નવસારી : નેશનલ હાઇવે નં. 48 ઉપર પરથાણ (Parthan) ગામ પાસેથી શાકભાજી અને ફ્રુટની આડમાં લઈ જવાતો 1.41 લાખના વિદેશી દારૂ (Alcohol) સાથે એકને નવસારી (Navsari) ગ્રામ્ય પોલીસે (Police) ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂ ભરાવનાર અને દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 પર પરથાણ ગામ પાસે ક્રિષ્ના પેટ્રોલપંપની સામેથી એક ટેમ્પો (નં. જીજે-15-એવી-6698) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને શાકભાજી અને ફ્રુટ ભરવા માટે જુના કેરેટોની આડમાં ચોરખાનામાંથી 1,41,600 રૂપિયાની વિદેશી દારૂની 936 નંગ બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે મૂળ યુ.પી. ચંદૌલી તાલુકાના સોનબરસા તાંડાકુલા અને હાલ વલસાડ જીલ્લાના પારડી તાલુકાના ટૂંકવાડા સીતારામ યાદવની ચાલીમાં અભિષેક ઉર્ફે કુંદન ટીપુ સિંગને ઝડપી પાડ્યો હતો. પોલીસે અભિષેક ઉર્ફે કુંદનની પૂછપરછ કરતા વાપી ચણોદમાં રહેતા ક્રિષ્નાએ દારૂ ભરાવી આપ્યો હતો અને સુરત મીઠીખાડીમાં રહેતા રાકેશસિન્હા ઉર્ફે રાજુએ દારૂ મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે ક્રિષ્ના અને રાકેશસિન્હા ઉર્ફે રાજુને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 5 હજાર રૂપિયાનો મોબાઈલ અને 8 લાખનો ટેમ્પો મળી કુલ્લે 9,46,600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.
ખેરગામ-વલસાડ રોડ ઉપર ટેમ્પોમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
ખેરગામ : ખેરગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પોલીસે ખાનગી બાતમીના આધારે ખેરગામ-વલસાડ રોડ ઉપર વાવ ફટક પાસે ટેમ્પોને અટકાવી તપાસ કરતા તેમાંથી વગર પાસ પરમીટ વિનાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિસ્કી અને ટીન બિયર કુલ નંગ-192ની કિં.રૂ.76,800 અને 500 રૂપિયાનો એક મોબાઈલ અને ટેમ્પાની કિં.રૂ. 1 લાખ મળી કુલ રૂ.1,77,300ના મુદ્દામાલ સાથે ટેમ્પા ચાલક વાડ ઊંચાબેડા સડક ફળિયામાં રહેતો શૈલેષ બાબુ પટેલને ઝડપી લીધો હતો. દારૂનો જથ્થો ભરી આપનાર સેલવાસના લાલુને વોન્ટેડ જાહેર કરી ઘટનાની વધુ તપાસ ખેરગામ પોલીસના પીએસઆઇ જયદીપસિંહ ચાવડાએ હાથ ધરી હતી.