નવસારી: (Navsari) તવડી ગામે બે જૂથ વચ્ચે ઝઘડો (Quarrel) થતા યુવાનો ઘવાયા હતા. આ બાબતે મામલો મરોલી પોલીસ મથકે (Police Station) પહોંચતા પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ લઈ કુલ 20 સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
- જલાલપોરના તવડી ગામમાં બે જૂથ વચ્ચે ઝઘડો થતા અનેક યુવાનો ઘવાયા
- પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ લઈ 20 જણા સામે ગુનો નોંધ્યો
મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના તવડી ગામે ટાટા નગરમાં નિલેશભાઈ રતિલાલભાઈ રાઠોડ તેમના પરિવાર સાથે રહે છે. ગત 31મી ડીસેમ્બર 2023 માં નિલેશભાઈ તેમના ઘરે હતા. ત્યારે તવડી ગ્રામપંચાયતના સભ્ય હીનાબેન રાઠોડે નીલેશભાઈને ફોન કરી કહ્યું હતું કે, મેહુલ રાઠોડ અને વિશાલભાઈ રાઠોડ સાથે મયુર રાઠોડ અને પરિમલ રાઠોડ મારામારી કરે છે, જેથી તમે અહીં આવો. જેથી નિલેશભાઈ ટેકરાવાળા ફળિયા વચ્ચે ગયા હતા. જ્યાં પિયુષ રાઠોડે નિલેશભાઈનો હાથ પકડી લીધો હતો. ત્યારબાદ સુરેશભાઈ રાઠોડ, રાજ રાઠોડ, જય રાઠોડ, ભીખુભાઈ ખાપાભાઇ, ભીખુભાઈ બાબુભાઈ, મયુરભાઈ રાઠોડ, અજયભાઈ રાઠોડ, વિશાલભાઈ રાઠોડ, પરિમલ રાઠોડ અને મોહનભાઈ રાઠોડ માર મારવા લાગ્યા હતા.
જે ઝઘડામાં નિલેશભાઈને માથામાં કોઈએ લાકડું અને ઇંટો મારી દેતા નિલેશભાઈ લોહીલુહાણ થઈ ગયા હતા. જેથી વિનોદભાઈ રાઠોડ, કમલેશભાઈ રાઠોડ અને અન્ય માણસો વચ્ચે છોડાવવા વચ્ચે પડતા તેઓને પણ માર્યા હતા. જોકે નિલેશભાઈ ત્યાંથી જીવ બચાવી નાસી ગયા હતા. આ બનાવ અંગે નિલેશભાઈએ મરોલી પોલીસ મથકે મયુરભાઈ રાઠોડ, પરિમલભાઈ રાઠોડ, ભીખુભાઈ રાઠોડ, પિયુષભાઈ રાઠોડ, મન રાઠોડ, રાજ રાઠોડ, જય રાઠોડ, ભીખુભાઈ ખાપાભાઇ, અજયભાઈ રાઠોડ, વિશાલભાઈ રાઠોડ અને મોહનભાઈ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
સામે પક્ષે મોહનભાઈ રાઠોડે આ ઝઘડા બાબતે મેહુલ રાઠોડ, વિશાલ રાઠોડ, કમલેશ રાઠોડ, રાજેશ રાઠોડ, હેમંત રાઠોડ, ધર્મેશ રાઠોડ, ધર્મેશ રાઠોડ, વિનોદ રાઠોડ અને નીલેશ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષો સામસામે ફરિયાદ લઈ કુલ 20 વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.