નવસારી: (Navsari) નવસારીમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવસારીના જમાલપોરમાં બાળકી (Baby Child) રમતા-રમતા પાણી ભરેલી ડોલમાં (Bucket) પડી જતાં પાણીમાં ડૂબી જતા (Drown) મોત નીપજ્યું હતું.
- નવસારીના જમાલપોરમાં એક વર્ષીય બાળકીનું પાણી ભરેલી ડોલમાં ડુબી જતાં મોત
- નેપાળી શ્રમજીવી દંપતીને કારમો આઘાત, માતા કામ પર ગઈ અને પિતા કામથી આવીને સૂતા હતાં, બાળકી રમી રહી હતી ને…
- નવસારીમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
મળતી માહિતી મુજબ, નવસારીના જમાલપોરમાં નીલકંઠ એપાર્ટમેન્ટમાં એક નેપાળી પરિવાર રહે છે. નેપાળી દંપતીને સંતાનમાં એક વર્ષીય બાળકી હતી. આજે બાળકીની માતા ઘરકામ કરવા ગઈ હતી અને પિતા વોચમેનનું કામ કરી આવ્યા હોવાથી સુતા હતા. જેથી બાળકી ઘરમાં એકલી રમી રહી હતી. દરમિયાન બાળકી રમતા-રમતા પાણી ભરેલી ડોલમાં પડી ગઈ હતી. જેના કારણે ડોલના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. સુતેલા પિતા જાગી જતા બાળકીને ડોલમાં ડૂબેલી જોતા તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. પિતાએ બાળકીને ડોલમાંથી કાઢી જોતા બાળકી બેભાન હોવાથી પિતાએ બાળકીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરે બાળકીને ચકાસીને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે નવસારી ગ્રામ્ય પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
વાપીમાં ડેન્ગ્યૂથી ત્રણનાં મોત અને 56 શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગની દોડધામ વધી
વાપી: વાપીમાં ડેન્ગ્યૂને કારણે પરિસ્થિતિ ચિંતાજનક જોવા મળી રહી છે. ઇજીપ્તના મચ્છરથી ફેલાતા ડેન્ગ્યૂના કેસ વાપીમાં મોટી સંખ્યામાં જોવા મળતા આરોગ્ય વિભાગની દોડધામ વધી ગઈ છે. વાપીમાં ડેન્ગ્યૂના શંકાસ્પદ કેસનો આંક 56 ઉપર પહોંચ્યો છે, જ્યારે ડેન્ગ્યૂના કારણે ત્રણ મોત થયા છે. આરોગ્ય વિભાગની ટીમ મચ્છરના ઇંડા હોય તેવી જગ્યાઓની શોધખોળ કરીને સંબંધિત સોસાયટીઓને પણ આ અંગે સાવચેત રહેવા જણાવી રહી છે.
ડેન્ગ્યૂના મચ્છર ચોખ્ખા પાણીના સગ્રહમાં થાય છે. હાલમાં રહી રહીને વરસાદ થતો હોવાથી ચોખ્ખું પાણી સંગ્રહ થવાની સંભાવના વધુ થઈ ગઈ છે. આવા સમયે નવા બાંધકામ થઈ રહ્યા હોય તેવી જગ્યામાં ડેન્ગ્યૂના મચ્છર તથા તેના ઇંડા જોવા મળે છે. પક્ષી માટેના કુંડા તેમજ ફૂલઝાડના કુંડામાં પણ જ્યાં ચોખ્ખું પાણી સંગ્રહ થાય ત્યાં આ મચ્છરનો ઉપદ્રવ વધુ હોય છે. ખુલ્લામાં પડી રહેલા ટાયર કે ખુલ્લામાં પ્લાસ્ટીક કુંડા જેવી વસ્તુઓમાં આ મચ્છર વધુ થાય છે. મચ્છર નહીં થાય તેના માટે કાળજી લેવી જરૂરી છે. આખા જિલ્લામાં હમણાં સુધીમાં 39 ડેન્ગ્યૂના કન્ફર્મ કેસ જોવા મળ્યા છે. જો કે વાપીને ડેન્ગ્યૂએ ભરડામાં લીધું હોવાથી આરોગ્ય વિભાગે મોટાપાયે ડેન્ગ્યૂના મચ્છર નહીં થાય તેના માટે પગલાં લેવાની જરૂર છે.