Dakshin Gujarat Main

નવસારીની જન આશીર્વાદ રેલીમાં સરપંચ સહિતના 30થી વધુ કાર્યકર્તાઓના ખીસ્સા કપાયા

નવસારી, બીલીમોરા: (Navsari Bilimora) બીલીમોરામાં કેબિનેટ મંત્રી નરેશ પટેલની જન આશીર્વાદ યાત્રામાં ભેગી થયેલી ભીડનો લાભ લઇ રેલીમાં લોકોના ખીસ્સા કપાયા (Pickpocket) હતા. જેમાં ફરિયાદી વસંતભાઇના ખિસ્સામાંથી રૂ.23,500ની ચોરી કરી રવાના થતી વખતે એકને ઝડપી પાડી તેને પોલીસને (Police) સોંપ્યો હતો. પોલીસે તેને કોર્ટમાં રજુ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ સિવાય અન્ય 50 લોકોના પાકીટ મોબાઈલ ચોરાયા (Mobile Theft) હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ગત 2જી ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે નવસારી જિલ્લામાં આદિજાતી વિકાસ મંત્રી નરેશભાઇ પટેલની જન આશીર્વાદ રેલી યોજાઇ હતી. જે રેલી ગણદેવી વિસ્તારમાં પધારતા ગણદેવી ચાર રસ્તા ખાતે ભાજપ પક્ષના ઘણા આગેવાનો-કાર્યકરો હાજર હતા. જે રેલીનો ફાયદો ઉંચકી ખીસ્સા કાતરૂઓએ ઉઠાવ્યો હતો. ખીસ્સા કાતરૂઓએ ભાજપના કેટલાક કાર્યકર્તાઓના ખીસ્સા કાપ્યા હતા. ગણદેવીના સરીબુજરંગ ગામના સરપંચ ભરતભાઇ બાલુભાઇ હળપતિ સરીબુજરંગ ઝંડાચોક ખાતે જન આશીર્વાદ રેલીનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. જે સ્વાગત કાર્યક્રમ પુર્ણ થયા બાદ યાત્રા બીલીમોરા તરફ ચાલી ગઇ હતી.

ત્યારબાદ ભરતભાઇએ તેમના પેન્ટના પાછળનું ખીસ્સુ તપાસતા ખિસ્સામાં મુકેલા 10 હજાર રૂપિયા મળ્યા ન હતા. તેમજ ભરતભાઇના મિત્ર હેમંતભાઇ ત્રિકમલાલ પટેલના ખીસ્સામાંથી 11 હજાર રૂપિયા ન હોવાનું જણાયુ હતુ. આ રેલી દરમિયાન બીલીમોરા વિસ્તારમાંથી પણ ઘણા કાર્યકરોના રૂપિયા ગયા હતા. દરમિયાન બીલીમોરા પોલીસે રેલીમાં રૂપિયા કાઢતા સુરતના સંજયનગર ઝુપડપટ્ટીમાં રહેતા સચીન કૈલાશ મરાઠેને ઝડપી પાડ્યો હતો. જેથી ભરતભાઇએ ગણદેવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પીએસઆઇ એસ.વી. આહીરે હાથ ધરી છે.

ઉપરાંત જન આશીર્વાદ યાત્રા નવસારીથી બીલીમોરા પહોંચી હતી. જેમાં ભેગી થયેલી ભીડનો લાભ લઇ ચોરી કરવા માટે ચોરો પેંધા પડ્યા હતા. આ યાત્રા બીલીમોરામાં પ્રવેશી ત્યારે ફરિયાદી વસંતભાઇ ઓડના પેન્ટના ખીસામાં 23500 કોઈ ચોરે કાઢી લીધા હતા. પહેલા ફરિયાદીને ખબર પડી ન હતી બાદમાં માલુમ પડતા લોકોએ એક ચોરને પકડી પોલીસને સોંપ્યો છે. જેની વધુ તપાસ બીલીમોરા પોલીસન હે.કો. રવીનભાઈ ટંડેલ કરી રહ્યા છે. એક ચર્ચા મુજબ આ ચોરોની ટુકડી જ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેમાં ચોરોએ નવસારી, ગણદેવી, બીલીમોરા સહિત 30થી વધુ લોકોના પર્સ પાકીટ, મોબાઈલ રોકડની ચોરી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Most Popular

To Top