ગાંધીનગર: આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં (Gujarat) હળવાથી મધ્યમ વરસાદ (Rain) ૫ડવાની સંભાવના રહેલી છે તેમજ તા. 30 જૂન થી 02 જુલાઈ દરમિયાન નવસારી (Navsari), વલસાડ (Valsad) અને ડાંગ (Dang) જિલ્લાઓમાં ભારે વરસાદની (Heavy Rain) સંભાવના છે. તેમ IMDના અધિકારી મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું.
કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે તા. ૨૭/૦૬/૨૦૨૨ સુધીમાં અંદાજિત ૧૯,૬૮,૭૨૨ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે તથા ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન ૨૫,૦૨,૨૮૮ હેક્ટર વાવેતર થયું હતું. હવામાન વિભાગે આગામી તા. ૩૦ જૂનથી ૨ જુલાઈ દરમિયાન ભારે વરસાદની સંભાવના વ્યક્તિ કરી.
સિંચાઇ વિભાગના જણાવ્યા અનુસાર સરદાર સરોવર જળાશયમાં ૧,૪૮,૩૫૮ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના ૪૪.૪૧% છે. રાજ્યનાં ૨૦૬ જળાશયોમાં ૧,૮૫,૭૧૯ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના ૩૩.૨૭% છે. હાલમાં રાજ્યમાં કોઈ જળાશય એલર્ટ કે હાઇ એલર્ટ પર નથી.
વેધર વોચ ગ્રુપની બેઠકમાં ચર્ચા દરમિયાન રાહત કમિશનરે NDRF અને SDRFની ટીમોને ડીપ્લોયમેન્ટ કરવા માટે રાજ્યમાં આગામી વરસાદની આગાહીને ધ્યાને લઈ ગીર સોમનાથ જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય ડીપ્લોય કરવા સૂચના આપી હતી. રાહત કમિશનરે બેઠક દરમિયાન આગામી સપ્તાહમાં થનાર વરસાદની આગાહીને ધ્યાને લઈ હાજર રહેલ તમામ વિભાગના અધિકારીઓને તથા સમગ્ર તંત્રને એલર્ટ રહેવા સૂચન કર્યું હતું.
વાપીમાં 2 ઇંચથી પણ વધુ વરસાદથી રેલવે અન્ડર પાસમાં પાણી ભરાયા
વલસાડ, નવસારી : વલસાડમાં ગતરોજ વરસાદના વિરામ બાદ આજરોજ જિલ્લામાં છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. જિલ્લામાં સરેરાશ 14 મિમિ વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ 54 મિમિ (2 ઇંચ) વરસાદ વાપીમાં નોંધાયો હતો. જ્યારે નવસારી જિલ્લામાં આજે ફરી વરસાદનું જોર ઘટ્યું હતું. જ્યારે નવસારીમાં વાતાવરણ ખુલ્લું રહેતા મહત્તમ અને લઘુત્તમ તાપમાન વધ્યું હતું.
વલસાડ જિલ્લામાં ગઈકાલે સાંજે 6 વાગ્યાથી આજે સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં વાપીમાં 54 મિમિ, પારડીમાં 13 મિમિ, ઉમરગામમાં 12 મિમિ, વલસાડમાં 4 મિમિ, કપરાડામાં 2 મિમિ અને ધરમપુરમાં 1 મિમિ વરસાદ નોંધાયો હતો. વલસાડના મહત્તમ તાલુકામાં હળવો વરસાદ આવતા આખો દિવસ તડકો પડ્યો હતો અને બફારા સાથે ગરમીની અનુભૂતિ થઇ હતી.
નવસારી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી વરસાદ પડી રહ્યો છે. ગત રોજ જિલ્લામાં સામાન્ય વરસાદ પડ્યો હતો. જોકે આજે ફરી જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું હતું. જેમાં ચીખલી તાલુકામાં 8 મિ.મી. અને ખેરગામ તાલુકામાં 3 મિ.મી. વરસાદ નોંધાયો હતો. આજે મંગળવારે મહત્તમ તાપમાન 0.9 ડિગ્રી વધતા 32.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાનમાં 0.2 ડિગ્રીનો વધારો થતા 25.2 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 96 ટકા હતું. જે બપોરબાદ 66 ટકા જેટલું ઊંચું રહ્યું હતું. જ્યારે દિવસ દરમિયાન 9.5 કિ.મી. ઝડપે પવનો ફૂંકાયા હતા.