નવસારી: (Navsari) નવસારી ડાયમંડ ફેક્ટરીના (Diamond Factory) સંચાલકો દ્વારા એક રત્ન કલાકારને (Diamond Worker) હેરાનગતિ કરવામાં આવતા કંટાળેલા રત્ન કલાકારે આજે ડાયમંડ ફેક્ટરીની સામે જ કેરબામાં પેટ્રોલ લઈ પહોંચી સળગી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે તેને બચાવી કાર્યવાહી હાથ ધરી છે.
- ડાયમંડ ફેક્ટરીના સંચાલકો હેરાન કરતા રત્ન કલાકાર કેરબામાં પેટ્રોલ લઈ પહોંચ્યો
- નવસારી ડાયમંડ ફેક્ટરીની સામે પહોચી સળગી જવાનો રત્ન કલાકારનો પ્રયાસ, પોલીસે બચાવ્યો
મળતી માહિતી મુજબ, નવસારી સબજેલની પાછળ સત્યસાંઈ ગેટ નજીક એક ડાયમંડની ફેક્ટરી આવી છે. જે ફેક્ટરીમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો કામ કરે છે. ત્યારે એક રત્ન કલાકારે આજે તે ડાયમંડ કંપનીના સંચાલકો સામે આક્ષેપો કર્યા હતા. ડાયમંડ ફેક્ટરીના સંચાલકો વારંવાર હેરાનગતિ કરતા હોવાના આક્ષેપો રત્ન કલાકારે કર્યા હતા. જે ત્રાસથી રત્ન કલાકાર કંટાળી ગયો હોવાથી આજે રત્ન કલાકાર કેરબામાં પેટ્રોલ ભરી તેની ફેક્ટરી બહાર પહોંચી ગયો હતો. જ્યાં તે રત્ન કલાકાર સળગી જવાનો પ્રયાસ કરવાની તૈયારીમાં હતો. જોકે તે જ સમયે નવસારી એલ.સી.બી. પોલીસનો સ્ટાફ પહોંચી જતા તે રત્ન કલાકાર પાસેથી પેટ્રોલ ભરેલો કેરબો લઈ તેને એલ.સી.બી. કચેરીએ લઈ જવામાં આવ્યો હતો.
દમણ પાલિકામાંથી કમ્પ્લિશન સર્ટિફિકેટ અપાવવાનું કહી પૈસા પડાવતા લોકોથી સાવધાન
દમણ : સંઘપ્રદેશ દમણ નગરપાલિકામાંથી રહેણાંક અને વાણિજ્ય બાંધકામનું કમ્પ્લિશન સર્ટિફિકેટ અપાવવાનું કહી પૈસા એંઠતાં અમુક લોકોથી સાવધાન રહેવા પાલિકાના સીઓ દ્વારા લોકોને અપીલ કરાઈ છે. નગર પાલિકાના ચીફ ઓફિસર સંજામ સિંહ દ્વારા લોકોને સચેત રહેવા એક વીડિયો મારફતે જાણકારી આપવામાં આવી છે કે, છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાને જાગૃત નાગરિકો દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી કે, અમુક લોકો દ્વારા રહેણાંક અને વાણિજ્ય બાંધકામનું નગરપાલિકા દ્વારા આપવામાં આવતું કમ્પ્લિશન સર્ટિફિકેટ પાલિકામાંથી કઢાવી આપવાનું વચન આપી પૈસા એંઠી રહ્યા છે.
ત્યારે પાલિકાના ચીફ ઓફિસરે આવા તત્વોથી સચેત રહેવા અને આવા ગેરકાયદે કાર્યો કરતાં તત્વોને ખુલ્લા પાડવા માટે તુરંત પાલિકામાં ફરિયાદ કરવા લોકોને અપીલ કરી છે. જે કોઈપણ વ્યક્તિ આવા તત્વો વિરૂધ્ધ બાતમી પાલિકાને આપશે એવા લોકોના નામ જાહેર ન થશે એવી બાહેંધરી પણ આપી છે. કોઈ કારણોસર પાલિકામાં આવતા રહેણાંક અને વાણિજ્ય ઇમારતોના કમ્પ્લિશન સર્ટિફિકેટ જે લોકોના બાકી રહી ગયા છે, એવા લોકો માટે આગામી 14 અને 15 સપ્ટેમ્બરના રોજ પાલિકા દ્વારા મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જરૂરી દસ્તાવેજની ચકાસણી કર્યા બાદ બાંધકામ અંગેનું કમ્પ્લિશન સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા હાથ ધરાશે એવું પાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે.