નવસારી: (Navsari) નેશનલ હાઈવે નં. 48 (National Highway) ઉપર નવસારી નિરાલી હોસ્પિટલ પાસે બાઈક (Bike) સ્લીપ થતા મુંબઈના યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે. યુવાને સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બાઈક ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, મુંબઈ દહીસર ઇસ્ટ ઘરટનપાડા-2 દેવકી નિકેતનમાં રહેતા પ્રયાગ અમ્રતલાલ ધાંગધરિયા (ઉ.વ. ૪૧) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 2જીએ પ્રયાગભાઈ તેમની બાઈક લઈને કામ અર્થે ક્યાંક જઈ રહ્યા હતા. દરમિયાન નેશનલ હાઈવે નં. 48 ઉપર બાઈક લઈને જઈ રહ્યા હતા. ત્યારે નવસારી નિરાલી હોસ્પિટલ પાસે પ્રયાગભાઈએ તેમની બાઈકના સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બાઈક ડિવાઈડર સાથે અથડાઈ હતી.
જેના કારણે પ્રયાગભાઈને શરીરે અને માથાના ભાગે ઈજાઓ થતા ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ 108 એમ્બ્યુલન્સ મારફતે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેમને વધુ સારવારની જરૂરિયાત જણાતા પરિવારજનોએ સુરત સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા. પરંતુ ત્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન પ્રયાગભાઈનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સંજયભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. ડી.ડી. રાવલે હાથ ધરી છે.
સાપુતારા ઘાટમાં કપાસનો જથ્થો ભરેલી ટ્રક પલટી
સાપુતારા : મહારાષ્ટ્રનાં અહમદનગરથી કપાસનો જથ્થો ભરી વિજાપુર તરફ જઇ રહેલ ટ્રક નં. એમએચ-16-સીસી-9709 નો સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા-માલેગામ ઘાટમાર્ગનાં યુટર્ન વળાંકમાં અચાનક બ્રેક ફેઈલ થઈ જતાં ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અહીં ટ્રક સંરક્ષણ દિવાલને અથડાઈને માર્ગની સાઈડમાં પલટી મારી જતાં ઉંડી ખીણમાં ખાબકતા બચી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતનાં બનાવમાં ટ્રકને જંગી નુકસાન થયું હતું, જ્યારે ચાલકને નજીવી ઈજાઓ પહોંચવાની સાથે તેનો ચમત્કારિક બચાવ થયો હતો.
ચીખલી હાઇવે કાર રોડની સાઇડે ગટરમાં ખાબકી પલટી ગઇ
ઘેજ : ચીખલી નજીક થાલામાં સુરત-મુંબઇ નેશનલ હાઇવે પર સાંઇ હોટલની સામે એમએચ 01 બીયુ 8371 નંબરની કારના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડની સાઇડે ગટરમાં ખાબકી ઉંધી વળી ગઇ હતી. કારને મોટા પાયે નુકસાન થયું હતું. બનાવ અંગે પોલીસ ચોપડે કોઇ ફરિયાદ નોંધાઇ ન હતી સાથે કોઇ ઇજાગ્રસ્ત થયેલું છે કે કેમ તે સહિતની અન્ય વિગતો બહાર આવી ન હતી.