નવસારી: આઠ મહિના પહેલાં ન્યુઝીલેન્ડ (New zealand) સ્થાયી થવા માટે ગયેલા નવસારીના (Navsari) 34 વર્ષીય યુવકને વિદેશની ધરતી પર મોત મળ્યું છે. મિત્રની દુકાનમાં લૂંટારૂઓ સામે બાથ ભીડનાર આ બહાદુર યુવકને તેની પત્નીની નજર સામે જ લુંટારૂઓએ ચપ્પુના ઉપરાછાપરી આઠથી દસ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો છે. અઢી વર્ષ પહેલાં લગ્ન કરી પતિ સાથે વિદેશ ગયેલી પત્ની વિધવા થઈ છે. આ સમાચાર મળતા નવસારીમાં રહેતા યુવકના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
મૂળ જલાલપુર તાલુકાના વડોલી ગામનો વતની અને છેલ્લાં આઠ મહિનાથી ન્યુઝીલેન્ડમાં રહેતા 34 વર્ષીય જનક પટેલની લુંટારૂઓએ હત્યા કરી છે. બે દિવસ અગાઉ ઓકલેન્ડ ખાતે આવેલી જનક પટેલના મિત્રની દુકાનમાં લુંટારુઓ લુંટના ઈરાદે ત્રાટક્યા હતા. લુંટારુઓએ કાઉન્ટરમાં મુકેલા ડોલરની માંગ કરી હતી ત્યારે જનક પટેલે લુંટારુઓનો વિરોધ કરી તેમનો સામનો કર્યો હતો. જનક પટેલના વિરોધથી લુંટારુઓ રોષે ભરાયા હતા અને જનક પટેલની પત્નીની નજર સામે જ જનક પટેલને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો.
આ કેસમાં ઓકલેન્ડની પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હોવાની વિગતો સાંપડી છે. એક 34 વર્ષીય યુવકની લુંટ અને હત્યા માટે જ્યારે અન્ય 42 વર્ષીય વ્યક્તિની તેનો સાથ આપવા બદલ ધરપકડ કરાઈ હોવાની માહિતી મળી છે. દરમિયાન જનક પટેલની હત્યાના ઘેરા પ્રત્યાઘાત ન્યુઝીલેન્ડમાં પડ્યા છે. ન્યુઝીલેન્ડમાં વસતા ભારતીયોએ આ ઘટનાને વખોડી સખ્ત કાર્યવાહીની માંગ કરી છે.
મિત્રની દુકાનમાં જનક પટેલને મોત મળ્યું
આ દુકાન જનક પટેલના મિત્ર ધર્મેશ પટેલની હતી, પરંતુ લગ્ન પ્રસંગ માટે ધર્મેશ પટેલને નવસારી આવવાનું હોય દુકાનની જવાબદારી ધર્મેશ પટેલે મિત્ર જનક પટેલને સોંપી હતી. દરમિયાન ગઈ તા. 23મી નવેમ્બરની સવારે 8.30 કલાકે જનક પટેલ જનરલ સ્ટોરમાં હતો ત્યારે લુંટારુઓ ત્રાટક્યા હતા. કાઉન્ટરમાં મુકેલા ડોલરની માંગણી કરી હતી, જેનો જનક પટેલે વિરોધ કર્યો હતો. ગુસ્સે ભરાઈ લુંટારુઓએ પત્નીની નજર સામે જનક પટેલને ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. અંદાજે આઠથી દસ જેટલાં ઘા માર્યા હતા. ત્યાર બાદ લુંટારુઓ ભાગી છૂટ્યા હતા. પતિને બચાવવા પત્ની વિજેતાએ ઘણી બૂમાબૂમ કરી હતી, પરંતુ કોઈ મદદે આવ્યું નહોતું. હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ જનક પટેલનું મોત થયું હતું.
અઢી વર્ષ પહેલાં જ જનકના લગ્ન થયા હતા
જનક પટેલ મૂળ જલાલપોર તાલુકાના વડોલી ગામના વતની હતા. તેમનું પુરું નામ જનક કાળીદાસભાઈ પટેલ હતું અને અઢી વર્ષ પહેલાં જલાલપોર તાલુકાના નીમલાઈ ગામની વિજેતા પટેલ સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ દંપતી ન્યુઝીલેન્ડ જવાના હતા, પરંતુ કોરોનાના લીધે તેઓ જઈ શક્યા નહોતા. કોરોના મહામારી રોકાઈ ત્યાર બાદ આઠ મહિના પહેલાં દંપતી ન્યુઝીલેન્ડના હેમિલ્ટન ખાતે સ્થાયી થવા ગયા હતા. જનક પટેલની બહેન હેમિલ્ટનમાં રહેતા હતા. દુકાનમાં કામ કરવાના હેતુથી જનક પટેલ ગયા હતા.
આરોપીઓ સામે સખ્ત કાર્યવાહીની માંગ, કેન્ડલ માર્ચ કાઢી
ભારતીય યુવકની હત્યાની ઘટના બાદ ન્યુઝીલેન્ડમાં રહેતા ભારતીયોનો રોષ ફાટી નીકળ્યો હતો. આરોપીઓ સામે સખ્ત કાર્યવાહીની માંગ કરાઈ હતી. છેલ્લાં કેટલાંક સમયથી ભારતીયો સાથે આવી હિંસક ઘટનાઓમાં વધારો થયો હોય ન્યુઝીલેન્ડમાં વસતા ભારતીયો રોષે ભરાયા છે. ભારતીયોએ સ્થાનિક વિસ્તારમાં કેન્ડલ માર્ચ કાઢીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ન્યુઝીલેન્ડના વડાપ્રધાને કસૂરવારો સામે કાર્યવાહીની ખાતરી આપી હતી. ન્યુઝીલેન્ડના વડાપ્રધાને પીડિતના પરિવાર સાથે વાત કરી સાંત્વના પણ આપી હતી.