નવસારી: (Navsari) નવસારીમાં ગૃહકલેશમાં પિતાએ પુત્રને બિલ્ડીંગ (Building) પરથી નીચે ફેંકી દીધા બાદ પિતાએ પણ બિલ્ડીંગ પરથી નીચે ઝંપલાવી દીધું હતું. જેના પગલે પિતા અને પુત્ર બંનેનું મોત નીપજ્યાનો બનાવ નવસારી ટાઉન પોલીસ મથકે (Police Station) નોંધાયો છે. મોનીકાબેને નવસારી ટાઉન પોલીસ મથકે પતિ રાકેશગીરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
- પુત્રને બિલ્ડીંગના આઠમા માળેથી નીચે ફેંકી પિતા પણ કુદી ગયા
- નવસારીમાં ગૃહકલેશમાં પિતાએ પુત્રને બિલ્ડીંગ પરથી નીચે ફેંકી દીધા બાદ પોતે પણ ઝંપલાવતા બંનેના મોત
- કામ ધંધો નહીં કરતો વ્યસની અને શંકાશીલ પતિ માર મારતો હતો
મળતી માહિતી મુજબ, મૂળ ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વર્શિંગપુર રોડ શ્રીજી પાર્કમાં અને હાલ નવસારી જુનાથાણા સરકારી વસાહતના સ્ટાફ ક્વાર્ટસમાં રહેતા મોનીકાબેનના લગ્ન ગત 2016 માં ગીરસોમનાથ જિલ્લાના એલમપુર ગામે અને હાલ મુંબઈ ઇસ્ટ મીરાં રોડ કાશમીરા પોલીસ સ્ટેશનની પાછળ હીરાકો એમીનેન્સમાં રહેતા રાકેશગીરી બાલુગીરી ગૌસ્વામી સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન મોનીકાબેને બે જોડિયા બાળકો પુત્ર દ્વિજ અને પુત્રી દ્રીતાનો જન્મ થયો હતો. ગત 2020 માં મોનીકાબેને તેમના પતિ રાકેશગીરીના કહેવાથી નવસારી રહેતા હતા.
મોનીકાબેનના પતિ રાકેશગીરી કોઈ કામ ધંધો કરતા ન હતા. તેમજ તેઓ વ્યસની અને શંકાશીલ સ્વભાવના હતા અને મોનીકાબેનને માર મારતા હતા. જેથી મોનીકાબેને પતિ રાકેશગીરીને કામ ધંધો કરવા જણાવતા નવ મહિના પહેલા રાકેશગીરી મુબઇ જતા રહ્યા હતા. ગત માર્ચ 2023 માં રાકેશગીરી મોનીકાબેનની જાણ બહાર નવસારી આવી બંને બાળકોને શાળાએથી લઈ જતા રહ્યા હતા. જે બાબતે મોનીકાબેનને જાણ થતા આઠ દિવસ બાદ બંને બાળકોને નવસારી ખાતે મૂકી ગયા હતા.
ગત 20મીએ મોનીકાબેન અને તેમના પુત્ર-પુત્રી રાત્રે સરકારી વસાહતના નીચેના ભાગે ગરબા રમતા જોવા માટે ગયા હતા. દરમિયાન રાકેશગીરી તેમની પાસે આવી પુત્ર દ્વિજને બળજબરીથી ખેંચીને તેની સાથે લઈ ગયા હતા. જેથી મોનીકાબેન તેમની પાછળ-પાછળ ગાય હતા. પરંતુ તેઓ ક્યાંય દેખાયા ન હતા. જેથી આજુબાજુના બીજા માણસો ભેગા થઈ ગયા હતા. ત્યારે એક ભાઈએ મોનીકાબેનને જણાવ્યું હતું કે, તે છોકરાને લઈને સરકારી કવાટર્સના આઠમાં માળે અગાશીના ભાગે ગયો છે. જ્યારે અન્ય એક ભાઈએ જાણ કરી હતી કે, એક ભાઈ સી બિલ્ડીંગના અગાસીના ભાગે હલન-ચલન કરતો જોવા મળે છે. જેથી આ બાબતે પોલીસને જાણ કરી હતી.
પરંતુ આજે વહેલી સવારે સી બિલ્ડીંગના પાર્કિંગના ભાગેથી જોરથી બે અવાજ સંભળાયા હતા. જેથી મોનીકાબેને જોતા પતિ રાકેશગીરી અને પુત્ર દ્વિજ સી બિલ્ડીંગના ભોયતળીયે પૂર્વ તરફના પાર્કિંગના ભાગે જમીન પર નીચે પડેલા જોવામાં આવ્યા હતા. પતિ અને પુત્રના માથાના ભાગેથી લોહી નીકળતું હતું. આ ઘટનાને લઈ લોકટોળું ભેગું થઈ ગયું હતું. જેથી પુત્ર દ્વીજને ખાનગી કારમાં બેસાડી નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં હોસ્પિટલના ડોક્ટરે તેને ચકાસીને મૃત જાહેર કર્યો હતો. તો બીજી તરફ રાકેશગીરીને 108 એમ્બ્યુલન્સ મારફતે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં પણ હોસ્પિટલના ડોક્ટરે તેમને ચકાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોનીકાબેને નવસારી ટાઉન પોલીસ મથકે પતિ રાકેશગીરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ પી.આઈ. કે.એચ. ચૌધરીએ હાથ ધરી છે.