નવસારી: (Navsari) વિજલપોરના બજારોમાં (Vijalpor Market) લોકોની ભીડનો અહેવાલ ‘ગુજરાતમિત્ર’માં છપાયા બાદ પાલિકાના પદાધિકારીઓએ શાકભાજી માર્કેટના વેપારીઓ સાથે મીટીંગ કરી બજારો 15 દિવસ બંધ રાખવા અપીલ કરી હતી. તેથી આજથી નવસારી અને વિજલપોરના બજારો 15 દિવસ સુધી બંધ (Close) રહેશે.
નવસારી-વિજલપોર નગરપાલિકાની બાજુમાં શાક માર્કેટ આવ્યુ છે. તેમજ નગરપાલિકાની બહાર કેટલાક લારીવાળાઓ લારી લગાવી ધંધો કરે છે. આ સિવાય વિજલપોરમાં ભક્તિનગર પાસેના મુખ્ય રોડ પર અને વિઠ્ઠલમંદિર પાસે શાકભાજી માર્કેટ ભરાય છે. આ શાકભાજી માર્કેટોમાં શાકભાજી અને ફળો લેવા માટે લોકોની ભારે ભીડ જામે છે. જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ અને માસ્ક વિના પણ કેટલાક લોકો ફરતા હોય છે. જે હાલની પરિસ્થિતિમાં જીવતા બોમ્બ જેવા છે. બીજી તરફ નવસારી જિલ્લામાં કોરોના નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. વિજલપોરના શાકભાજી માર્કેટમાં લોકોની ભીડ હોવાનો અહેવાલ ‘ગુજરાતમિત્ર’માં છપાયો હતો. જેના પગલે નવસારી-વિજલપોર નગરપાલિકા પ્રમુખે નવસારી અને વિજલપોરના શાકભાજી માર્કેટના વેપારીઓ સાથે મીટીંગ કરી હતી. જ્યાં તેઓને બજારમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે રીતે બજાર ચાલુ રાખવા જણાવ્યુ હતુ.
સાથે જ પાલિકાની બહાર ઉભી રહેતી લારીવાળાઓને બહાર ઉભા રહેવા માટે મનાઇ ફરમાવી હતી. શાકભાજી માર્કેટની બહાર સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે રીતે પાલિકાના કર્મચારીઓએ ચોકથી ગોળ કુંડાળા બનાવ્યા હતા. જો ત્યારપછી પણ શાકભાજી માર્કેટમાં લોકોની ભીડ જોવા મળશે તો તે પણ બંધ કરાવી દેવામાં આવશે. તેમજ વિજલપોરના બજારો બંધ કરવાનું જણાવી ત્યાં પોસ્ટરો લગાવ્યા હતા. પાલિકાએ આ નિર્ણય આજે લીધા બાદ કેટલાક કર્મચારીઓ ગેરસમજને પગલે વિજલપોર વિઠ્ઠલમંદિર પાસે ભરાતું શાકભાજી માર્કેટ બંધ કરાવવા પહોંચી ગયા હતા. જોકે વેપારીઓને શાકભાજી ન બગડે તે માટે આજનો દિવસ ચાલુ રાખવા માટે જણાવ્યુ હતુ. જ્યારે આવતી કાલથી બજારો 15 દિવસ સુધી બંધ રાખવા જણાવ્યુ હતુ.
લારીવાળાઓ ગલીઓમાં ફરી શાકભાજી વહેંચશે : પ્રમુખ
નવસારી-વિજલપોર પાલિકાના પ્રમુખ જીગીશ શાહે જણાવ્યુ હતુ કે, નવસારી અને વિજલપોરના બજારોમાં ભીડ વધુ હોવાથી વેપારી મંડળ સાથે મીટીંગ કરી બજાર બંધ રાખી કોરોનાની ચેઇન તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેથી નવસારી અને વિજલપોરના બજારો 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે તમામ લારીવાળાઓને ગલી મહોલ્લામાં ફરવાની પરવાનગી આપી છે. જેથી લોકોને તકલીફ પડશે નહી.