નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં સાવ નગણ્ય કહી શકાય એટલા બાવીસો જેટલા કોરોનાના ટેસ્ટીંગ દરરોજ થાય છે. જો કે છેલ્લા ચાર દિવસ દરમ્યાન નવસારી શહેરમાં સરેરાશ 10થી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા હતા. પરંતુ શનિવારે નવસારી- વિજલપોર પાલિકા વિસ્તારમાં સરકારી ચોપડે કોરોનાનો એક પણ નવો કેસ (Case) નોંધાયો ન હતો. જ્યારે બીજી તરફ વાંસદામાં એક જ દિવસમાં કોરોનાના નવા 32 કેસ નોંધાયા હતા. એ જોતાં ટેસ્ટીંગ (Testing) પ્રક્રિયામાં કંઇક ગરબડ હોવાની આશંકા જાગે છે.
એમ લાગે છે કે નવસારી જિલ્લાના પાંચ તાલુકાઓમાં એક કે બે દિવસ માટે વધુ ટેસ્ટીંગ કરાતા હતા, જ્યારે બાકીના દિવસોમાં ટેસ્ટીંગ થતા હશે કે કેમ એ એક સવાલ છે. સતત ચાર દિવસ સુધી કોરોનાના સરેરાશ 10 કેસ નોંધાતા હતા. એ બાદ શનિવારે અચાનક જ એક પણ કેસ ન નોંધાય એ આશ્ચર્યજનક છે. પરંતુ શનિવારે નવસારીમાં ટેસ્ટીંગ હાથ ધરાયું જ નહીં હોય અને તેને કારણે સરકારી ચોપડે નવસારીમાં કોરોનાનો એક પણ નવો કેસ શનિવારે નોંધાયો નહીં હોય.
નવસારી જિલ્લાની વાત કરીએ તો અહીં ગયા અઠવાડિયે સરેરાશ 15 કેસ નોંધાતા રહ્યા છે. જેની સામે ખાનગી હોસ્પિટલોના આંકડા મોટા છે. શનિવારે પણ જિલ્લામાં જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા કોરોનાના દર્દીઓ અને શંકાસ્પદ દર્દીઓની સંખ્યા જોઇએ તો નવસારી સિવિલમાં 127 દર્દીઓ, ચીખલી હોસ્પિટલમાં 25, ગણદેવી દમણિયા હોસ્પિટલમાં 25, નવસારીની ગોહિલ હોસ્પિટલમાં 16, ઓરેન્જ હોસ્પિટલમાં 68, લાયન્સ હોસ્પિટલમાં 30, યશફિન હોસ્પિટલમાં 150, ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં 50 અને આલીપોર હોસ્પિટલમાં 25 દર્દીઓ હતા. સરકારી ચોપડે જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા 177 નોંધાયેલી છે, જેની સામે આ હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા 561 થાય છે. ઉપરાંત અહીં કેજલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા જાણી શકાય નથી.
હોસ્પિટલમાં જગ્યા નથી !
જિલ્લા આરોગ્ય વિભાગ ભલે સબસલામતની બાંગ પોકારતું હોય, પણ જિલ્લાની હોસ્પિટલમાં બેડ મળતા નથી, ત્યારે જિલ્લામાં કોરોનાના કેસો સરકારી આંકડા કરતાં ક્યાંય વધુ હોવાનું જણાય છે. વિશેષ તો ચીખલીની સરકારી (સબ ડિસ્ટ્રીક્ટ ) હોસ્પિટલ સિવાય કોરોનાની સારવાર આપતી એક પણ હોસ્પિટલમાં બેડ મળે એમ નથી, ત્યારે જિલ્લામાં દર્દીઓની સંખ્યા કેટલી હશે તેની તો કલ્પના જ કરવી પડે એમ છે.
ટેસ્ટીંગ વધાર્યા વિના કોરોના પર નિયંત્રણ મુશ્કેલ
આખા જિલ્લામાં માંડ બે હજારથી થોડા વધુ ટેસ્ટ થાય છે, જ્યાં નવસારી શહેરની વસ્તી જ ત્રણ- ચાર લાખની છે, ત્યારે આ ટેસ્ટ સાવ મામૂલી ગણાય એમ છે. આ સંજોગોમાં કોરોનાના ટેસ્ટીંગ જ્યાં સુધી વધારાય નહીં ત્યાં સુધી કોરોના પર નિયંત્રણ કરવાનું મુશ્કેલ બને એમ છે. ટેસ્ટિંગ વધુ હાથ ધરાય તો વેળાસર નિદાન થઇ શકે અને સારવાર પણ થઇ શકે. એક તરફ ઓક્સિજનનો પુરવઠો ઓછો છે. ઉપરાંત હોસ્પિટલો બધી ફૂલ છે, ત્યારે વહેલું નિદાનથી થાય એ જરૂરી છે.