નવસારી: (Navsari) જલાલપોર પોલીસે બાતમીના આધારે અબ્રામા ગામ (Village) પાસેથી કારમાં (Car) વિદેશી દારૂ (Alcohol) ભરી આપવા જતા બેને ઝડપી પાડ્યા હતા. જ્યારે વાઈન શોપના સંચાલક અને અન્ય એકને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
- અબ્રામા ગામ પાસેથી કારમાં વિદેશી દારૂ આપવા જતા 2 ઝડપાયા, 2 વોન્ટેડ
- કારમાંથી વિદેશી દારૂની 264 નંગ બાટલીઓ મળી આવી
મળતી માહિતી મુજબ, જલાલપોર પોલીસે બાતમીના આધારે અબ્રામા ગામ આકડીયા નાળ પાસેથી એક કાર (નં. જીજે-15-સીડી-2712) માંથી 30,240 રૂપિયાનો વિદેશી દારૂની 264 નંગ બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે જલાલપોર તાલુકાના સરાવ ગામે મીઠા ફળીયામાં રહેતા પરેશભાઈ સુરેશભાઈ હળપતિને ઝડપી પાડ્યો હતો. પરેશભાઈ દારૂનો જથ્થો જલાલપોર તાલુકાના અબ્રામા ગામે ચોરમલા ફળીયામાં રહેતા ઉમેશભાઈ મુકેશભાઈ હળપતિને આપવા જતા હોવાથી પોલીસે ઉમેશભાઈને પણ ઝડપી પાડ્યા હતા.
પોલીસે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા પરેશભાઈએ જણાવ્યું હતું કે, દમણના પાતલીયામાં આવેલા રોયલ વાઈનના સંચાલક પાસેથી વિદેશી દારૂ ભરી લાવી ઉમેશભાઈ અને વલસાડના ગુંદલાવ ચોકડી પાસે રહેતા કૃણાલભાઈ પટેલને આપવા જતો હોવાનું કબુલ્યું હતું. જેથી પોલીસે રોયલ વાઈનના સંચાલક અને કૃણાલભાઈને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 3 લાખની કાર, 15 હજાર રૂપિયાની મોપેડ (નં. જીજે-21-આર-4185) અને 20 હજાર રૂપિયાના 2 મોબાઈલ મળી કુલ્લે 3,65,240 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.