નવસારી: (NavsarI) નેશનલ હાઈવે નં. 48 ઉપર બોરીયાચ ટોલનાકા પાસેથી નવસારી ગ્રામ્ય પોલીસે (Police) બાતમીના આધારે ગોવાથી સુરત લઈ જવાતા 24 લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે એકને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય 6ને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
- બોરિચાય ટોલનાકે ગોવાથી સુરત લઈ જવાતા 24 લાખના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
- બાતમીને આધારે નવસારી ગ્રામ્ય પોલીસની કાર્યવાહી, દારૂ મોકલનાર તેમજ મંગાવનાર સહિત 6ને વોન્ટેડ જાહેર કરાયા
મળતી માહિતી મુજબ, નવસારી ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે, એક અશોક લેલન ટ્રક (નં. એમએચ-18-બીજી-4016)માં ગોવા પણજી ખાતેથી વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ભરી ગોવા પણજી મહારાષ્ટ્ર તરફથી આવે છે અને વલસાડ, નવસારી થઈ સુરત તરફ જનાર છે. જે બાતમીના આધારે પોલીસે નેશનલ હાઈવે નં. 48 ઉપર બોરીયાચ ટોલનાકા પાસે મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી. બાતમીવાળી ટ્રક આવતા પોલીસે તે ટ્રકને રોકી તપાસ કરતા તેમાંથી 24 લાખની વિદેશી દારૂની 19,200 નંગ બાટલીઓ મળી આવી હતી. પોલીસે રાજસ્થાનના અજમેર જીલ્લાના બીપાવર તાલુકાના બિહાર રતનપુરા ગામે રહેતા વિક્રમસિંહ અમરસિંહ રાજપૂતને ઝડપી પાડયો હતો.
પોલીસે વિક્રમસિંહની પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો ભરવા રાજસ્થાનના રાજસમદ જીલ્લાના ગોમતી ગામે રહેતો રાજમલ ઉર્ફે રાજુ જોષી વિક્રમસિંહને ટ્રક આપી ગયો હતો. આશરે 25 થી 30 વર્ષના ત્રણ અજાણ્યા ઈસમોએ વિદેશી દારુનો જથ્થો ભરી આપ્યો હતો. સુરેશ નામના ઇસમે વિદેશી દારૂ ભરેલી ટ્રક મહારાષ્ટ્રની બોર્ડર પાસ કરી ગુજરાતમાં પ્રવેશ કરાવ્યો હતો અને બે અજાણ્યા ઈસમોએ વિદેશી દારૂ મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે તમામને વોન્ટેડ જાહેર કર્યા હતા.
પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 20 લાખનો ટ્રક, 1 હજાર રૂપિયાનો મોબાઈલ અને રોકડા 1300 રૂપિયા મળી કુલ્લે 44,02,300 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.