નવસારી: (Navsari) નવસારી અને વિજલપોર શહેરમાં (Vejalpor City) જાહેર માર્ગો (Raods) અને દબાણ કરાયેલી જગ્યા પરથી તેમજ ધાર્મિક સ્થળ અને સ્કૂલો પાસેથી નોનવેજની (Nonveg) લારીઓ હટાવવા માટે નવસારી-વિજલપોર નગરપાલિકા વિચારણા કરી રહી છે. હાલમાં ગુજરાત સરકાર જાહેર માર્ગો પર અડચણરૂપ થતી અને દબાણ કરાયેલી જગ્યા પરથી લારીઓ હટાવવાની કામગીરી કરી રહી છે. ખાસ કરીને ધાર્મિક સ્થળો અને સ્કૂલો પાસે મુકાતી નોનવેજની લારીઓ હટાવી રહી છે. વડોદરા મનપા અને રાજકોટ મનપા દ્વારા તેમના વિસ્તારમાંથી નોનવેજની લારીઓ હટાવી દેવામાં આવી છે. જેથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ વહીવટીતંત્ર નોનવેજની લારીઓ સાથે અડચણરૂપ અને દબાણ કરાયેલી જગ્યા પર મુકાયેલી લારીઓ પણ હટાવવાની વિચારણા કરી રહી છે.
- જાહેર માર્ગો અને દબાણ કરાયેલી જગ્યા પરથી લારીઓ હટાવવા નગરપાલિકાની વિચારણા
- નવસારી-વિજલપોરમાં ધાર્મિક સ્થળ અને સ્કૂલો પાસેથી નોનવેજની લારીઓ હટાવાશે
નવસારી-વિજલપોર પાલિકા વિસ્તારમાં પણ ઘણી વેજ અને નોનવેજની લારીઓ આવી છે. પરંતુ પાલિકા વિસ્તારની ઘણી જગ્યાએ લોકોએ વેજ અને નોનવેજની લારીઓ મૂકી જગ્યા દબાણ કરવામાં આવી છે. ખાસ કરી લુન્સીકુઈ વિસ્તારમાં ઉભી રહેતી લારીઓને પગલે ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાતી રહી છે. નવસારીના લુન્સીકુઈ વિસ્તારમાં ઈંડાની લારીઓ, ચારપુલ વિસ્તારમાં નોનવેજની લારીઓ અને દુકાનો આવી છે. ગુજરાતમાં લારી હટાવો અભિયાન ચાલી રહ્યું હોવાથી નવસારી-વિજલપોર નગરપાલિકા પણ તે દિશામાં કાર્યવાહી કરવાની વિચારણા કરી રહી છે. પાલિકા વિસ્તારમાંથી માત્ર નોનવેજની નહી પરંતુ વેજની લારીઓ પણ દુર કરવામાં આવશે.
સંકલન મીટીંગમાં નક્કી કરીશું : જીગીશ શાહ
નવસારી-વિજલપોર નગરપાલિકાના પ્રમુખ જીગીશ શાહે જણાવ્યું હતું કે, પાલિકા વિસ્તારમાંથી લારીઓ હટાવવા માટે સંકલન મીટીંગનું આયોજન કર્યું છે. જેમાં નક્કી થાય તે પ્રમાણે કાર્યવાહી કરીશું. સાથે જ પાલિકાના ચીફ ઓફિસરને પણ પૂછ્યું છે પાલિકાના કાયદા મુજબ શું કાર્યવાહી થઈ શકે છે. જરૂર જણાશે તો રાજકોટ અને વડોદરા મ્યુ. કમિશનર સાથે વાત કરીશું.
નોનવેજની લારીઓ ઇટાળવા અને છાપરા મુકાશે
નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાંથી પાલિકા વેજ અને નોનવેજની લારીઓ ખસેડવા માટે વિચારણા કરી રહી છે. જો સંકલણ મીટીંગમાં લારીઓ ખસેડવાનો નિર્ણય લેવાશે તો નોનવેજની લારીઓ ખસેડી ઇટાળવા અને છાપરા આ બે જગ્યાએ મુકવાની વાત પાલિકામાં ચાલી રહી છે. સંકલન મીટીંગમાં નિર્ણય શું આવે તે જોવું રહ્યું.