નવસારી : નવસારીમાં (Navsari) પતિએ (Husband) કંપનીમાંથી (Company) અનમેરીડ વ્યક્તિને વિદેશ નોકરી અર્થે મોકલવાના છે તેમ કહી પત્નીને છૂટાછેડા (Divorce) આપી દીધા હતા. ત્યારબાદ ફરી તેઓએ લગ્ન (Marriage) કરી પતિએ પત્ની પાસેથી ટુકડે-ટુકડે 80 લાખ રૂપિયા મંગાવી પત્નીને પહેરેલા કપડામાં જ ઘરમાંથી કાઢી મુકતા મામલો મહિલા પોલીસ મથકે (Police Station) પહોચ્યો છે.
નવસારી માણેકલાલ રોડ પર મેઘમલ્હાર એપાર્ટમેન્ટમાં રહેતી પ્રિયંકાબેન અજીતભાઈ શાહના લગ્ન સુરત લંબે હનુમાન રોડ પર ત્રિકમનગર સોસાયટીમાં રહેતા ચિંતન અતુલભાઈ શાહ સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન દીકરાનો જન્મ થયો હતો. ગત 2014 માં ચિંતને પ્રિયંકાબેનને જણાવ્યું હતું કે, હાલમાં મને નોકરી અર્થે અમારી કંપનીમાંથી વિદેશ મોકલવાની તજવીજ કરી રહી છે. પરંતુ મારી કંપનીની શરત એ છે કે અનમેરીડ વ્યક્તિને જ વિદેશ નોકરી અર્થે મોકલવામાં આવશે, જેથી જો હું આપણા ડાયવોર્સના કાગળો જો મારી કંપનીમાં રજુ કરૂ તો મને વિદેશ મોકલવાનું નક્કી છે, અને આપણે ક્યાં સાચા ડાયવોર્સ કરીએ છીએ આ તો ખાલી કંપનીમાં બતાવવા માટે એક પ્રોસેસ કરવાની છે, જો તમે મને સાથ આપે તો આપણું ભવિષ્ય સુધરી જશે. ત્યારે સસરા અતુલભાઈએ તું ચિંતા નહી કર, કોર્ટના હુકમ પછી પણ તમારે અહી જ રહેવાનું છે, આ તો ખાલી પ્રોસેસ કરવાની છે કહી છૂટાછેડા માટે દબાણ કરતા હતા. પરંતુ પ્રિયંકાબેને છૂટાછેડા આપવાની ના પાડતા પતિ ચિંતને ગેરસમજ ઉભી કરી ડાયવોર્સ પેપર ઉપર સહી કરાવી લીધી હતી.
છૂટાછેડા બાદ પ્રિયંકાબેન સાસરે રહેતા હતા. પરંતુ પતિ ચિંતન અને સસરા અતુલભાઈ ઝઘડો કરતા હતા. ગત 2017 માં પતિ ચિંતને મુંબઈ મકાન લેવાની વાત કરી પ્રિયંકાને જણાવ્યું હતું કે, તારા પિતા આપણને ઘર લેવા માટે મદદ કરે તો હું તને મારી સાથે રાખીશ, તેમ કહી દહેજ બાબતે માર મારતા હતા. જેથી પ્રિયંકાબેનને આ બધી વાત તેના પિતાને કરતા પુત્રીનો ઘર સંસાર ન બગડે તે માટે પિતાએ પહેલા 25 લાખ રૂપિયા ચેક દ્વારા ચિંતનને આપ્યા હતા. પરંતુ ત્યારબાદ ચિંતને વધુ માંગ કરતા બીજા 15 લાખ રૂપિયા ચેક દ્વારા આપ્યા હતા. ગત 2018 માં પતિ ચિંતન પ્રિયંકાબેન અને તેના દીકરાને સુરત મૂકી મુંબઈ જતા રહ્યા હતા. ત્યારે પ્રિયંકાબેનના પિતા સુરત મળવા ગયા ત્યારે છૂટાછેડા બાબતે ચર્ચા કરી હતી.
ગત 7મી ડીસેમ્બર 2019માં ગોર મહારાજ અને પરિવારના સભ્યોની હાજરીમાં બંનેના ફરીથી લગ્ન કર્યા હતા. ત્યારબાદ પ્રિયંકાબેનના પિતાએ સર્ટીફીકેટ બનાવવાનો આગ્રહ કરતા ચિંતને મે હાલમાં વિદેશ જવા મારી ફાઈલ મૂકી છે અને ભવિષ્યમાં મારે પત્ની અને દીકરાને લઈ જવા હોય તો મારે નવા લગ્ન બતાવી શકાશે નહી. એથી હું પ્રિયંકા પાસે ડાયવોર્સના હુકમને રદ કરવા અરજી કરાવી દઈશ. ત્યારબાદ ચિંતને પૈસા માટે દબાણ કરતા પ્રિયંકાના પિતાએ 40 લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ ચિંતને ગુજરાત હાઇકોર્ટમાં કરી અંગ્રેજી લખાણ પર પ્રિયંકાની સહી લીધા બાદ ‘તું મને ગમતી નથી અને મારે તારી સાથે રહેવું નથી, તું તારો રસ્તો કરી લે’. તેમજ સસરા અતુલભાઈએ મારા દીકરાને તું હવે ગમતી નથી, જેથી તું તારા ઘરે જતી રહે’ કહી પ્રિયંકા અને દીકરાને ઘરમાંથી કાઢી મુક્યા હતા. આ બાબતે પ્રિયંકાબેને નવસારી મહિલા પોલીસ મથકે પતિ ચિંતન અને સસરા અતુલભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. પી.એ. આર્યએ હાથ ધરી છે.