નવસારી: (Navsari) અમલસાડથી દાંડી દરિયા કિનારે ફરવા આવેલા પ્રેમી પંખીડાઓને (Lovers) પોલીસની ખોટી ઓળખ આપી 500 રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ તે પ્રેમી પંખીડાઓએ બહાર નીકળી હાજર પોલીસને (Police) જાણ કરતા પોલીસે પોલીસની ખોટી ઓળખ આપનારને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.
- દાંડીના દરિયા કિનારે પ્રેમી પંખીડાઓ પાસેથી નકલી પોલીસે નાણાં પડાવ્યા
- પ્રેમી પંખીડાઓએ બહાર નીકળી હાજર પોલીસને જાણ કરતા બોગસ પોલીસને ઝડપી પાડ્યો
મળતી માહિતી મુજબ, ગણદેવી તાલુકાના અમલસાડ ગામે મચ્છીમાર્કેટમાં રહેતા સુરેશભાઈ 30મી સપ્ટેમ્બરે તેની પ્રેમિકા સાથે દાંડી દરિયા કિનારે આવ્યા હતા. જ્યાં તડકો વધારે લાગતો હોવાથી તેઓ દરિયા કિનારે નજીકમાં આવેલા ઝાડવા અને બાવળિયાના ઝાડ પાસે જઈ બેસેલા હતા. ત્યારે એક અજાણ્યો ઇસમે આવી સુનિલ અને તેની પ્રેમિકાના ફોટા પાડ્યા હતા. અને પૂછ્યું હતું કે, તમે ઘરે કહીને આવ્યા નથી, જેથી હું તમારા ઘરે ફોનથી જાણ કરીશ અને પોતે પોલીસ હોવાની ઓળખાણ આપી હતી. જેથી સુનિલ ગભરાઈ ગયો હોવાથી જવા દેવા માટે જણાવ્યું હતું.
પરંતુ તે ઇસમે એક હજાર રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ સુનિલ પાસે ફક્ત 500 રૂપિયા હોવાથી તે ઇસમે 500 રૂપિયા લઈ તેના મોબાઈલમાંથી ફોટો ડિલીટ કરી દીધો હતો. ત્યારબાદ સુનિલ તેની પ્રેમિકા સાથે બહાર નીકળતા ત્યાં ખાખી વર્દી પહેરેલા પોલીસ જેવા માણસોને વાત કરી હતી. જેથી પોલીસે તે ઇસમ બાબતે તપાસ કરતા તેને શોધી કાઢી બતાવતા તે ઈસમને ઓળખી કાઢ્યો હતો. તે ઈસમ વિજલપોર શનેશ્વર નગરમાં રહેતા બ્રિજભૂષણ રામનાથ રાય હોવાનું જણાયું હતું. આ બાબતે સુનિલે જલાલપોર પોલીસ મથકે બ્રિજભૂષણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તપાસ એ.એસ.આઈ. રાજુભાઈને સોંપી છે.
નવસારી લુન્સીકુઈના ગલ્લા પર જુગાર રમતા 4 ઝડપાયા, 2 વોન્ટેડ
નવસારી : નવસારી લુન્સીકુઈના ગલ્લા પર આંક ફરકનો જુગાર રમી-રમાડતા 4ને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય બેને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, નવસારી ટાઉન પોલીસે બાતમીના આધારે નવસારી લુન્સીકુઈ ખાતે આવેલા આંબેડકર સર્કલ પાસે આવેલી દિલ્લી માંખનવાલા નામની આમલેટની લારીની બાજુમાં આવેલી પાન-મસાલાની લારી ઉપર ગણદેવી રોડ પર શિવદર્શન સોસાયટીમાં શિલ્કી એપાર્ટમેન્ટમાં રહેતા સુરેશભાઈ લલ્લુભાઈ ગુપ્તા કમીશન પેટે રૂપિયા લઈ ગ્રાહકો તરીકે બોલાવી આંક ફરકના વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી પાડ્યો હતો.
સાથે જ પોલીસે આંક ફરકનો જુગાર રમતા દશેરા ટેકરી શીવાંજલિ એપાર્ટમેન્ટમાં રહેતા હર્ષદભાઈ ઉર્ફે હેરી છીતુભાઈ પટેલ, ઝવેરી સડક અષ્ટમંગલ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવિણભાઈ લીલાધરભાઇ સોની અને ભૂલા ફળિયા ગામે ડી.પી ફળીયામાં રહેતા છનાભાઇ મણીભાઈ રાઠોડને ઝડપી પાડ્યા હતા. જ્યારે પોલીસે દશેરા ટેકરીમાં રહેતા હાર્દિકભાઈ વિનયભાઈ ટંડેલ અને જતીન મિતેશભાઈ પટેલને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી 27 હજાર રૂપિયાના 4 મોબાઈલ અને રોકડા 16,900 રૂપિયા મળી કુલ્લે 43,900 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.