નવસારી: (Navsari) વિજલપોરના ઓમ બંગ્લોઝના બંધ ઘરમાંથી 95 હજારની મત્તા ચોરી (Theft) કરી નાસી ગયાનો બનાવ વિજલપોર પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે સીસીટીવી (CCTV) કેમેરાઓ તપાસતા તેમાં ચોરટાઓ જણાઈ આવ્યા હતા. જેથી પોલીસે (Police) સીસીટીવી ફૂટેજોના આધારે ચોરટાઓનું પગેરું શોધવાના પ્રયત્નો હાથ ધર્યા છે.
- વેકેશનના સમયમાં મજા માણવા જતા પરિવારની તસ્કરોએ મજા બગાડી
- વિજલપોરના ઓમ બંગ્લોઝ સહિત તસ્કરોએ છ બંધ ઘરના તાળા તોડ્યા
- પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરટાઓનું પગેરું શોધવાના પ્રયત્નો હાથ ધર્યા
મળતી માહિતી મુજબ, વિજલપોર છાપરા રોડ પર ઓમ બંગ્લોઝમાં દિપ્તીબેન અનિલભાઈ રાખશીયા તેના પરિવાર સાથે રહે છે. ગત 17મીએ દિપ્તીબેન તેમના બંને બાળકો સાથે સુરત પિયર ગઈ હતી. અને પતિ અનિલભાઈ જલાલપોરમાં રહેતા અશ્વિનભાઈને ત્યાં રોકાયા હતા. દિપ્તીબેન તેમના ઘરને તાળું મારી ચાવી બાજુમાં રહેતા દક્ષાબેન યોગેશભાઈ દેસાઈને આપી ગયા હતા. દરમિયાન મોડી રાત્રે કેટલાક અજાણ્યા ચોરોએ દિપ્તીબેનના ઘરના દરવાજાને મારેલું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો.
ત્યારબાદ તે ચોરોએ ઘરના બેડરૂમમાં જઈ લોખંડના કબાટને મારેલું લોક તોડી કબાટની તિજોરીમાંથી 59 હજારનું સોનાનું મંગળસૂત્ર અને 36 હજાર રૂપિયાનું સોનાની બુટ્ટી મળી કુલ્લે 95 હજારની મત્તા ચોરી કરી નાસી ગયા હતા. બીજા દિવસે બાજુમાં રહેતા દક્ષાબેને દીપ્તીબેનને ફોન કરી તમારા ઘરનું તાળું તૂટેલું છે તેમ જણાવતા દીપ્તીબેને તેમના પતિ અનિલભાઈને જણાવ્યું હતું. જેથી અનિલભાઈ અને થોડી વાર બાદ દિપ્તીબેન પણ સુરતથી ઘરે આવી ગયા હતા. ત્યાં આવી જોતા દરવાજાને મારેલું તાળું તૂટેલું હતું અને ઘરમાં સામાન વેરવિખેર પડ્યો હતો. જેથી ઘરમાં ચોરી થઈ હોવાનું જણાયું હતું. આ બનાવ અંગે દીપ્તીબેને વિજલપોર પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. કે.ડી. મંડોરાએ હાથ ધરી છે.
પોલીસે ઘટના સ્થળે તપાસ કરતા આજુબાજુના ઘરોમાં લાગેલા સીસીટીવી ફૂટેજો ચકાસ્યા હતા. જેમાં કેટલાક ચોરો જણાઈ આવ્યા હતા. જેથી પોલીસે સીસીટીવી ફૂટેજોના આધારે ચોરટાઓનું પગેરું શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ લખાય છે ત્યાં સુધી ચોરટાઓએ ૬ ઘરોના તાળા તોડ્યા હતા. પરંતુ આ બાબતે પોલીસ મથકે કોઈ ફરિયાદ નોંધાઈ નહીં હોવાનું જાણવા મળ્યું હતું.
દિન દહાડે પબ્લિક પ્લેસમાં ભીડનો લાભ લઈ ચોરીને અંજામ આપ તસ્કરો
નવસારીમાં ફરી ચોરટાઓ ચોરી કરવા માટે જાગી ગયા છે. પહેલા રાત્રી દરમિયાન વધુ ચોરી થતી હતી. ત્યારબાદ ચોરોએ નવી રીત અપનાવી દિન દહાડે પબ્લિક પ્લેસમાં ભીડનો લાભ લઈ ચોરીને અંજામ આપી રહ્યા હતા. ત્યારે હવે ફરી શહેરમાં ચોરટાઓ રાત્રી દરમિયાન ચોરી કરવા માટે તેમની જગ્યા શોધી રહ્યા છે. હાલમાં શાળા-કોલેજોમાં વેકેશન ચાલી રહ્યું છે. સાથે જ ઉનાળો પણ છે. ત્યારે લોકો પોતાનું ઘર બંધ કરી પોતાના ગામમાં અથવા તો અન્ય રાજ્યોમાં ફરવા અને મજા માણવા માટે જતા હોય છે. જેથી આ વેકેશનના સમયમાં ઘર બંધ હોવાથી ચોરો ચોરી કરી લોકોની મજા બગાડી રહ્યા છે. ત્યારે નવસારી જિલ્લા પોલીસ રાત્રી દરમિયાન સતર્ક રહી વધુમાં વધુ પેટ્રોલિંગ કરે એ જરૂરી છે.