નવસારી : નવસારી જિલ્લામાં આજે સોમવારે કોરોનાના રેકોર્ડ બ્રેક નવા 48 કેસો નોંધાતા કોરોનાનો આંકડો 2 હજારને પાર થયો છે. નવસારી શહેરમાં 3 મળી તાલુકામાં 21 કેસ, જલાલપોર તાલુકામાં 9, ખેરગામમાં 6, વાંસદામાં 5, ગણદેવીમાં 4 અને બીલીમોરામાં 3 કેસો નોંધાયા છે. એ સાથે જ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસો વધીને 237 થયા છે. નવસારી જિલ્લામાં રોજ કોરોનાના કેસોમાં વધારો થતા જિલ્લામાં કોરોના વિસ્ફોટ થયો છે. છેલ્લા 3 દિવસથી જિલ્લામાં 40થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે.
નવસારી જિલ્લામાં આજે 2328 સેમ્પલો લેવામાં આવતા અત્યાર સુધીમાં કોરોનાના 185318 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી 180983 સેમ્પલ નેગેટીવ રહ્યા હતા, જ્યારે 2006 ના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. એ સાથે જ અત્યારે જિલ્લામાં કોરોનાના 237 એક્ટિવ કેસો છે. આજે વધુ 20 કોરોના પોઝિટિવ દર્દીઓએ કોરોનાને માત આપતા અત્યાર સુધીમાં કુલ 1668 દર્દીઓને સાજા થઇ ગયા છે, જ્યારે 102 દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે.
વાંસદા- ખેરગામ તાલુકામાં પણ વધી રહેલા કેસ
વાંસદા તાલુકામાં ઉનાઈ પી.એચ.સી. ક્વાર્ટર્સમાં રહેતો યુવાન, સિણધઇ ગોકુલધામ રહેતો યુવાન, બારતાડ બેડપાડા ફળિયામાં રહેતો યુવાન, વાંસદા ચમ્પાવાડીમાં રહેતી વૃદ્ધા અને કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતી વૃદ્ધાનો સમાવેશ થાય છે. ખેરગામ તાલુકામાં મિશન ફળિયામાં રહેતી યુવતી, ભૈરવી ઝરા ફળિયામાં રહેતો તરૂણ, ગાંધીનગર સોસાયટીમાં રહેતો યુવાન, રૂઝવણી ગામે મન ફળિયામાં રહેતી મહિલા, આછવણી ગામે કોલ ફળિયામાં રહેતો યુવાન અને કુંભારવાડમાં રહેતી યુવતીનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે.
નવસારીની વિવિધ હોસ્પિટલોમાં વધુ 15 ઓક્સિજન મશીન આપ્યા
નવસારીના ધારાસભ્યના પ્રયત્નથી એન. જે. ગ્રુપ નિરંજનભાઈ અને જીજ્ઞેશભાઈ તરફથી નવસારીની વિવિધ હોસ્પિટલોમાં વધુ 15 ઓક્સિજન મશીન આપવામાં આવ્યા છે. જેમાં લાઈફ કેર હોસ્પિટલમાં 2, શ્રદ્ધા હોસ્પિટલમાં 2, સરદાર હોસ્પિટલમાં 2, યશફીન હોસ્પિટલમાં 2, લાયન્સ હોસ્પિટલમાં 2, યુનિટી હોસ્પિટલમાં 2, ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં 1, વેસ્મા અમૃતલાલ હોસ્પિટલમાં 1 અને બીલીમોરા માંડલિયા હોસ્પિટલમાં 1 મળી 15 ઓક્સિજન મશીન આપવામાં આવ્યા હતા. ગતરોજ ગોહિલ હોસ્પિટલમાં 5 ઓક્સિજન મશીન આપવામાં આવતા હમણાં સુધી નવસારીની વિવિધ હોસ્પિટલોમાં કુલ 20 ઓક્સિજન મશીનો આપવામાં આવ્યા છે.
વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવા રાત્રિ સ્ક્રીનિંગની કામગીરી શરૂ
વલસાડ : વલસાડ જિલ્લામાં વધી રહેલું સંક્રમણ અટકાવવા જિલ્લા કલેકટર આર.આર.રાવલની રાહબારી હેઠળ તંત્ર, પોલીસ અને આરોગ્ય વિભાગ અનેક પગલાં લઇ રહ્યા છે. કોરાનાને હરાવવા લોકોનો પણ સાથ સહકાર સાંપડી રહ્યો છે. જિલ્લામાં રસીકરણની ઝુંબેશ ચાલી રહી છે. સાથે જે લોકોએ કોરોના ટેસ્ટ કરાવવો હોય તો તેમના માટે વિનામૂલ્યે ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા ગામડે ગામડે સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ જે કામદારો કે કોઇ વ્યકિત કામ અર્થે આખો દિવસ બહાર રહેતા હોય તેવા લોકોનું રાત્રિ સ્ક્રનિંગ કરવામાં આવી રહ્યું છે. જેથી જરૂરિયાતમંદોને જરૂરી તબીબી સારવાર આપવામાં આવી રહી છે