નવસારી: (Navsari) નવસારીમાં સાંઈ મંદિરના લાભાર્થે યોજાયેલા ડાયરામાં સ્ટેજ પર બે બુટલેગરોએ સુરત ટ્રાફિક શાખાના પી.એસ.આઈ. (PSI) પર પૈસા ઉડાવતા હોવાનો વિડીયો (Video) વાઈરલ થયો છે. ત્યારે પોલીસ (Police) અને બુટલેગરોની (Bootlegger) સાઠગાંઠનો વિડીયો વાઈરલ થયો હોવાની લોક ચર્ચા શહેરમાં ચાલી રહી છે.
- નવસારીમાં સાઈ મંદિરના લાભાર્થે યોજાયેલા ડાયરામાં બુટલેગરોએ પી.એસ.આઈ. પર પૈસા ઉડાવ્યા
- બુટલેગરોએ ડાયરાના સ્ટેજ પર પી.એસ.આઈ. પર પૈસા ઉડાવતા હોવાનો વિડીયો વાઈરલ
- પોલીસ અને બુટલેગરોની સાઠગાંઠનો વિડીયો વાઈરલ થતા ચકચાર
નવસારીના રેલ્વે સ્ટેશન પાસે સાંઈ મંદિર આવ્યું છે. જે મંદિરનું સંચાલન નવસારી રીક્ષા એસોસિએશન દ્વારા કરવામાં આવે છે. ગત રોજ નવસારી રીક્ષા એસોસિએશન દ્વારા સાંઈ મંદિરના લાભાર્થે એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રીક્ષા એસો. દ્વારા નવસારી-વિજલપોર નગરપાલિકાના શાસકો તેમજ અન્ય લોકોને આમંત્રણ પાઠવ્યા હતા. જોકે નવસારીમાં ડાયરાની મજા માણનાર લોકોની કમી નથી. તેમજ ડાયરામાં લોકો ગાયક-ગાયિકા પર રૂપિયાનો વરસાદ કરતા હોય છે. પરંતુ આ ડાયરામાં ગાયક-ગાયિકા પર નહી પરંતુ એક અધિકારી ઉપર પૈસાનો વરસાદ થયો છે.
ગત રોજ યોજાયેલા ડાયરામાં સુરત ટ્રાફિક પોલીસ શાખામાં ફરજ બજાવતા પી.એસ.આઈ. એસ.એફ. ગોસ્વામી પહોંચી ગયા હતા. જોકે પી.એસ.આઈ. એસ.એફ. ગોસ્વામી વિજલપોર પોલીસ મથકે, નવસારી ટાઉન પોલીસ મથકે અને નવસારી એલ.સી.બી. શાખામાં ફરજ બજાવી ચુક્યા છે. જેમના પર ડાયરામાં પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો. પી.એસ.આઈ. એસ.એફ. ગોસ્વામી ઉપર આમ જનતા દ્વારા સન્માનમાં પૈસાનો વરસાદ કરવામાં નથી આવ્યો. પરંતુ નવસારીના નામચીન લીસ્ટેડ બુટલેગર દ્વારા પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હોવાનો વિડીયો વાઈરલ થયો છે.
નવસારીના નામચીન લીસ્ટેડ બુટલેગર દિપક ઉર્ફે કાલી બાબા તેમજ લાલા પટેલ નામના બુટલેગર ડાયરામાં પહોંચી ગયા હતા. તેમજ બીજી તરફ સુરત ટ્રાફિક પોલીસ શાખામાં ફરજ બજાવતા પી.એસ.આઈ. એસ.એફ. ગોસ્વામી પોલીસ વર્દીમાં જ ડાયરામાં પહોંચી ગયા હતા. જ્યાં ડાયરાના સ્ટેજ પર લીસ્ટેડ બુટલેગર દિપક ઉર્ફે કાલી બાબા અને લાલા પટેલ પી.એસ.આઈ. એસ.એફ. ગોસ્વામી ઉપર રૂપિયાનો વરસાદ કરી રહ્યા હોવાનો વિડીયો વાઈરલ થયો છે. પી.એસ.આઈ. અને બુટલેગરનો આ વિડીયો વાઈરલ થતા સમગ્ર પોલીસ ઉપર આંગળી ઉઠી રહી છે. લીસ્ટેડ બુટલેગર અને પોલીસ વચ્ચેની સાંઠગાંઠને પગલે નવસારી જિલ્લામાં વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે. ત્યારે પોલીસની રહેમ નજરને પગલે બુટલેગરો ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યા હોવાનું આ વિડીયો વાઈરલ થતા શહેરના લોકોમાં ચર્ચા ચાલી રહી છે.