નવસારી: (Navsari) નવસારીમાં યુવતીનું (Girl) ઊંઘમાં જ આકસ્મિક રીતે મોત નીપજ્યું છે. જોકે યુવતીને ઊંઘમાં હૃદય રોગનો હુમલો (Heart Attack) થતા મોત નીપજ્યું હોવાની આશંકા રાખી રહ્યા છે. યુવતી તેના પરિવાર સાથે એક મહિના અગાઉ જ વિદેશથી નવસારી આવી હતી.
- નવસારીમાં યુવતીનું ઊંઘમાં જ મોત, હૃદય રોગનો હુમલો થયો હોવાની આશંકા
- એક મહિના અગાઉ જ વિદેશથી પરિવાર સાથે નવસારી આવી હતી
- નાની ઉંમરના યુવાન-યુવતીઓ હૃદય રોગના હુમલાનો ભોગ બની રહ્યાનું પ્રમાણ ચિંતાજનક
નાની ઉંમરના યુવાન-યુવતીઓ હૃદય રોગના હુમલાનો ભોગ બની રહ્યા છે. સમગ્ર દેશમાં યુવાન-યુવતીઓ સિવાય સગીર વયના લોકો પણ હૃદય રોગનો ભોગ બની રહ્યા છે. જેના કારણે તેમનું મોત નીપજી રહ્યું છે. પહેલા આધેડ વયની ઉંમરના લોકોમાં તેમજ વૃદ્ધોને હૃદય રોગના હુમલાઓ આવી રહ્યા હતા. પરંતુ હાલમાં યુવાન-યુવતીઓ પણ હૃદય રોગના હુમલો ભોગ બની રહ્યા હોવાથી સરકાર પણ ચિંતા કરી રહી છે. જોકે હૃદય રોગના હુમલો આવનાર દર્દીને તાત્કાલિક સારવાર મળે તો તે બચી શકે તેમ છે. અને રાજ્યની સમગ્ર સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઈલાજની સુવિધાઓ પણ છે. પણ હાલના કિસ્સાઓમાં સારવાર મળે તે પૂર્વે જ દર્દીઓ હૃદય રોગના હુમલાને કારણે મોતને ભેટી રહ્યા છે.
નવસારીમાં પણ એક નાની વયની યુવતી હૃદય રોગના હુમલાની શિકાર બની હોવાની આશંકા છે. નવસારીના કબીલપોર વિસ્તારમાં શિવનગર સોસાયટીમાં રિયા સુનીલભાઈ મિસ્ત્રી (ઉ.વ. 22) તેમના પરિવાર સાથે રહે છે. એક મહિના અગાઉ જ રિયા તેના પરિવાર સાથે વિદેશથી નવસારી આવી હતી. જોકે થોડા દિવસોમાં તેણી પરત વિદેશ જવાની હતી. ગત ૩જીએ રાત્રે રિયા જમી પરવારીને તેના ઘરે પરિવાર સાથે સુઈ ગઈ હતી. બીજા દિવસે પરિવારજનો ઉઠ્યા હતા. પરંતુ રિયા ઉઠી ન હતી. જેથી પરિવારજનો તેણીને ઉઠાડવા માટે જતા રિયા ઉઠી ન હતી. જેના પગલે પરિવારજનો ઘભરાઈ જતા રિયાને તાત્કાલિક સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે રિયાને ચકાસીને મૃત જાહેર કરી હતી. રિયાને મોડી રાત્રે ઊંઘમાં જ હૃદય રોગનો હુમલો થયો હોવાની આશંકા વર્તાઈ રહી છે. જોકે હજી ડોક્ટરોનો પી.એમ. રીપોર્ટ આવે ત્યારબાદ જ મોતનું કારણ સામે આવશે. આ બનાવ અંગે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરતા પોલીસે મૃતકના પિતા સુનિલભાઈની ફરિયાદને આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. મનીષભાઈને સોંપી છે.