર્ષ સુધી ભાડાના મકાનમાં ચલાવી હતી. બાદ ગામના વતની સ્વ.મગજીભાઇ સુખલાભાઇ પટેલનાં પત્ની સ્વ.મણીબેન તથા એમનો પરિવાર ધીરૂભાઇ એમ.પટેલ, ઠાકોરભાઇ એમ.પટેલ, રૂષનબેન એમ. પટેલ, ધનુબેન એમ. પટેલ, વલ્લભભાઇ એમ. પટેલ, રામુભાઇ એમ. પટેલ, ભરતભાઇ એમ. પટેલ, અશ્વિનભાઇ એમ. પટેલ, સતીષભાઇ એમ. પટેલ તરફથી શાળા ચલાવવા માટે ઈ.સ.1984માં પાણીખડક ચાર રસ્તાની બાજુમાં આવેલી જમીનનું દાન મળતાં ત્યાં શાળાનું મકાન તૈયાર કરી શાળા ભાડાના મકાનમાંથી સ્થળાંતર કરવામાં આવી હતી. જેથી પાણીખડક તેમજ આજુબાજુના ગામનાં બાળકો માધ્યમિક શિક્ષણ મેળવતા થયાં, સમય જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો ગયો અને શાળાનું પરિણામ પણ સારું આવતું ગયું. ત્યારબાદ સને-1984માં ટ્રસ્ટ દ્વારા માધ્યમિક વિભાગના કુમારો માટે છાત્રાલય શરૂ કરવામાં આવી હતી, જેમાં હાલ 35 વિદ્યાર્થી છાત્રાલયમાં રહીને અભ્યાસ કરે છે. ઇ.સ.1992માં સામાન્ય પ્રવાહના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. જેના માટે ટ્રસ્ટે નવા ઓરડા પણ બનાવ્યા. શાળામાં શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફની પૂરતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ ઉપરાંત ન્યૂ ઇંગ્લિશ મિડલ સ્કૂલ ઉચ્ચતર પ્રાથમિક વિભાગ જૂન-2001થી ધો.5થી 8ની શાળા શરૂ કરવામાં આવી હતી. હાલ પ્રાથમિક શાળા જે.પી.પટેલ ઇંગ્લિશ મિડલ સ્કૂલના નામે ચાલે છે, જેમાં ધો.6થી 8માં કુલ 38 વિદ્યાર્થી અભ્યાસ કરે છે.
આજના વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં ગ્રામ્ય વિસ્તારનાં આદિવાસી બાળકોને શિક્ષણ મળી રહે એ હેતુથી ઇ.સ. 2003માં ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. મા અંબા ભવાની માનવસેવા ટ્રસ્ટ પાણીખડક, તા. ખેરગામ, જિ.નવસારી સંચાલિત સંસ્કાર વિદ્યામંદિર પાણીખડક શાળા ઇ.સ. 1983થી કાર્યરત છે, જેમાં હાલ ધો.9ના 5, ધો.10ના 5, ધો.11 (સામાન્ય પ્રવાહ)ના 2 અને ધો.12 (સામાન્ય પ્રવાહ)ના 2 તથા ધો.11 (વિજ્ઞાન પ્રવાહ)ના 1, ધો.12 (વિજ્ઞાન પ્રવાહ)ના 1 વર્ગ મળી કુલ 16 વર્ગ ચાલે છે. જેમાં કુલ 468 કુમાર અને 435 કન્યા અભ્યાસ કરે છે.