નવસારી: (Navsari) નવસારીમાં વહુએ તેના બીજા પતિ સાથે મળી મૃતક પતિની (Husband) બેંકમાં બોગસ આઈ.ડી. અને દસ્તાવેજો બનાવી લોકરમાંથી એફ.ડી. અને કે.વી.પી.ની ઓરીજનલ રસીદ લઈ એફ.ડી. અને કે.વી.પી.ના 1.16 કરોડ રૂપિયા મેળવવા અન્ય બેંકમાં બોગસ ખાતા ખોલાવી રકમ ટ્રાન્સફર કરાવી પચાવી પાડતા મામલો નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.
- વહુએ બીજા પતિ સાથે મળી સસરા-નણંદની જાણ બહાર એફ.ડી. તોડી 1.16 કરોડ પચાવી પાડ્યા
- નવસારીમાં વહુએ મૃતક પતિની બેંકમાં બોગસ આઈ.ડી. અને દસ્તાવેજો બનાવી લોકરમાંથી એફ.ડી. અને કે.વી.પી.ની ઓરીજનલ રસીદ લઈ લીધી
મળતી માહિતી મુજબ, મૂળ નવસારીના પારડી ગામે મંડળી ફળીયામાં અને હાલ સાઉથ આફ્રિકામાં રહેતા સુપ્રિયાબેન અમ્રતલાલ ભાણાના સગાં ભાઈ શૈલેષભાઈ ભાણાના લગ્ન દિપીકાબેન સાથે થયા હતા. જેમના લગ્ન જીવન દરમિયાન એક દીકરી છે. પરંતુ શૈલેષભાઈ ગત 2010 માં મરણ ગયા હતા. ત્યારબાદ દિપીકાબેન સાઉથ આફ્રિકા ખાતે વેપાર-ધંધો કરતી હતી. ત્યારબાદ દીપીકાબેને ભારત આવી નવસારી ગ્રીડ રોડ પર શાંતિવન સોસાયટીમાં રહેતા મિહિર પ્રકાશભાઈ પંચાલ સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદથી દિપીકાબેન તેમની દીકરી દિયા બીજા પતિ મિહિરભાઈ સાથે રહે છે.
સુપ્રિયાબેને બેંક ઓફ બરોડાની શાખામાં ભાઈ શૈલેષભાઈ અને પુત્ર શમીકભાઈના નામે લોકર ખોલાવડાવ્યું હતું. શૈલેષભાઈએ તેના નામે અલગ લોકર ખોલાવ્યું હતું. જે બંને લોકરમાં બેંકમાં ચાલી આવેલી ડીપોઝીટો અને અન્ય એકાઉન્ટ વગેરેની તમામ અસલ રસીદ તથા દસ્તાવેજો મુક્યા હતા.
ગત વર્ષ 2022 માં સુપ્રિયાબેનના પિતા અમ્રતલાલ ભારત આવ્યા હતા. જેથી અમ્રતલાલ લોકર નં. 146 શૈલેષભાઈ નામ ઉપરથી તેમના નામ ઉપર તબદીલ કરવા માટે બેંકમાં ગયા હતા. જ્યાં બેંકના કર્મચારીએ જણાવ્યું હતું કે, શૈલેષભાઈના પત્ની દિપીકાબેન પેઢીનામું તથા જરૂરી દસ્તાવેજો રજુ કરી લોકરમાં રહેલી તમામ ચીજવસ્તુઓ અને દસ્તાવેજો લઈ ગયા છે અને લોકર બંધ થઈ ગયું છે. જે લોકરમાં ખડસુપા બોર્ડીંગ ગામે બેંક ઓફ બરોડા શાખાની 21 લાખ રૂપિયાની એફ.ડી. ની રસીદ અને 20 લાખ રૂપિયાની એફ.ડી. ની રસીદ તેમજ જુનાથાણા પોસ્ટ ઓફીસ શાખામાં જમા કરેલી 50 હજાર રૂપિયાની કિંમતની 6 કે.વી.પી. ની રસીદ હતી. અમ્રતલાલભાઈએ તપાસ કરતા દિપીકાબેન ખોટું સોગંદનામું અને ખોટી પેઢીનામું બનાવી તેમજ શમીકભાઈના નામનો ખોટો ઓથોરીટી લેટર બનાવી બેંકમાં રજુ કરી લોકરના દસ્તાવેજો મેળવ્યા હતા.
ત્યારબાદ દિપીકાબેન અને તેમના બીજા પતિ મિહિરભાઈએ લોકરમાંથી મેળવેલા દસ્તાવેજો વટાવી રકમ જમા કરવા માટે સુપ્રિયાબેનના નામે નવસારીની બંધન બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું. જે એકાઉન્ટ ખોલાવવા માટે સુપ્રિયાબેનેનો બોગસ પાસપોર્ટ કોપી સહિતના બોગસ સર્ટીફીકેટ, અમ્રતલાલનું બોગસ એફિડેવિટ અને બોગસ આઈ.ડી. જેના ઉપર નોટરીની બોગસ સહીવાળા દસ્તાવેજો જમા કરાવી સુપ્રિયાબેનેની બોગસ સહી કરી તેમજ ડોક્યુમેન્ટ સાઉથ આફ્રિકા મુકામેથી કુરિયરમાં મેળવ્યા હોવાનો ખોટો પુરાવો રજુ કરી એકાઉન્ટ ખોલાવ્યું હતું.
બોગસ ડોક્યુમેન્ટ, બોગસ પાસપોર્ટ, બંધ બેંકના બોગસ એકાઉન્ટના બે ચેક રજુ કર્યા
દીપીકાબેને બે ફિક્સ ડીપોઝીટ વટાવવા માટે સુપ્રિયાબેનના નામે બોગસ ડોક્યુમેન્ટ, બંધ બેંકના બોગસ એકાઉન્ટના બે ચેકો તથા ઓરીજનલ એફ.ડી. રજુ કરી 74,08,975 રૂપિયાના 8 ડી.ડી. મેળવી બંધ બેંકના બોગસ ખાતામાં વટાવી લીધા હતા. પોસ્ટ ઓફિસમાં 6 કે.વી.પી. પત્રો વટાવવા સુપ્રિયાબેનના નામની ખોટી પાવર ઓફ એટર્ની બનાવી કુલ 8,43,048 રૂપિયાની રકમના ચેકો મેળવી લીધા હતા. દિપીકાબેન અને મિહિરભાઈએ બેંક બરોડા શાખાની 74,08,975 રૂપિયાની એફ.ડી. ની રકમ, 34,30,232 રૂપિયાના યુનિયન બેંકની એફ.ડી. અને 8,43,048 રૂપિયાના કે.વી.પી. ની રકમ મળી કુલ્લે 1,16,82,255 રૂપિયા ટ્રાન્સફર કરી પચાવી પાડી હતી. જેથી આ બનાવ અંગે સુપ્રિયાબેને નવસારી ગ્રામ્ય પોલીસ મથકે દિપીકાબેન અને મિહિરભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. પી.બી. પટેલીયાએ હાથ ધરી છે.