નવસારી: (Navsari) નવસારીમાં મિત્રએ જ મિત્ર (Friend) પાસેથી 50 હજાર રૂપિયા લૂંટી (Loot) લીધાનો બનાવ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાયો છે. કામ અપાવવાના બહાને મિત્રને સાથે લઈ જઈ માથાના ભાગે ઇંટ મારી દઈ રોકડા 50 હજાર રૂપિયા ભરેલો થેલો લઈ મિત્ર નાસી ગયો હતો.
- દિવાળી ટાણે નવસારીમાં મિત્રએ જ મિત્રને લૂંટી લીધો
- ઘરેથી થેલામાં રોકડા 50 હજાર રૂપિયા લઈ નીકળેલા મિત્રને તેનો મિત્ર એક્ટિવા પર બેસાડી લઈ ગયો
- ચીકુ વાડીમાં લઈ જઇ માથામાં ઇંટ મારી 50 હજાર રૂપિયા ભરેલો થેલો લઈ નાસી ગયો
મળતી માહિતી મુજબ મૂળ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના બોરાડા ગામે અને હાલ જલાલપોર વલ્લભસદન હવેલીની સામે પંચરત્ન એપાર્ટમેન્ટમાં દિપકભાઈ કાળુભાઈ માંડાણી તેમના પરિવાર સાથે રહે છે. ગત 10મીએ દિપકભાઈ ઘરેથી થેલામાં રોકડા 50 હજાર રૂપિયા લઈ નીકળ્યા હતા. દરમિયાન તેઓ થેલો લઈને આનંદ ગેસ્ટ હાઉસ પાસે પહોંચતા ત્યાં રેલવે સ્ટેશન પાસે ફૂલ વહેચતા મિત્ર સોહેલ નબી શેખ એક્ટિવા લઈને ઉભો હતો. ત્યારે સોહેલે દિપકભાઈને કહ્યું હતુ કે, ‘ચાલ બેસી જા કામે લઈ જવો છે’. જેથી દિપકભાઈ સોહેલની મોપેડ પર પાછળ બેસી જતા સોહેલ તેમને નવસારી બંદર રોડ, શાંતાદેવી રોડ, રમાબેન હોસ્પિટલ, ટાટા સ્કુલ થઈ વિરાવળ બાજુ લઈ ગયો હતો અને ત્યાંથી તવડી ગામ તરફ લઈ ગયો હતો. દરમિયાન એક ચીકુની વાડીમાં લઈ ગયો હતો.
ત્યાં દિપકભાઈને નીચે ઉતારી કહ્યું હતું કે, ‘અહી ઉભા રહો બીજા મજૂરો આવે છે’. જેથી દિપકભાઈ દશેક મિનિટ ઉભા રહ્યા હતા. પરંતુ બીજા મજુર નહીં આવતા સોહેલને પૂછતાં તેણે હાથમાં ઇંટ લઈ દિપકભાઈને માથાના ભાગે મારી દેતા તેમને લોહી નીકળવા લાગ્યું હતું. જેના કારણે દિપકભાઈને ચક્કર આવવા લાગ્યા હતા. અને સોહેલ દિપકભાઈ પાસેથી રોકડા 50 હજાર રૂપિયા ભરેલો થેલો લઈ નાસી ગયો હતો. ત્યારબાદ દિપકભાઈ એક મજુર પાસે 20 રૂપિયા માંગી ગોલવાડ ગેટ પાસે આવી રીક્ષામાં બેસી રેલવે સ્ટેશન ગયા હતા. જ્યાંથી તેઓ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવ અંગે દિપકભાઈએ નવસારી ટાઉન પોલીસ મથકે સોહેલ શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. કે.એચ. ચૌધરીએ હાથ ધરી છે.