નવસારી, વલસાડ: (Navsari, Valsad) નવસારી જિલ્લામાં આજે વધુ બે કોરોનાના કેસો નોંધાયા છે. જેમાં નવસારીના ઘેલખડીના પતિ-પત્નીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા જિલ્લામાં કુલ 1572 કેસ કોરોનાના નોંધાયા છે. જ્યારે વલસાડ જિલ્લામાં પણ કોરોનાના બે કેસ (Case) સામે આવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 1363 કેસ નોંધાયા છે, જેમાં 1203 સાજા થયા છે.
- નવસારી જિલ્લાના ઘેલખડીમાં દંપતિ અને વલસાડ જિલ્લામાં વધુ 2 પોઝિટિવ નોંધાયા
- ચાર દિવસમાં કોરોનાના પાંચ પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ગભરાટ
- વલસાડ જિલ્લામાં 6 દિવસમાં 9 કેસ વધી ગયા
નવસારી જિલ્લામાં ફરી કોરોનાના કેસો નોંધાવાના શરૂ થયા છે. સતત ચાર દિવસથી કોરોનાના કેસો જિલ્લામાં નોંધાઈ રહ્યા છે. ચાર દિવસમાં પાંચ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. આજે શનિવારે વધુ 2 કેસ કોરોનાના નોંધાયા છે. જેમાં નવસારીના ઘેલખડીમાં અમિરાજ સોસાયટીમાં રહેતા પતિ-પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી જિલ્લામાં કુલ કોરોનાનો આંકડો 1572 ઉપર પહોંચ્યો છે. જયારે આજે એક પણ દર્દી સાજો નહી થતા જિલ્લામાં કુલ 1464 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 102 દર્દીઓ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. જિલ્લામાં અત્યારે કુલ 6 કોરોનાના એક્ટિવ કેસ છે. આજે 361 લોકોને સેમ્પલો લેવામાં આવતા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 139745 સેમ્પલ લેવાયા હતા, જેમાંથી કુલ 137812 સેમ્પલ નેગેટીવ આવ્યા હતા.
વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું હોય તેમ શનિવારે કોરોનાના 2 કેસ નોંધાયા છે. જિલ્લામાં 6 દિવસમાં 9 કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 1363 કેસ નોંધાયા છે, જેમાં 1203 સાજા થયા છે. જ્યારે 9 દર્દીઓ સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગે અત્યાર સુધી કોરોનાના 36,298 ટેસ્ટ કર્યા છે, જે પૈકી 34,935 નેગેટિવ અને 1363 પોઝિટિવ નોંધાયા છે. શનિવારે નોંધાયેલા કેસમાં વલસાડ તાલુકાના લીલાપોરમાં 35 વર્ષનો પુરુષ અને વલસાડ શહીદ ચોકના 46 વર્ષના પુરુષનો સમાવેશ થાય છે.
ડાંગ જિલ્લામાં આરોગ્ય કર્મીઓએ રસીનો ડોઝ લીધો
સાપુતારા : ડાંગ જિલ્લામાં આહવા તાલુકાના સાપુતારા (નવાગામ) અને વઘઈ તાલુકાના કાલીબેલ ખાતે બીજા દિવસે કોવીશીલ્ડ રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના બીજા દિવસે સાપુતારાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.નિર્મલ પટેલે પ્રથમ રસી લઈને ત્યારબાદ તેમના સ્ટાફે રસીનો ડોઝ લીધો હતો. ઉપરાંત આંગણવાડી કાર્યકરો, આશાવર્કરો અને તેડાગર બહેનોએ ઉત્સાહપૂર્વક રસીકરણમાં ભાગ લીધો હતો. આમ સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બીજા દિવસે ૯૯માંથી ૬૫ બહેનોએ રસીનો ડોઝ લીધો હતો.
વઘઈ તાલુકાના કાલીબેલ પ્રાથમિક આરોગ્ય ખાતે ૯૯માંથી ૬૨ આંગણવાડી આશાવર્કરો અને તેડાગર બહેનોએ રસીનો ડોઝ લીધો હતો. આમ ડાંગ જિલ્લાના બન્ને પ્રાથમિક આરોગ્ય દ્વારા ૧૯૯માંથી ૧૨૬ લોકોએ રસીનો ડોઝ લીધો હતો. ડાંગ જીલ્લામાં રસીકરણ અંગે ખુબ જ સારો પ્રતિભાવ આંગણવાડી વર્કરો, આશાવર્કરો અને તેડાગર દ્વારા જોવા મળી રહ્યો છે. ડાંગ જીલ્લામાં અધિક આરોગ્ય નિયામક ડો. સંજય શાહ તેમજ રોગચાળા નિયંત્રણ અધિકારી ડી.સી. ગામીત તેમજ તેમનો સ્ટાફ આરોગ્ય ક્ષેત્રે સારી કામગીરી નિભાવી રહ્યા છે.