નવસારી: (Navsari) નવસારી એલ.સી.બી. પોલીસે (Police) બાતમીના આધારે નવસારી-ગણદેવી રોડ પર ઇચ્છાપોર ગામ પાસેથી 5.02 લાખના વિદેશી દારૂ (Alcohol) ભરેલી ટ્રક (Truck) સાથે એકને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂ ભરાવનાર અને દારૂ મંગાવનાર સહીત ત્રણે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે નવસારીથી ગણદેવી જતા રોડ પર ઇચ્છાપોર ગામ પાસે સાલેજ પેટ્રોલપંપ પહેલા એક ટ્રક કન્ટેનર (નં. જીજે-16-એવી-0745) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને ટ્રકના ચોરખાનામાંથી 5,02,800 રૂપિયાનો વિદેશી દારૂની 1800 નંગ બાટલીઓ મળી આવતા સુરતના ચોર્યાસી તાલુકાના કવાસ ગામે બાપા સીતારામ સોસાયટીમાં રહેતા પ્રસંજીત સુકુમાર સામલને ઝડપી પાડ્યો હતો. પોલીસે પ્રસંજીતની પૂછપરછ કરતા સુરત હજીરા રોડ પર ઈચ્છાપોર ગામે રહેતા રામુ જગદીશભાઈ રાજગીરે વિદેશી દારૂનો જથ્થો ભરાવ્યો હતો અને મંગાવ્યો હતો.
રામુના માણસે વિદેશી દારૂનો જથ્થો ભરાવી આપ્યો હતો અને સિલ્વર રંગની વર્ના કાર (નં. જીજે-19-એમ-0013) ના ચાલક રાજેશભાઈ નામના માણસે વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે રામુ, રામુનો માણસ અને રાજેશભાઈને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 7 લાખનો ટ્રક, રોકડા 490 રૂપિયા અને 10 હજાર રૂપિયાનો મોબાઈલ મળી કુલ્લે 12,13,290 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.
આમડપોર ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે 2 ઝડપાયા
નવસારી : નેશનલ હાઈવે નં. 48 ઉપર આમડપોર ગામ પાસેથી નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે 1.12 લાખના વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે બેને ઝડપી પાડ્યા હતા. જ્યારે વિદેશી દારૂ ભરાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે નં. 48 ઉપર આમડપોર બ્રિજ પાસેથી એક ટાટા ટ્રક (નં. જીજે-15-યુયુ-1866) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 1,12,800 રૂપિયાનો વિદેશી દારૂની 1128 નંગ બાટલીઓ મળી આવતા વલસાડના ઉમરગામ તાલુકાના ભીલાડ રેલ્વે સ્ટેશનની બાજુમાં એમ.જી. કોલોનીમાં રહેતા પીન્ટુસિંગ મખન્યુસિંગ તેમજ વલસાડના ઉમરગામ તાલુકાના સંજાણ રોડ શ્રીજી હોસ્પિટલની સામે કાળુભાઈની ચાલમાં રહેતા મહેશ સુબેદારસિંઘ ઠાકુરને ઝડપી પાડ્યા હતા. પોલીસે પીન્ટુસિંગ અને મહેશની પૂછપરછ કરતા વલસાડના ઉમરગામ તાલુકાના દહેલી ગામે રહેતા કિરણ ધર્મપાલ શેટ્ટી ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરી વાપીના મોહન બ્રિજ પર આપી ગયા હોવાનું કબુલતા પોલીસે કિરણને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 6 લાખનો ટ્રક અને 2500 રૂપિયાનો મોબાઈલ મળી કુલ્લે 7,15,300 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.