નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં આજે વરસાદે (Rain) ધુંઆધાર બેટીંગ કરતા જિલ્લામાં સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. ગણદેવી તાલુકામા 10 ઇંચ, જલાલપોર તાલુકામા સાડા 8.5 ઇંચ, નવસારી તાલુકામા આઠ ઇંચ, ખેરગામ અને ચીખલી તાલુકામાં સાડા સાત ઇંચ વરસાદ નોંધાયો હતો. જેથી આ સિઝનનો (Monsoon) એક દિવસમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે.
નવસારી જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી વરસાદની ગેરહાજરી રહી હતી. તો ક્યારેક વરસાદી ઝાંપટા પડી રહ્યા હતા. જોકે આ સિઝનમાં અગાઉ એક દિવસ સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. પરંતુ ત્યારબાદ જિલ્લામાં વરસાદ પડ્યો ન હતો. જેથી જિલ્લાના લોકો અને ખેડુતો વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. દરમિયાન ગત મોડી રાત્રેથી નવસારી જિલ્લામાં વરસાદ શરૂ થતા વરસાદે ધુંઆધાર બેટીંગ કરી હતી. જેથી જિલ્લામાં સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. નવસારી અને વિજલપોર શહેરમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જ્યારે કેટલાક ઘરોમાં વરસાદી પાણી ભરાયા હતા.
ગત મોડી રાત્રે 4 કલાકમાં અને રવિવારે સવારે 4 કલાકમાં ધમધોકાર વરસાદ ખાબક્યો
ગત મોડી રાત્રે 2 વાગ્યેથી સવારે 6 વાગ્યે સુધી 4 કલાકમાં ગણદેવી તાલુકામાં 5 ઇંચ, ચીખલી તાલુકામાં 3.8 ઇંચ, નવસારી અને ખેરગામ તાલુકામાં 3 ઇંચ અને જલાલપોર તાલુકામા 2.3 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે આજે સવારે 6 વાગ્યેથી 10 વાગ્યે સુધી 4 કલાકમાં જલાલપોર તાલુકામાં 5.7 ઇંચ, ગણદેવી તાલુકામાં 5 ઇંચ, નવસારી તાલુકામાં 4.7 ઇંચ, ખેરગામ તાલુકામાં 4.3 ઇંચ, ચીખલી તાલુકામં 3.4 ઇંચ વરસાદ નોંધાયો હતો. પરંતુ વાંસદા તાલુકામાં માત્ર નામ પુરતો જ વરસાદ નોંધાયો હતો. જોકે બપોર બાદ વરસાદે આરામ ફરમાવતા શહેરના રસ્તાઓ ઘરમાં ભરાયેલા વરસાદી પાણી ઓસરવા લાગ્યા હતા. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
નવસારીમાં ક્યાં ક્યાં પાણી ભરાયા
નવસારી અને વિજલપોર શહેરમાં આભ ફાટતા વરસાદી પાણી ભરાયા હતા. જેમાં કહારવાડ, કાશીવાડી, નાની ચોવીસી, કુંભારવાડ, યોગીનગર, તિધરા હળપતિવાસ, નવીનગરી, ગોહિલ હોસ્પિટલ પાસે, લુન્સીકુઇથી જમાલપોર જતા રસ્તા પર, શાંતાદેવી રોડ, રેલ્વે ગરનાળુ, વિઠ્ઠલમંદિરથી ફાટક જતા રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા. જેના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. નવસારીના મુખ્ય રસ્તાઓ ઉપર વરસાદી પાણીના ભરાવાને પગલે વાહનોની લાંબી લાઇનો લાગતા ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા.
લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીનો સમાન બગડ્યો, મોટરથી પાણી કાઢ્યા
નવસારી જિલ્લામાં વરસાદની ધુંઆધાર બેટીંગ રહી હતી. નવસારી અને વિજલપોર શહેરના ઘણાં વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા હતા. જેમાં નવસારીના કાશીવાડી, નાની ચોવીસી ગામે, તીધરા, વિજલપોરના મારૂતીનગર સહિત નિચાણવાળા વિસ્તારોના ઘરોમાં પણ પાણી ભરાયા હતા. જેથી લોકોનો ઘરવખરીનો સમાન બગડતા નુકસાન થયું હતું. જોકે બપોરબાદ વરસાદે વિરામ લેતા લોકોએ પાણી ઘરોમાંથી કાઢવાનું કામ શરૂ કર્યુ હતુ. જ્યારે વિજલપોરના મારૂતીનગરમાં લોકોએ મોટર દ્વારા ઘરોમાંથી પાણી કાઢ્યા હતા.