દમણ (Daman): ભારેથી અતિભારે વરસાદને (Heavy Rain) લીધે દરિયો (Sea) પણ તોફાની બન્યો છે, ત્યારે મંગળવારે મધરાત્રે નવસારીથી (Navsari) મુંબઈ (Mumbai) તરફ જવા નીકળેલી 11 માછીમારોની (Fisherman) બોટ (Boat)દમણના દરિયામાં ફસાઈ ગઈ હતી. બોટનું એન્જિન (Engine) અચાનક ખરાબ થઈ જતા દરિયાનું પાણી બોટમાં પાણી પ્રવેશવા લાગ્યું હતું, જેને લીધે બોટ ડૂબી જવાની સ્થિતિમાં આવી હતી. દરમિયાન માછીમારોએ હેલ્પનો મેસેજ મોકલતા દમણ કોસ્ટગાર્ડ (Coast Guard) દ્વારા તરત જ હેલિકોપ્ટરની (Helicopter) મદદથી રેસ્ક્યૂ ઓપરેશન (Rescue Operation) હાથ ધર્યું હતું અને તમામ માછીમારોને રેસક્યુ કરી કોસ્ટગાર્ડ એર સ્ટેશન ખાતે સહીસલામત લાવવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે રાત્રે 10.30 કલાકે નવસારીથી 11 માછીમારો તુલસી દેવી નામની બોટ લઈ મુંબઈ તરફ જવા નીકળ્યા હતા. આ બોટ દમણના દરિયા પાસે પહોંચી ત્યારે આજે સવારે બોટનું એન્જિન અચાનક ખરાબ થઈ ગયું હતું. લાંબો સમય સુધી બોટ મધદરિયે ફસાયેલી હતી. દરમિયાન દરિયાનું પાણી બોટમાં પ્રવેશવા લાગ્યું હતું, જેના લીધે બોટ ડૂબવાની સ્થિતિમાં પહોંચી હતી. બોટમાં 11 માછીમારો બેઠાં હતાં, તે તમામના જીવ ટાળવે ચોંટી ગયા હતા. ભારે વરસાદના લીધે દરિયો તોફાની બન્યો હતો, તેમાંય બોટનું એન્જિન અચાનક બંધ થઈ ગયું હતું અને તેમાં પાણી ભરાઈ રહ્યું હતું, તેથી માછીમારોને શું કરવું તે સમજાતું નહોતું. માછીમારોએ હેલ્પ માટે મેસેજ મોકલ્યો હતો, જે દમણ કોસ્ટગાર્ડને મળ્યો હતો. દમણ કોસ્ટગાર્ડે તરત જ હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું અને તમામ 11 માછીમારોને સહીસલામત બચાવી દમણ કોસ્ટગાર્ડના એર સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ માછીમારોની પ્રાથમિક સારવાર ચાલી રહી છે.
ગયા અઠવાડિયે અમરેલીની બોટ દમણના દરિયામાં ફસાઈ હતી
હજુ ગયા ગુરુવારે જ અમરેલીના જાફરાબાદની એક બોટ ગુમ થઈ ગઈ હતી. આ બોટ પણ દમણના દરિયામાં ફસાઈ હતી તેથી દમણ કોસ્ટ ગાર્ડ દ્વારા તેની શોધ આદરવામાં આવી હતી. આ બોટ દમણથી 32 નોટિકલ માઈલ દૂર ફસાઈ હતી. આ બોટમાં 8 માછીમારો ફસાયા હતા. કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની મદદથી તે બોટ પાસે જઈ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું હતું. કોસ્ટગાર્ડ દ્વારા 5 ખલાસીને બચાવી લેવાયા હતા.