SURAT

નવસારીના વેપારીને એકાએક ચક્કર આવ્યા, વોમિટ થઈ અને પછી એવું થયું જે…

સુરત: નવસારીના (Navsari) બ્રેઈનડેડ (Brain Dead) વેપારીના અંગોના દાનના (Organ Donation) લીધે ત્રણ લોકોને નવું જીવન મળ્યું છે. એકાએક ચક્કર આવ્યા વોમિટ થઈ અને પછી હોસ્પિટલના બિછાને જ જીવન ગુમાવનાર નવસારીના વેપારીના પરિવારજનોએ ઉદારતા દાખવી વેપારીના અંગોનું દાન કરતા વાપીના બે અને સુરતના એક વ્યક્તિને નવું જીવન મળ્યું છે.

આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર નવસારીના વિજલપોર ખાતે રહેતા વેપારી જતીનભાઈ ગઈ તા. 2 નવેમ્બરના રોજ સાંજે 7.00 અન્ય વેપારીને ત્યાં ગયા હતા ત્યારે તેમને ચક્કર આવ્યા હતા અને વોમિટ થઈ હતી. તેમની તબિયત વધારે ખરાબ થતા તેઓને નવસારીની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સીટી સ્કેન કરાવવામાં આવતા બ્રેઈન હેમરેજ તેમજ મગજમાં લોહીનો ગઠ્ઠો અને સોજો હોવાનું નિદાન થયું હતું. નવસારીના ન્યૂરોસર્જન હરિન મોદીએ સર્જરી કરી સોજો દૂર કર્યો હતો, ત્યાર બાદ પરંતુ તેઓની સ્થિતિ સુધરી નહોતી, તેઓને બાદમાં સુરતની કિરણ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયા હતા. કિરણ હોસ્પિટલમાં તેઓને સ્ટેબલ કર્યા હતા. બાદમાં 17 નવેમ્બરના રોજ તેઓ બ્રેઈનડેડ થયા હતા. તેથી જતીનભાઈની કિડની અને લિવરના દાન માટે સુરતની ડોનેટ લાઈફની સંસ્થાનો સંપર્ક કર્યો હતો.

ત્યાર બાદ સુરતની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા જતીનભાઈના મિત્ર પરિમલ નાયક અને હિરેન પરમારે તેમના પરિવારજનોને અંગદાન માટે સમજણ આપી હતી, જેના પગલે જતીનભાઈના પરિવારજનો અંગદાન માટે તૈયાર થયા હતા. જતીનભાઈના પિતા વસંતલાલ અને પત્ની એકતાબેને કહ્યું હતું કે, મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે શરીર તો બળીને રાખ થઈ જવાનું છે, તેના કરતા અંગોના દાનથી કોઈને નવું જીવન મળતું હોય તો અમે અંગદાન માટે તૈયાર છે.

કિરણ હોસ્પિટલમાં બ્રેઈનડેડ વેપારી જતીનભાઈની કિડની અને લિવરનું દાન કરાયું હતું. દાનમાં મળેલી એક કિડનીનું વાપીમાં રહેતી 39 વર્ષીય યુવતી, બીજી કિડનીનું સુરતના 26 વર્ષીય યુવાન અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ વાપીના 48 વર્ષીય વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે.

અત્યાર સુધી 1055 અંગોનું દાન કરાયું
સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1055 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં 444 કિડની, 189 લિવર, 8 પેન્ક્રીઆસ, 42 હૃદય, 26 ફેફસાં, 4 હાથ અને 342 ચક્ષુઓના દાનથી કુલ 968 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

Most Popular

To Top