નવસારી: (Navsari) ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે નેશનલ હાઇવે નં. 48 (National Highway No.48) ઉપર ગ્રીડ ચાર રસ્તા પાસેથી 2.40 લાખના વિદેશી દારૂ (Foreign Liquor) ભરેલી કાર (Car) સાથે 2ને ઝડપી પાડ્યા હતા. જ્યારે પોલીસે દારૂ ભરાવનાર 2 અને દારૂ મંગાવનાર 4 સહીત 6ને વોન્ટેડ (Wanted) જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર ગ્રીડ ચાર રસ્તા પાસે એક ક્રેટા કાર (નં. જીજે-15-સીજી-3609) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 2,40,120 રૂપિયાની વિદેશી દારૂની 900 બાટલીઓ મળી આવતા બારડોલી તાલુકાના નિઝર ગામે માહ્યાવંશી મહોલ્લામાં રહેતા આયુષ ઉર્ફે જીલુ પ્રવિણભાઈ માહ્યાવંશી અને વલસાડના ઉમરગામ તાલુકામાં સરીગામ સરી ગામ ત્રણ રસ્તા પાસે નુતુરનગર ફળીયામાં ગંગાજમના સરસ્વતી એપાર્ટમેન્ટમાં રહેતા આનંદ ચંદ્રશેખર સિંહને ઝડપી પાડ્યા હતા. પોલીસે આયુષ ઉર્ફે જીલુ અને આનંદની પૂછપરછ કરતા દમણના રીંગણવાડામાં રહેતા અંકિત પટેલ અને દમણના બામણપુજામાં રહેતા ફેનિલ પટેલે દારૂ ભરાવી આપ્યો હતો.
તેમજ મહુવા તાલુકાના તરસાડી ગામે રહેતા દિનેશ સુરેશભાઈ સોની ઉર્ફે દિનેશ મારવાડી, મહુવા તાલુકાના કણઈ ગામે રહેતા અમિત જીતુભાઈ દરબાર, મહુવા તાલુકાના પથરણ ગામે રહેતા ભરત પટેલ અને સુરત કામરેજ તાલુકાના અંત્રોલીમાં રહેતા રીંકોએ દારૂ મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે દારૂ ભરાવનાર 2 અને દારૂ મંગાવનાર 4 સહીત 6ને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 5 લાખની કાર અને 20,500 રૂપિયાના 4 મોબાઈલ મળી કુલ્લે 7,60,620 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.
નેત્રંગ નજીક અકસ્માતગ્રસ્ત કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
ભરૂચ : ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે નેત્રંગના તાલુકાના ગંભીરપુરાથી ઝોકલા ગામના માર્ગ ઉપર અકસ્માતગ્રસ્ત કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ ઝઘડિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના ઝોકલા ગામનો બુટલેગર સુરેશ ઉર્ફે સૂર્યો રામભાઈ વસાવા જેસપોર ગામથી મોટા માલપોર રસ્તે ગંભીરપુરા થઇ તેના ઘરે ઇક્કો ગાડી નંબર જીજે-૧૬-ડીજી-૦૧૪૯માં વિદેશી દારૂ ભરીને જનાર છે. જેવી બાતમીના આધારે ગંભીરપુરાથી ઝોકલા ગામના માર્ગ ઉપર વોચમાં હતા. તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવવા ઈશારો કરતા બુટલેગરે ઝડપથી કાર હંકારી મૂકી હતી. પોલીસે તેનો પીછો કરતા ગંભીરપુરાથી ઝોકલા ગામના માર્ગ ઉપર બુટલેગરની કાર પલટી ખાઈ ગઈ હતી. જે કારમાંથી પોલીસને વિદેશી દારૂની ૭૬ નંગ બોટલ મળી આવી હતી. પોલીસે ૭ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર સુરેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.
ઓલપાડ પોલીસે દેલાડ ગામેથી રૂ.૪૦,૮૦૦ ની કિંમતનો વિદેશી દારૂ ઝડપ્યો
દેલાડ: ઓલપાડ પોલીસે દેલાડ ગામેથી રૂ.૪૦,૮૦૦ ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી દેલાડનો લિસ્ટેડ બુટલેગર અજય ઘેલા વાઘેલાને વોન્ટેડ જાહેર કર્યો છે. ઓલપાડ પોલીસ મથકના અ.હે.કો.પ્રકાશ વાલજી તથા અ.હે.કો. મુકેશ જેરામને ખાનગી બાતમી મળી હતી કે, દેલાડ ગામે રહેતો લિસ્ટેડ બુટલેગર અજય ઘેલા વાઘેલા એક સિલ્વર કલરની રીટ્ઝ ફોર વ્હીલ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી દેલાડ ગામની સીમમાં દેલાડ ગ્રામ પંચાયત પાછળ આવેલ નટુજી ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં જવાના રસ્તા પરથી પસાર થનાર છે.
આ બાતમીના પગલે પોલીસ સ્ટાફે વોચ ગોઠવી બાતમી સ્થળેથી પસાર થતી ફોર વ્હીલ કારને આંતરી તપાસ કરી હતી.તે દરમ્યાન કારમાંથી પાસ પરમીટ વિનાના ભારતીય બનાવટના વિદેશી દારૂ વ્હીસ્કીની નાની બોટલો તથા બીયર ટીન મળી કુલ બોટલ નંગ. ૪૩૨, જેની કિંમત રૂ.૪૦,૮૦૦ નો જથ્થો મળી આવ્યો હતો.જેથી પોલીસે ફોર વ્હીલ કાર નંબર:જીજે- ૨૧,એએ-૦૬૨૩,જેની કિંમત રૂ.૨.૫૦ લાખ મળી કુલ રૂ.૨,૯૦,૮૦૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો.પોલીસે પ્રોહી.ના ગુનામાં સંડોવાયેલ લિસ્ટેડ બુટલેગર અજય ઘેલા વાઘેલા(રહે.દેલાડ ગામ)ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.