નવસારી: (Navsari) નવસારી ગ્રામ્ય પોલીસે હોટલ ફનસીટી પાસે 2 કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બંને કારના ચાલકે (Car Driver) કાર ડિવાઈડર કુદાવી ભગાવી દેતા પોલીસે (Police) તે કારનો પીછો કરતા ગણેશ-સિસોદ્રા ગામે 1.37 લાખનો વિદેશી દારૂ ભરેલી કારનું ટાયર ફાટી જતા બુટલેગરો (Bootlegger) બીજી કારમાં બેસી નાસી જતા પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
- દારૂ ભરેલી અને પાયલોટીંગ કારને પોલીસે રોકવાનો ઈશારો કરતા ચાલકોએ ડિવાઈડર કુદાવી કાર ભગાવી
- દારૂ ભરેલી કારનું ટાયર ફાટી જતા બુટલેગરો કાર મૂકી નાસી ગયા
- ગણેશ-સિસોદ્રા ગામેથી 1.37 લાખના વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ, 3 વોન્ટેડ
મળતી માહિતી મુજબ, નવસારી ગ્રામ્ય પોલીસે ગ્રીડ રોડ પર ફનસીટી હોટલ પાસે વોચમાં ઉભા હતા. દરમિયાન એક્સયુવી કાર (નં. જીજે-23-સીસી-2222) અને નંબર વગરની સેલટોસ કિયા કારને રોકવાનો ઈશારો કર્યો હતો. પરંતુ બંને કારના ચાલકે કાર ડીવાઈડર કુદાવી નેશનલ હાઇવે નં. 48 ઉપર સુરત-મુંબઈ રોડ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી હતી. જેથી પોલીસે તે બંને કારનો પીછો કરતા ગણેશ-સિસોદ્રા ગામે વેરાઈ માતાના મંદિર પાસે સેલટોસ કારનું ક્લીનર સાઈડનું ટાયર ફાટી ગયું હતું.
જેથી સેલટોસ કારનો ચાલક અને ક્લીનર એક્સયુવી કારમાં બેસી નાસી ગયા હતા. પોલીસે તે કારની તપાસ કરતા તેમાંથી 1,37,040 રૂપિયાની વિદેશી દારૂની 1068 નંગ બાટલીઓ મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂ સહિત 12 લાખની કાર મળી કુલ્લે 13,37,040 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પરંતુ પોલીસે નાની દમણ કોળીવાડમાં રહેતા કિરણ ઉર્ફે છનિયો બાબુભાઈ પટેલ, દલવાડા ગામે રહેતા ભાવેશ દલવાડા અને સેલટોસ કિયા કારના અજાણ્યા ચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
વલસાડમાંથી ચડ્ડી-બનિયાનધારી ગેંગના સાત પકડાયા, 15 ગુના ઉકેલાયા
વલસાડ : વલસાડ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પારડી ચીવલ રોડ પરથી ચડ્ડી-બનિયાનધારી ગેંગને પકડી પાડી છે. જેમણે વલસાડમાં ચોરીનો પ્રયાસ અને પારડીમાં એક ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતુ. આ સિવાય તેમણે અન્ય રાજ્યમાં ૧૩ જેટલી ચોરી કરી હોવાનું પણ બહાર આવ્યું છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ એલસીબીની ટીમે પારડી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચિવલ રોડ પર હાથ ધરેલા પેટ્રોલિંગમાં એક સફેદ કલરની આર્ટિગા કાર (GJ-01-RD-9857) ને અટકાવી તેની જડતી લીધી હતી. જેમાં સવાર 7 મુસાફર પાસેથી લોખંડનું કટર અને એક વાંદરી પાનું મળી આવ્યું હતું. જેના પગલે તેમના પર શંકા જતા તેમની સઘન પૂછતાછ કરી હતી. જેમાં તેઓ ચડ્ડી-બનિયાનધારી ગેંગના હોવાનું બહાર આવ્યું હતું. વધુ પૂછતાછમાં તેમણે પારડીના બાલદા ગામે ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. અતુલ કોલોનીમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે તમામની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.