Dakshin Gujarat Main

નવસારીને મીઠું પાણી મળવાની એક આશા ટાઇડલ ડેમ હતી પરંતુ સ્થળ બદલાતાં નિરાશા

નવસારી: (Navsari) નવસારીમાં પીવાના પાણીની ભારે તકલીફ રહી છે. કરોડોના ખર્ચ છતાં મીઠું પાણી (Water) મળતું નથી, ત્યારે એક આશા પૂર્ણા નદી પરના નવા બનનારા ટાઇડલ ડેમ (Tidal Dam) ઉપર હતી. પરંતુ તેનું સ્થળ બદલાઇ જતાં હવે તેનો લાભ નવસારીને ખાસ નહીં થાય, ઉલ્ટાનું સુરત જિલ્લાના ગામોને થશે એવી ભીંતિ જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલે એક જાહેર કાર્યક્રમમાં નવસારીના સાંસદ સી.આર.પાટીલની હાજરીમાં વ્યક્ત કરી છે.

પૂર્ણા નદી પર ટાઇડલ ડેમ બનાવવાની માંગ લાંબા સમયથી ચાલી રહી છે. પરંતુ હવે એ સપનું સાકાર થાય એમ છે. નવસારી શહેરની પ્રજાને પીવા માટે મીઠું પાણી માટે ભારે પરેશાની વેઠવી પડે છે. કરોડો રૂપિયાના આંધણ પછી પણ નવસારીની પ્રજાને પીવાના પાણીની અછત ભોગવવી પડે છે. એ સંજોગોમાં પૂર્ણા નદી પરના ટાઇડલ ડેમ ઉપર લોકોને આશા હતી. એ ડેમ બને તો પૂર્ણા નદીમાંથી મીઠું પાણી નગરજનોને મળે એવી આશા બંધાઇ હતી. એ ડેમ બને એ માટે ધારાસભ્ય આર.સી.પટેલે પણ પ્રયાસ કર્યા હતા. એ ડેમ નવસારી નજીક બને એવું સ્વીકારાયું છે. પરંતુ હવે જ્યારે એ ટાઇડલ ડેમ બની રહ્યો છે, ત્યારે એ સ્થળ બદલાઇ ગયું છે અને એ ડેમ નવસારીથી દૂર બની રહ્યો છે, તેને કારણે પૂર્ણા નદીના પાણીનો લાભ નવસારીના નગરજનોને મળવાને બદલે સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગામોને મળશે એમ લાગી રહ્યું છે.

આજે નવસારીના સાંસદ સી.આર.પાટીલની હાજરીમાં માછીવાડ ખાતે એક ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલે પ્રજા જોગ સંબોધનમાં જાહેરમાં પૂર્ણા નદી પરના ડેમનું સ્થળ બદલવા સામે નારાજગી વ્યક્ત કરી હતી. યાદ રહે કે થોડા વખત પહેલાં નવસારીના એક કાર્યક્રમમાં મંચ પરથી સાંસદ સી.આર.પાટીલે નવસારી તથા જલાલપોરના ધારાસભ્યનો સંઘર્ષ ઘટશે તો કંઇ કામ થશે એ મતલબનું નિવેદન કર્યું હતું.

બંને ધારાસભ્ય વચ્ચેના અણબનાવના સંકેત જાહેરમાં આપ્યા
મતલબ કે બંને ધારાસભ્ય વચ્ચેના અણબનાવના સંકેત તેમણે જાહેરમાં આપ્યા હતા. એ બાદ નવસારીના ધારાસભ્ય પીયૂષ દેસાઇ, જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલ અને સાંસદ સી.આર.પાટીલ વચ્ચેના સબંધમાં મધૂરતા નહીં હોવાની ચર્ચા ચાલતી રહી છે. આ સ્થિતિમાં આજે એક જાહેર સંબોધનમાં આર.સી.પટેલે ડેમનો મુદ્દો ઉખેળીને વિરોધનો સૂર કાઢ્યો હતો. એમ પણ આર.સી.પટેલ લાંબા સમયથી ધારાસભ્ય છે અને સિક્સ્ટી પ્લસ હોય, ત્યારે તેમને ટિકિટ મળશે કે કેમ એ એક સવાલ છે, ત્યારે હવે તેમણે શેહશરમ રાખ્યા વિના નવસારીની પ્રજાના હિતમાં અવાજ ઉઠાવવાનું નક્કી કરી નાંખ્યું હોય એમ લાગે છે.

Most Popular

To Top